નેપાળ પોલીસના સંકલન થી મહા ઠગ વિનય શાહની ધરપકડ શક્ય બની

ગુજરાતમાં ચર્ચાસ્પદ ઠગાઈ કેસમાં નેપાળ પોલીસ દ્વારા વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક હરેશ દુધાતએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં નાણા રોકીને ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમના મહાઠગ વિનય શાહ ને નેપાળથી પકડી પાડવામાં આવ્યો છે.તો બીજી તરફ સીઆઇડી ક્રાઇમે કરેલી તપાસમાં વિનય શાહ નેપાળ હોવાની આશંકાના પગલે અમે નેપાળ પોલીસના સતત સંપર્કમાં હતા.

પરિણામે તે નેપાળના પોખરા ખાતેથી પકડાઈ ગયો છે. સીઆઈડી ક્રાઈમે કરેલી તપાસ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક દુધાતે જણાવ્યું હતું કે અમે તપાસના પ્રારંભિક તબક્કે તેના CDR ની એટલે કે કોલ ડીટેલ રેકોર્ડિંગ ની માહિતી ચકાસી હતી. અને તેના અભ્યાસ બાદ વિનય શાહ નેપાળ હોવાની આશંકા પ્રબળ બની હોવાનું હરેશ દુધાતે જણાવ્યું હતું . ધરપકડ દરમ્યાન વિનય શાહ પાસેથી શું મળી આવ્યું છે ? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેની સાથે દિલ્હી સ્પામાં કામ કરતી તેની સ્ત્રી મિત્ર ચંદા થાપા ને પણ પકડી લેવામાં આવી છે. આ ઉપરાંત શાહ પાસેથી પાસપોર્ટ અને અલગ અલગ દેશોની કરન્સી મળીને અંદાજિત 31 લાખ રૂપિયા મળ્યા છે આ પૈકી તે કરન્સી કે જે પાઉન્ડ, યુરો અને ડોલર મળી આવ્યાનું જણાવ્યું હતું. નેપાળ પોલીસે વિનય શાહની ધરપકડ કેવી રીતે કરી ? એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે વિનય શાહ ગુજરાત બહાર ભાગી જવાની આશંકા હોવાથી અમે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. તો બીજી તરફ તેની પાસેથી વધુ કરન્સી મળી આવતા નેપાળ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા અંતે તે પકડાઈ ગયો હતો. હાલ તે નેપાળ પોલીસ કસ્ટડીમાં છે .અને તેને ગુજરાત લાવવા માટેની તજવીજ અને પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું .

આ કૌભાંડમાં કેટલા લોકો ભોગ બન્યા છે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે સૌથી વધુ લોકોના નિવેદન લીધા છે જેમાં 70 લાખનું ચીટીંગ સામે આવ્યું છે. જ્યારે તપાસ દરમિયાન 43 લાખ રોકડા અને અન્ય જુદી-જુદી મિલ્કતો ફ્રીઝ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે વિનય શાહ નેપાળ હોવાની આશંકા પ્રબળ બનતા અમારી ટીમ ગત 23 તારીખ થી જ નેપાળ પહોંચી ગઈ હતી .અને સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં હતી જેના આધારે તેને પકડવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું હતું .આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભાર્ગવી શાહની પણ તપાસ ચાલુ છે. અને તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નેપાળ પોલીસે વિનય શાહ વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તો ગુજરાત પોલીસ દ્વારા પણ તેના ચાર ફ્લેટ અને અલગ-અલગ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું..