ખેરાળુ નગરના બાળસ્વયંસેવકથી મુંબઇના ઍક્સપ્રેસ ગ્રુપના તંત્રી લગી તટસ્થભાવે સત્યાન્વેષી રહેવાના વલણે પત્રકારત્વમાં ઘડતર કર્યું
ડૉ.હરિ દેસાઈ
ઉત્તર ગુજરાતના ખેરાળુના ગ્રામીણ પરિવેશના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મીને છેક મુંબઇ જેવા મહાનગરમાં માતબર અખબાર સમૂહમાં તંત્રીપદ સુધીની યાત્રાના જુદા જુદા પડાવ સંશોધકને સાહિત્ય, સંસ્કૃતિ, વિદ્યાર્થી આંદોલનો, રાજકીય આંદોલનો, અનામતવિરોધી આંદોલનો અને દલિત-દલિતેર સંઘર્ષો ઉપરાંત હિંદુ-મુસ્લિમ અથડામણોનો નિકટથી પરિચય કરાવનાર રહ્યાં. ભણેલા-ગણેલા ખેડૂત પરિવારમાં ઉછેર, સાહિત્યિક કૃતિઓ અને સાહિત્ય સર્જકો સાથે પ્રારંભિક કાળથી જ નિકટનો ઘરોબો કેળવવા સમાન માહોલ પૂરો પાડનાર રહ્યો. ગ્રામીણ પરિવેશમાંથી અમદાવાદ જેવા શહેરમાં કૉલેજ શિક્ષણ માટે આવવાનું થયું ત્યારે ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિના ટકરાવ અને દ્વિધાની અનુભૂતિ થવી સ્વાભાવિક હતી. ‘ભણો, નહીં તો અમારી જેમ હૉળ(હળ) કૂટવું પડશે’ એવી સંતવર્ય ખેડૂત-પિતાશ્રી હેમરાજભાઈ નાથુભાઈ દેસાઈની શીખને ગૂંજે બાંધીને સ્નાતક કક્ષાનું ભણતર અમદાવાદમાં પૂરું કરીને અનુસ્નાતક કક્ષાના શિક્ષણ માટે મુંબઇને વહાલું કર્યું.
કૉલેજકાળ દરમિયાનના નવનિર્માણ આંદોલન અને ઇંદિરા ગાંધીની ઇમર્જન્સીએ ખાસ્સી આંદોલનાત્મક જાગૃતિ અને પત્રકારત્વ ભણીની આકર્ષણદૃષ્ટિ બક્ષી હતી. લોકઅધિકાર ભણીની જાગૃતિએ અનુસ્નાતક કક્ષાના શિક્ષણ વેળા પત્રકારત્વને સમર્પિત થવાના સંજોગો સજર્યા. પત્રકારત્વના વિવિધ તબક્કાઓ અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ આવેલાં પરિવર્તનોએ સતત ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય માટે પત્રકારત્વમાં કારર્કિદી ઘડવાનો અને વિવિધ મહત્ત્વના હોદ્દે કાર્યરત રહીને રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક સહિતના તમામ ઘટનાક્રમની પ્રગટ-અપ્રગટ બાબતોનો નિકટનો પરિચય કરાવ્યો. આવા ઘટનાક્રમના વિવિધ તબક્કે સાહિત્ય, ભાષા, સમાજ ઉપરાંત સાહિત્ય સર્જકો અને અખબાર લેખન સાથેના સંબંધોએ વીસમી સદીની છેલ્લી પચીસીના સંદર્ભમાં વધુ અધ્યયન-સંશોધનની પ્રેરણા બક્ષી.
