રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાની રાજ્યમાં પાણી પૂરું પાડવાની યોજનાને જાણે કોઈકની નજર લાગી ગઈ છે. જ્યારથી નર્મદાની મુખ્ય કેનાલ તૈયાર થઈ અને તેની બ્રાન્ચ કેનાલો ઉપરાંત માઈનોર કેનાલો જોડાઈ ત્યારથી આ યોજના પર કોઈકને કોઈક કારણસર તકલીફ આવે જ છે. કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. કેમ કે કેનાલ બનાવવામાં સરકારી બાબુઓએ એટલી બધી મલાઈ તારવી લીધી છે કે, કોન્ટ્રાક્ટરે કેનાલોની દિવાલમાં સિમેન્ટ કરતાં માટીનું પ્રમાણ વધારે રાખી દઈને કેનાલો તૈયાર કરી દીધી છે. આ સંજોગોમાં નહેરમાં પાણીનું વહેણ હોય તેનાં કારણે માટીની બનેલી દિવાલ તૂટી જાય અને તેનાં કારણે લાખો લિટર પાણીનો બગાડ તો થાય જ પણ સાથોસાથ આસપાસનાં ખેતરોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટનાઓને કારણે આ ખેતરોનાં ઊભા મોલને પણ નુકસાન થાય અને તેનાં કારણે ખેડૂત પાયમાલીની ગર્તામાં ધકેલાઈ જાય.
પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી તાલુકાનાં નનુપુરા ગામ પાસે આવેલી માઈનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણી ખેતરોમાં વહી રહ્યું છે. તેથી ખેડૂતો ના પાકોને નુકસાન થઈ રહ્યું છે. ગોઠણ સમાન પાણી ખેતરોમાં ફરી વરતાં કપાસનો પાક સદંતર ધોવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે. નનુપૂરાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. જોકે આ ઘટના બની હોવા છતાં કોઈ એક સરકારી બાબુ કે નર્મદા નિગમનાં અધિકારીઓએ હજુ સુધી આ સ્થળની મુલાકાત લઈને તેની મરામ્મત કરાવવાની શરૂઆત પણ કરી નથી.
ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતાં વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાંખી છે તેમાં ઓછું હોય એમ નર્મદા કેનાલ મારફતે જે પાણી મળવું જોઈએ એ પણ આ રીતે કેનાલમાં ગાબડાં પડવાનાં કારણે વેડફાઈ જાય છે. ખેડૂતોએ વરસાદ ખેંચાતા નર્મદા નિગમ પાસેથી પાક બચાવવા માટે પાણીની માંગણી કરી હતી. પાણી તો મળ્યું પરંતુ ઠેર ઠેર માઈનોર કેનાલોમાં ગાબડાઓના કારણે છોડાયેલું પાણી ખેતરમાં વહી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે.
નસવાડી અને બોડેલી આ ત્રણ તાલુકામાં નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. આ કેનાલોમાં નર્મદાનું પાણી મળતા કેનાલની આજુબાજુના કમાન વિસ્તરોમાં સિંચાઈનું પાણી મળે છે. જેથી ખેડૂતો ખેતી કરી શકે છે. ચાલુ વર્ષે રાજ્યમાં નબળાં ચોમાસાનાં કારણે ખેડૂતોએ પાક બચાવવા માટે પાણીની માંગણી કરી હતી. જે બાબતે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું. ત્યારે નસવાડી તાલુકાના નનુપૂર ગામ પાસે આવેલી માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણી કોતરમાં વહી ગયું છે. જ્યારે ખેતી માટે પાણીની સખત જરૂર છે, ત્યારે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો કોતરમાં વહી ગયો છે. આ વિસ્તારની આ કેનાલમાં ઠેર ઠેર ગાબડાંઓના કારણે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે તેમ છતાં નિંભર તંત્રને આ ધ્યાને આવતું નથી એ એક મોટો સવાલ છે.
નર્મદા નિગમ કેનાલો બનાવડાવી દે છે. પરંતુ પછી કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે જે તે એજન્સી કે કોન્ટ્રાક્ટરે તેને સમયાંતરે મેઈન્ટેન કરવાની હોય છે તેમ જ ક્યાંક કેનાલમાં ગાબડું પડે તો તેને રિપેર કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની અને આ રિપેર કરાવવાની જવાબદારી નિગમની હોવા છતાં તેની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે આ પ્રકારનાં ગાબડાં ખેડૂતોને વધુને વધુ નુકસાનીની ગર્તામાં ધકેલી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે આવા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાં જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી પણ ઉઠવા પામી છે.