નવસારી ભાજપમાં કટોકટી, વીજલપોરના રાજીનામાં

નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપમાં વિવાદો અને સરમુખત્યારશાહી ઘર કરી ગયા છે. કાર્યકરો અને સંગઠનના નેતાઓ વચ્ચે વારંવાર વિવાદો ઊભા થઈ રહ્યાં છે. વિજલપોર પાલિકા અસંતોષની આગ ફાટી નિકળી છે. ભાજપના નેતાઓ વિરૃદ્ધ લાગણી એટલી ધેરી બની છે કે સત્તા પરિવર્તન ને ભાજપને ઉખેડી ફેંકવા સુધી વાત પહોંચી છે. ભાજપ માટે રાત દિવસ કામ કરીને પક્ષને ઊંચો લાવનારા કાર્યકરોને જ હવે પક્ષ સાંભળતો નથી અને ભ્રષ્ટાચારથી આવક મેળવી આપતાં નેતાઓને જ સાંભળવામાં આવી રહ્યાં હોવાનું કાર્યકરો માની રહ્યાં છે. તેથી વિજલપોરમાં ભાજપમાં રાજીનામાં પડી રહ્યાં છે.

નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામા રાજકીય વિવાદો થંભવાનુ નામ લેતાં નથી. ભાજપ શાસિત પાલિકામા સાચું બોલનારને શિસ્તના નામે ભાજપે પગલાં ભરવા માટે કારણદર્શક નોટીસ આપતા રાજીનામા ધરી દીધા છે. ભાજપના હોદ્દેદારોએ મહિલાઓનાં અપમાનનો મુદ્દો આગળ કરીને ભાજપના સરમુખત્યાર નેતાઓ સામે આંદોલન છેડી દીધું છે.  ગાંધીનગર ભાજપ સમક્ષ રજૂઆતો આવી છે. પણ તેઓ કોઈકના ઈશારે મૌન છે.

પહેલા ભાજપની ચુંટાયેલી પાંખના અસંતુષ્ઠોએ પાલિકા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી જેના કારણે ભાજપ સંગઠને કારણદર્શક નોટીસ આપતા 16 ચુટાયેલા સભ્યોએ રાજીનામા ધરી દીધા છે.

વિજલપોર પાલિકામા 9 વોર્ડ છે, જેમાં 36 સભ્યોમાંથી 33 સભ્યો ભાજપના અને 3 સભ્યો કોંગ્રેસના ચુંટાયેલા છે. ભાજપની બોડીમાં ચુંટાયેલા 33 પૈકી 18 સભ્યોએ પાલિકાના પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કરી અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. પાલિકાની ચુંટાયેલી પાંખના સભ્યોએ જિલ્લા ભાજપના તમામ સભ્યોને પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની અપમાનભરી નીતિ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં રજુઆતોને ધ્યાને ન લેતાં રાજકીય વિવાદ ધેરો બન્યો છે.