પાટીદાર અનામત આંદોલન સમિતિના મોરબીના આંદોલનકારી નિલેશ એરવાડીયાએ પાટીદારોની ધાર્મિક સંસ્થાના આગેવાનોને અલ્ટીમેટમ આપ્યું છે. આ અંગે તેમણે મંગળવારે ફેસબુક પર લાઈવ થઈને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે સવારે પૂરું થવાનું છે.
નિલેશ એરવાડીયાએ વિડિયોમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો ત્યારે છ સંસ્થાની એક કમિટી બનેલી અને એ કમિટીના પ્રમુખ પણ નિમેલા, તેમજ પાટીદાર સંસ્થાના આગેવાનો મધ્યસ્થી બનીને હાર્દિકને તેમજ તમામ ઉપવાસીઓને પારણાં કરાવેલા ત્યારે મારે એક વાત કહેવી છે કે આપણે ત્રણ મુદ્દા સાથે ઉપવાસ આંદોલન કરેલું.
પારણાં પણ થઇ ગયા. આપણી માંગણીઓમાં સરકારમાં મધ્યસ્થી બનીને જઈશું એવા દિલાસા અને આશ્વાસન પણ આપેલા. આજે ઘણા દિવસો થઇ ગયા પછી ધાર્મિક સંસ્થાના કેટલાક આગેવાનો વિદેશ જતા રહ્યા, કેટલાક ધંધે ચડી ગયા, કેટલાક થેરાપી કરાવવા જતા રહ્યા.
પરંતુ પાટીદાર સમાજનો આપણો ગબ્બર ઉર્ફે અલ્પેશ કથિરીયા આજે પણ સાબરમતી જેલમાં હવા ખાઈ રહ્યો છે, કોઈ જ મધ્યસ્થી કરવા સરકારમાં જતું નથી. સરકારના ઈશારે તપાસ એજન્સીઓએ કાલ રોજ એફિડેવિટ આપેલું છે કે અલ્પેશ કથિરીયાની તપાસ ચાલું છે અને તેને જેલમુક્ત કરવામાં ના આવે. સાક્ષીઓ સાથે ચેડા કરશે. આવું છ પાનાનું એફિડેવિટ આપેલું છે.
સરકારના જ ઇશારે તમામ તપાસ એજન્સીઓ કામ કરતી હોય છે અને આ ભાજપે બંધારણ કબજે કરેલું છે તેનો હું સાક્ષી છું. જે તે સમયે હાર્દિક તેમજ મારા સાથી મિત્રો જેલમાં હતા તે સમયે મધ્યસ્થીમાં સમાજના શ્રેષ્ઠીઓ સાથે હું પણ હતો તેનો તાજનો સાક્ષી છું.
માટે સમાજના અગ્રણીઓને એક સંદેશો આપવા માંગું છું. આવનારા 48 કલાકમાં સમાજના શ્રેષ્ઠીઓ, જે છ સંસ્થાના આગેવાનો છે તે, તેમજ આંદોલનના કન્વીનરો. બધા ભેગા થઈને અલ્પેશ માટે સરકાર સાથે મંત્રણા ચાલુ કરે. નહિતર જેવી રીતે તમે કરાવ્યા છે પારણાં તેવી જ રીતે સમાજ કરશે તમારા માટે બંધ બારણાં.
એટલે ધ્યાનમાં રહે, આ વોર્નિંગ, ધમકી, ચેતવણી જે કહો એ.. સમાજ વતી હું નિવેદન આપું છું, સમાજનો દીકરો છું, સમાજ પ્રત્યે ગર્વ છે, અલ્પેશ કથિરીયા પ્રત્યે માન છે અને અમારા સમાજનો પાટીદાર અનામત આંદોલનનો એક સિંહ છે. તેના પ્રત્યે ગર્વ અને ગરિમા છે.
એટલે ધ્યાનમાં લઈને, આનો રસ્તો કાઢીને અલ્પેશ કથિરીયાના જલ્દીમાં જલ્દી જામીન કરાવવામાં મદદ કરજો નહિતર પછી તૈયાર રહેજો.