ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૭: આખા વિશ્વમાં નેચરલ ગેસનો માલ ભરાવો અને સતત ઘટતા ભાવ એ જપાનના ટોક્યો ખાતે ગુરુવારે મળેલી ઉર્જા પ્રધાનો અને કંપની એક્ઝીક્યુટીવોની કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો હતો. બરાબર એ જ સમયે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસટ્રેશને (ઈઆઈએ) ૨૦ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકન સ્ટોરેજ ફેસેલીટીમાં મંદી તરફી ઝોક ધરાવતો ૧૦૨ અબજ ક્યુબીક ફૂટ (બીસીએફ) ઇન્જેક્શન (ટાંકામાં ગેસ ભરવો)નો અહેવાલ આપ્યો હતો. બજાર અપેક્ષા ૯૩ બીસીએફની હતી. છેલ્લા ત્રણ વર્ષમાં સપ્ટેમ્બરમાં આ સૌથી વધુ સાપ્તાહિક ઇન્જેક્શન અહેવાલ હતો. આ અહેવાલોની અસરે નાયમેકસ નવેમ્બર ફ્રંટ મંથ વાયદો ૩ ટકા તૂટીને ગુરુવારે ૨.૪૩ ડોલર પ્રતિ બ્રિટીશ થર્મલ યુનિટ ત્રણ સપ્તાહની બોટમે બંધ થયો હતો.
અમેરિકન નેચરલ ગેસ વાયદાના સપ્ટેમ્બર મહિનાના આખરી બે જ ટ્રેડીંગ દિવસો બાકી છે, ત્યારે છેલ્લા સાત વર્ષનો ભાવ સંદર્ભનો આ સૌથી શ્રેષ્ઠ મહિનો ગણાય છે. ગેસ સ્ટોરેજના ત્રિપલ ડીજીટ ડેટા રેડ માર્કથી ઉપર ગયા છે, તેમ છતાં જો વર્ષના બાકીના દિવસોમાં ભાવનો ટ્રેન્ડ તેજી તરફી જળવાઈ રહેશે તો તે નવાઈ ગણાશે. કેટલાંક ટ્રેડરો પૂછી રહ્યા છે કે ઓક્ટોબર મધ્ય સુધી વાયદો ૨.૫૦ ડોલર પ્રતિ મીલીયન થર્મલ યુનિટ સુધી જળવાઈ રહેશે? ઉનાળા પછીના અમેરીકન હુંફાળા દિવસો અને વાસ્તવિક શિયાળો શરુ થવાનો સમય, ઓક્ટોબરના આગામી પ્રથમ બે સપ્તાહમાં જ નિર્ધારિત થતો હોવાથી ભાવ પર પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાના ખેલાડીઓ પ્રયાસ કરતા હોવાથી આવો પ્રશ્ન થવો વાજબી છે.
સપ્ટેમ્બર સુપર સાયકલમાં ભાવ પરિવર્તનમાં પણ મોટી ભૂમિકા કરતા હોય છે. હેન્રી હબથી ડીલીવરી બેન્ચમાર્ક વાયદો માસિક ૧૧ ટકાની ભાવ વૃદ્ધિ સાથે બંધ થશે. ૨૦૧૨ પછી આ પહેલો સપ્ટેમ્બર મહિનો છે, જેમાં સૌથી વધુ ભાવ વધ્યા હોય. પરંતુ વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં વાયદો ૧૬ ટકાનો ઘટાડો દાખવે છે. ૨૦૧૮નાં સમાનગાળા ની તુલનાએ નોન-ડીગ્રી ડે (ઓછી ગરમીવાળા દિવસો)ની સ્થિતિ જોતા નેચરલ ગેસનો વપરાશ ઘટવાની પૂરી શક્યતા છે. વર્ષના આ સમયગાળામાં ટોટલ ડીગ્રી-ડે (ટીડીડી)વાળા દિવસોની સંખ્યા વધુ હોવા સાથે એરકન્ડીશનર કુલીંગ માંગ મજબુત હોવાથી, હોવી જોઈતી હિટીંગ માંગ સામસામી સરભર થઇ ગઈ છે.
અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસટ્રેશન (ઈઆઈએ) કહે છે કે ૨૦૫૦ સુધીમાં આખા જગતની નેચરલ ગેસ માંગ ૪૦ ટકા ઉછળીને ૨૦૦૦ કવાડીટ્રીલીયન (૧ ઉપર ૧૫ મીંડા) બ્રિટીશ થર્મલ યુનિટ થશે. આ સિનારિયો વચ્ચે નેચરલ ગેસનો વાર્ષિક માંગ વૃદ્ધિ દર ૧.૧ ટકા અને કોલસાનો ૦.૪ ટકા સાથે જ આ બન્ને કરતા વધુ રીન્યુએબલ એનર્જીની વાર્ષિક માંગ ૩ ટકાનાં દરે વધશે. ઈએઆઈ કહે છે કે સરકારો દ્વારા વીજળી ઉપાર્જન માટેનાં કાચામાલોના મોડેલોમાં બદલાવ રીન્યુએબલ એનર્જીના ખર્ચમાં ઘટાડો કરશે. આગામી બે દાયકા સુધી ગેસ ઉત્પાદક તરીકે અમેરિકાનું સ્થાન ૫૦ ટકા વૃદ્ધિ સાથે ૨૦૫૦મા ૪૩ ટ્રીલીયન ક્યુબીક ઉત્પાદન કરીને સિરમોર રહેશે. જ્યારે મિડલ ઈસ્ટ દેશોમાં ગેસ ઉત્પાદન વર્તમાન ૧૫ ટીસીએફથી ૭૦ ટકા વધીને ૩૭ ટીસીએફ થશે.
આ વર્ષનો એશિયન શિયાળો પ્રમાણમાં હળવો રહેવાની આગાહી જોતા નેચરલ ગેસની માંગમાં ઘટાડો દાખવતા ભાવમાં પીછેહઠ કરાવવામાં મુખ્ય ભૂમિકા કરશે. ઈઆઇએ કહે છે કે એશીયન દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ તેમજ વેપારના આયામોમાં ઝડપી બદલાવને લીધે નેચરલ ગેસ અને પેટ્રોલીયમ પ્રોડક્ટનો વપરાશ, સપ્લાયની તુલનાએ વધુ વેગથી વધશે. ચીનનો નેચરલ ગેસ વપરાશ ૨૦૫૦ સુધીમાં ૧૯૦ ટકા વધીને ૨૧.૭ ટ્રીલીયન ક્યુબીક ફૂટ અને ભારતનો ૨૫૦ ટકા વધીને ૭ ટ્રીલીયન ક્યુબીક ફૂટ થશે. બંને દેશમાં ઔદ્યોગિક વિકાસ વિસ્તરણ ઝડપથી થઇ રહ્યું હોવાથી માધ્યમ વર્ગના લોકોની આવક ઝડપથી વધી રહી છે, તે સાથે જીડીપી વૃદ્ધિ પણ ગતિમાન થઇ ગઈ હોવાથી નેચરલ ગેસની માંગમાં પણ સમાંતર વધારો થશે. આગામી ૧૦થી ૧૫ દિવસમાં અમેરિકન હવામાન હુંફાળું રહેવાની આગાહી છે, જે ગેસ માંગમાં વધુ ઘટાડો કરશે.