નેશનલ મેડિકલ કાઉન્સિલ એક્ઝીટ એકઝામ, બ્રીજ કોર્સ, સહિતના મુદ્દે ઉગ્ર વિરોધ 

ભારત સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને આગામી દિવસોમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ બીલ લાવવાનુ નક્કી કરાયુ છે. આ બીલનો હાલમાં સમગ્ર દેશમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. મેડિકલ એસોસીએશન દ્વારા આ બીલના વિરોધમાં આવતીકાલે હડતાલની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં આજે ઇન્ડિન મેડિકલ એસોસીએશનના નેજા હેઠળ સમગ્ર દેશના જુદા જુદા રાજયોના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બીલના જુદા જુદા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી બેઠકના અંતે કોઇ નિર્ણય ન થાય તો હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવશે. જો કોઇ ઉકેલ લાવવાના પ્રયાસો થાય અને સહમતિ થાય તો આવતીકાલની હડતાલ સ્થગિત કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
દેશની તમામ મેડિકલ કોલેજોનુ સંચાલન હાલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે એમસીઆઇ દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે તેના સ્થાને ભારત સરકારે નેશનલ મેડિકલ કાઉન્સિલ બીલ રજૂ કર્યુ છે. આ બીલનો ડ્રાફ્ટ જાહેર થયો ત્યારથી જ તેની સામે વિરોધ શરૂ થઇ ચુક્યો છે. હાલમાં દિલ્હી ખાતે ચાલતી બેઠકમાં ગુજરાતમાંથી બી.જે.મેડિકલ કોલેજના ડો.મીત ઘોનિયા ગયા છે. વિદ્યાર્થી પ્રતિનિધિના કહેવા પ્રમાણે નવા બીલમાં ત્રણ વર્ષની પરીક્ષા જે તે યુનિવર્સિટી દ્વારા લેવાનુ નક્કી કરાયુ છે. જયારે ચોથા એટલે કે છેલ્લા વર્ષની પરીક્ષા ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. કેન્દ્ર સરકાર ચોથા વર્ષની પરીક્ષા લેતી હોય તો જે તે યુનિવર્સિટી કેવી રીતે માર્કશીટ અને ડિગ્રી આપશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. આ ઉપરાંત ભારત સરકાર એકબાજુ મેડિકલ એજ્યુકેશનની કવોલીટી સુધારવાની જાહેરાત કરે છે બીજીબાજુ હોમિયોપેથી, આયુર્વેદ સહિત નર્સિગ અને ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓને પણ બ્રીજ કોર્સ કરે તો તેમને અંતરિયાળ વિસ્તારોમાં મેડિકલ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવાનુ નક્કી કરાયુ છે.  આ પ્રકારનો નિર્ણય સ્વીકારી શકાય તેમ નથી. ચોથા વર્ષની પરીક્ષામાં એમસીક્યુ અને પ્રેક્ટિકલ પર રાખવાનુ નક્કી કરાયુ છે. પ્રેક્ટિકલમાં કેવા પ્રકારના ગોટાળા થાય છે તે તમામ લોકો જાણે છે. આ સિવાય નેશનલ મેડિકલ કાઉન્સિલમા દરેક રાજયોને પ્રતિનિધિત્વ આપવાનુ નક્કી કરાયુ છે પરંતુ એક રાજયનો વારો ૧૨ વર્ષે આવે તેમ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો સ્થાનિક સભ્યો આવે તેની રાહ જોવી પડે તેમ છે.