ગ્રામીણ ક્ષેત્રના પ્રમાણમાં શિક્ષિત ખેડૂત પરિવારમાં વીતેલા બાળપણમાં દલિત-દલિતેતર અને હિંદુ-મુસ્લિમ સંબંધોને જોવાની સત્યાન્વેષી દૃષ્ટિ મળી. બાલ્યાવસ્થામાં પ્રાથમિક શિક્ષણ આપનાર શિક્ષક મનસુરી સાહેબ મુસ્લિમ હોવાનું ભાગ્યે જ અનુભવાયું છે. શાળાજીવન દરમિયાનના શિક્ષકોમાં હાઇસ્કૂલના પાંચમા ધોરણમાં બીજા મનસુરી સાહેબ ઉપરાંત સમગ્ર શાળાજીવનમાં દલિત પરિવરના તેજસ્વી શિક્ષક શ્રી નટુભાઇ પરમારે મને વકતૃત્વસ્પર્ધા અને નિબંધસ્પર્ધા માટે તૈયાર કરવામાં ખૂબ જ પરિશ્રમ લીધો. એમની સાથે ખૂબ જ આદર અને નિકટતાનો ભાવ અનુભવાતો રહ્યો. પ્રાથમિક શાળામાંથી ઘરે જતાં (ફાર્મ હાઉસપર) રૂઢિવાદી દાદા નાથુભા ઘરમાં પ્રવેશતાં પહેલાં છાંટ નાંખીને શુદ્ધિ કરતા એ ગમતું નહોતું પણ એ વિધિવત કરતા હતા. પિતાજી થોડા વધુ પ્રગતિશીલ લાગ્યા કારણ અમારા ‘ઘરાઘ’(રોહિત)નો તેજસ્વી દીકરો અને મારો સહાધ્યાયી શ્રી ઇશ્વર ઘૂળાભાઇ પરમાર ( હવેનો નિવૃત બેંક અધિકારી ઇશ્વર સાગર) ઘરે આવતો ત્યારે એને ખાટલા પર બેસવાનું કહેતા. એનાં માતા શ્રીમતી ધૂળીમાને મારાં દાદીમા સૂરજબહેન (હુજીમા) વાડમાં રખાતા ચપણિયાને ઊંચા હાથે પાણીથી ધોવડાવીને, તેમાં ચા રેડી આપવાની સાથે, એમના પરિવારના ખબરઅંતર પૂછતાં ત્યારે આભડછેટ કરતાં બંનેમાં સહજ પારિવારિક ભાવ જોવા મળતા. ‘આવું કાં?’ એવો પ્રશ્ન જરૂર થતો પણ સામાજિક વ્યવહારના વિધિવત પ્રવાહમાં એ વેળા કોઇ ઉત્તરો મેળવાતા નહોતા. એ દિવસોમાં ગામમાં બે તાજિયા નીકળતા. ખેરાળુના દેસાઇવાડા પર રોકાણ કરતા બંને તાજિયાની નીચેથી શ્રદ્ધાપૂર્વક પસાર થવામાં ક્યારેય એ મુસ્લિમોના તહેવારનો ભાગ છે એ અનુભવાતું નહોતું. હા, એટલું ચોક્કસ કે ગામના બહેલિમવાડામાં શસ્ત્રો છુપાવાતાં હોવા વિશે અને ક્યારેક કોમી છમકલાં થતાં હોવા વિશે અફવાઓનું બજાર ગરમ રહેતું અને એ વિસ્તારમાં જવામાં ‘જોખમ’ અનુભવાતું. જો કે શાળાજીવન દરમિયાન ક્યારેક વર્ગશિક્ષકશ્રી જયંતીભાઇ શુક્લ સાહેબની રજાના દિવસે શ્રી બહેલિમ સાહેબની માચીસમાં વીંછી ભરીને એમની ટિખળ કરવાનો વિદ્યાર્થીસહજ આનંદ મેળવતાં કોઇ બ્રાહ્મણશિક્ષક કે મુસ્લિમશિક્ષકના ભેદ અનુભવાયા નહોતા. શાળાજીવન દરમિયાન પંચહનુમાન મંદિર પાસે બાળસ્વયંસેવકની શાખા(આર.એસ.એસ.ની) શ્રી હીરાલાલ ખમાર નામના વિજ્ઞાનના શિક્ષક લેતા ત્યારે રમવા કે સમૂહભોજનમાં જવાનું ગમતું, પણ મુસ્લિમ વિરોધી ભાવ ક્યારેય જાગ્યો નથી. શાળાજીવન દરમિયાન ૧૯૬૯માં કોમીરમખાણોના દિવસોમાં જ કાકાશ્રી કેશુભાઇ નાથુભાઇ દેસાઇ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં મેડિકલમાં ભણતા હતા ત્યારે રજાઓમાં ત્યાં જવાનું થયેલું ત્યારે બે મુસ્લિમ ધર્મસ્થાનોને જમીનદોસ્ત કરીને શોપિંગ સેન્ટરમાં ફેરવી દેવાયાની ઘટનાએ કાંઇક ખરાબ ભાવની અનુભૂતિ કરાવી હતી. એ વેળા હોસ્ટેલના મિત્ર અને ઇજનેરીનો અભ્યાસ કરનાર શ્રી ઇનુસ કડવાભાઇ લાખવાને ‘આર.એસ.એસ.વાળા મારી નાંખશે’નો ડર સતાવતો હતો ત્યારે ‘અમે જીવતા છીએ ત્યાં લગી તમે ચિંતા ના કરો’ એવાં આશ્વાસન આપવાનું ગમતું.
