જુનાગઢ જુની સિવિલ હોસ્પિટલનો ઝનાના અને બાળકોનો વિભાગ જ્યા કાર્યરત છે એ બિલ્ડીંગ ત્યાં જ કાર્યરત નર્સિંગ સ્કૂલ, જુનાગઢને ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે આ નર્સિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થશે અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રે અભ્યાસ કરવામાં વધુ સરળતા થશે.
જુનાગઢ તથા ગીરસોમનાથ બંને જિલ્લા વચ્ચે નર્સિંગનું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા જનરલ નર્સિંગ સ્કૂલ, જુનાગઢ છે. આ સંસ્થામાં વધુ માળખાગત સવલતો ઉપલબ્ધ બને તો નર્સિંગ સ્કૂલમાં બેઠકોનો વધારો થવાની સંભાવનાને લીધે આ નિર્ણય કરાયો છે. આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલે પણ ૪૦ બેઠકોની પ્રવેશ ક્ષમતા જુનાગઢની નર્સિંગ સ્કૂલ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના ધારાધોરણ જાળવે તે શરતે મંજૂરી આપી છે.
હાલ જુનાગઢ ખાતે જી.એમ.ઇ.આર.એસ. ની ૬૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન મેડીકલ કોલેજની હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. જેમાં તમામ પ્રકારની સારવાર-સગવડતા મળી રહે છે. જુની હોસ્પિટલના બાળકોના વિભાગનું બિલ્ડીંગ હાલની નર્સિંગ સ્કૂલ-હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ આવેલું હોઇ, આ મકાન નર્સિંગ સ્કૂલને ઉપયોગ માટે આપવામાં આવે તો કોઇપણ જાતના વધારાના ખર્ચ સિવાય સ્કૂલ બિલ્ડીંગ તરીકે ઉપયોગ થઇ શકશે.