નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિકન ખેડૂતોએ કપાસ વાવેતર હેઠળની ૧૧ ટકા જમીનમાં રૂ લણણી કરી નાખી છે, જે ગત સપ્તાહ કરતા બે ટકા વધુ હતી. ઉભા છોડમાંથી ૬૪ ટકા પાકના જીંડવા (રૂના કાલા) ખુલવાની પ્રક્રિયામાં ૧૦ ટકાની વૃદ્ધિ દાખવે છે. કપાસ વાવેતર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષની અત્યાર સુધીની જીંડવા ખુલવાની પ્રક્રિયા, સરેરાશ ૭ ટકા કરતા વધુ વેગવાળી છે. આ અહેવાલે આઈસીઈ ન્યુયોર્ક રૂ ડીસેમ્બર વાયદો ગુરુવારે ઘટીને ૫૯.૬૮ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો.

જાગતિક ભાવ ઘટવાનું અન્ય કારણ ભારતમાં સરેરાશ કરતા વધુ પ્રોત્સાહક ચોમાસું, વધુ વાવેતર, ખેડૂતોની સારી માવજત અને યીલ્ડ (ઉતારો)માં વિક્રમ વૃદ્ધિને પગલે ૧ ઓક્ટોબરથી શરુ થતી ૨૦૧૯-૨૦ રૂ મોસમમાં પાક, ગતવર્ષના ૩૧૨ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો)થી ૨૦ ટકા વધીને ૩૭૫ લાખ ગાંસડી પાંચ વર્ષની નવી ઉંચાઈએ પહોચશે. નવી મોસમમાં જો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સીસીઆઈ) બજારમાં બિનજરૂરી મધ્યસ્થી નહિ કરે તો વિપુલ પાક અને નીચા ભાવ, નિકાસને પ્રોત્સાહિત કરશે. પણ સીસીઆઈ સુત્રોમાંથી સમાચાર એવા આવી રહ્યા છે કે ભાવ વધુ પડતા ઘટતા અટકાવવા ૧૦૦ લાખ ગાંસડી રૂ ખરીદવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ ખરીદી ૨૦૧૮-૧૯ની તુલનાએ ૧૦ ગણી વધુ હશે.

સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં રૂની આવકો, ગત મહિનાનાં સમાન સમયની તુલનાએ ૨૧ ટકા વધીને ૪૧,૮૦૦ ટન નોંધાઈ હતી. નવેમ્બર મધ્યથી આવકો ચરમસીમાએ પહોચશે, ત્યારે ભાવ ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવ રૂ. ૫૫૫૦થી પણ નીચે જવાનો ભય છે. બ્રાઝીલ અને અમેરિકા જ્યારે એશિયન દેશો બાંગ્લાદેશ, વિયેતનામને નવેમ્બર-ડીસેમ્બર શિપમેન્ટ શરતે ૭૦ સેન્ટ પ્રતિ પાઉન્ડ સીએન્ડએફ ઓફર કરી રહ્યા છે, ત્યારે ભારત આ દેશોને ૭૭ સેન્ટ ભાવે નિકાસ સોદા ઓફર કરી રહ્યું છે.

મુંબઈ સ્થિત એક ગ્લોબલ ટ્રેડીંગ હાઉસના ડીલરે કહ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય નિકાસકારો ૧ ઓક્ટોબર પૂર્વે સરેરાશ ૮ લાખ ગાંસડી જેટલા સોદા કરી નાખતા હોય છે. પણ આ વર્ષે હજુ માત્ર ૩ લાખ ગાંસડી શિપમેન્ટના સોદા જ ગોઠવાયા છે. ઊંચા ભાવને લીધે ભારતની નિકાસ મોંઘી પડે છે. વિશ્વના સૌથી મોટા રૂ ઉત્પાદક દેશમાંના એક ભારતથી જો ૨૦૧૯-૨૦માં નિકાસ ઘટશે તો અમેરિકા અને બ્રાઝીલ જેવા ભારતના મુખ્ય સ્પર્ધક, એશિયન દેશો પાકિસ્તાન, બાંગ્લા દેશ અને વિયેતનામમાં પોતાના કાર્ગોમાં મોટી વૃદ્ધિ કરવાની તક જતી નહિ કરે.

ટેકાના ભાવથી જો સીસીઆઈ વધુ પડતી ખરીદી કરવા ઉતરશે તો સ્થાનિક બજારમાં ભાવ ઉંચી સપાટીએ ટકી રહેશે, જે નિકાસને માર્યાદિત બનાવી જાગતિક બજારમાં ભાવને ઉંચે જવા માટેનો માર્ગ મોકળો કરશે. ૨૦૧૯મા વિશ્વબજારમાં અત્યાર સુધીમાં ભાવ ૧૮.૫ ટકા જેટલા ઘટ્યા છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જ ઓફ ઇન્ડીયા પર ઓક્ટોબર ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં વાયદાના સોદા સામે ડીલીવરી ૧૧૯ ટકા વધીને વિક્રમ ૩૯૮,૬૦૦ ગાંસડીની ડીલીવરી ઉતરી હતી. ગતવર્ષે સમાન સમયમાં ૧૮૨,૩૦૦ લાખ ગાંસડી રૂની ડીલીવરી ઉતરી હતી. વર્તમાન મોસમમાં એમસીએક્સ ક્લીયરીંગ કોર્પોરેશનમાં ઓલ ટાઈમ હાઈ ૨.૧૮ લાખ ગાંસડી રૂ ડીપોઝીટ કરાવવામાં આવ્યું હતું, ગતવર્ષે ૧.૮૧ લાખ ગાંસડી જમા થઇ હતી.