ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખ અને કારોબારીની રચના પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષના સંગઠન પર્વ અંતર્ગત આગામી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અપાયેલ સમયપત્રક અંગે અને આગામી કાર્યક્રમો અંતર્ગત પક્ષના સંગઠનના માળખાની રચના કરવામાં આવશે. જે મુજબ રાજ્યમાં ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રાષ્ટ્રીય નેતૃત્વના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં તાલુકા અને મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ-બૂથ સમિતિની રચના કરાશે. ત્યારબાદ આગામી ઓક્ટોબરમાં જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓની રચના પૂર્ણ કરી દેવાશે. જિલ્લા પ્રમુખો અને જિલ્લા સમિતિઓ રચાયા બાદ આગામી નવેમ્બરમાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.