શાળાજીવનના અંતે વિસનગર કેન્દ્રમાંથી એસ.એસ.સી.ની પરીક્ષા આપતાં પહેલાં પરીક્ષાની તૈયારી માટે જ્ઞાતિની-આંજણા પટેલ ચૌધરી સમાજની-આદર્શ હાઇસ્કૂલની હોસ્ટેલના રૂમ નંબર-૧માં રહેવાનું થયું, પણ જ્ઞાતિ કે ધર્મની કટ્ટરવાદિતા ક્યારેય કેળવાઇ નહોતી. વિજ્ઞાનના વિષયો સાથે વિસનગર કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવીને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણવા જવાનું થયું ત્યારે ગ્રામીણ વિરુદ્ધ શહેરીની દ્વિધા જરૂર અનુભવાઇ. એ જ દિવસોમાં ૧૯૭૩-’૭૪નું નવનિર્માણ આંદોલન થયું ત્યારે એની ઝાઝી સમજણને બદલે વિદ્યાર્થીસહજ કૂતુહલવૃત્તિથી પ્રેરાઇને તેમાં સહભાગી થવાનું નિમિત્ત મળ્યું. એલ.ડી. એન્જિનિયરીંગમાં લાઇનઅપ કરીને પોલીસની લાઠીથી ઝૂડી નાખવામાં આવતાં સાહજિકપણે નવનિર્માણ માટે લાગણીનો સેતુ બંધાયો. એકમેવ નેતા શ્રી મનીષી જાની માટે અહોભાવ જળવાયો. બીજા નેતા શ્રી ઉમાકાંત માંકડે યુનિવર્સિટીના દરવાજે શેરડીના સંચાની બાજુમાં ઊભા રહીને સંબોધન કરતાં ‘હું વેચાઇ ગયાનું તમને લાગે તો આ કોલ્હુમાં મને પીસી નાંખજો’ જેવી અપીલ કરતા આજેય નજર સામે તગે છે. જો કે નવનિર્માણ આંદોલનના મનીષી સિવાયના બાકીના નેતાઓના તત્કાલીન સત્તારૂઢ કૉંગ્રેસમાં જોડાવાના ઘટનાક્રમે કૉંગ્રેસ માટે સારી લાગણી પેદા નહોતી કરી. એ પછીના ઇમર્જન્સી (૧૯૭૫-’૭૭)ના દિવસોમાં ઝેવિયર્સમાં અમારા અર્થશાસ્ત્ર વિભાગના વડા પ્રા. બબાભાઇ એસ. પટેલને ૧૯ મહિના વડોદરાની સેન્ટ્રલ જેલમાં મિસામાં રખાયા ત્યારે સ્વાભાવિક રીતે તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધી અને કૉંગ્રેસ માટેનો દુર્ભાવ પેદા થયો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજનાં વર્ષોમાં ખ્રિસ્તી પાદરી શિક્ષક ફાધર વાલેસની નિકટ હોસ્ટેલમાં રહેવાનું થયું તથા કૉલેજમાં ઉજવાતા વિવિધ સર્વધર્મી તહેવારોમાં સહભાગી થવાનું મળ્યું. એની દીર્ઘકાલીન અસરો રહી. ઇમર્જન્સી દરમિયાન સંઘના મુખપત્ર ‘સાધના’ના ખમાસા ગેટના ભંડકિયામાં જઇને લાગણીથી પ્રેરાઇને કામ કરવા અને તંત્રીશ્રી વિષ્ણુ પંડયાની મિસામાં ધરપકડ થતાં એમના યુવાસાથી શ્રી તરુણ દત્તાણી સાથે નાનું-મોટું કામ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિએ પત્રકારત્વમાં પ્રવેશવાની પ્રેરણા બક્ષી. સ્નાતક થયા પછી મુંબઇ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમ માટે જવાનું થયું ત્યારે સ્વાભાવિક જ સંઘ પરિવારના મિત્રો સાથેનો અનુબંધ જળવાતાં ‘સાધના’ માટે શ્રી નાનાજી દેશમુખ(એ વેળાની જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને સંઘના વરિષ્ઠ પ્રચારક)ની મુલાકાત લેવાના કે અભ્યાસને ભોગે પત્રકારત્વમાં ‘ગરી જવાના’ વલણે પત્રકારત્વને વ્યવસાય તરીકે સ્વીકારવી લીધો. જોકે સંઘ પરિવાર સાથેના સંબંધ અને ‘વ્યાપાર’ના પત્રકાર શ્રી કનુ મહેતાના અંગુલિનિર્દેશથી ‘ હિંદુસ્થાન સમાચાર ’ સમાચાર સંસ્થા સાથે જોડાવાનું થયું.
એ જ દિવસોમાં રાયબરેલીમાં હારેલાં ઇંદિરા ગાંધીએ ચિકમંગલૂરથી ચૂંટણી લડવા જતાં સાંતાક્રુઝ એરપોર્ટના વીઆઇપી લોન્જમાં પીટીઆઇવાળા લક્ષ્મણ અને સમાચાર ભારતીના રાજન ચવ્હાણ સાથે વન-ટુ-વન મળવાનું થયું ત્યારે અનુભવાયું કે ઇંદિરા ગાંધી માટે દ્રોહ કે દ્વેષભાવ ઠીક નહીં. જો કે કાયમ તટસ્થભાવે સત્યાન્વેષી રહેવાનું અંગત વલણ મારા પત્રકારત્વના આગળના ઘડતરમાં ખૂબ ઉપયોગી થયું. દ્વેષયુક્ત કે એકપક્ષી લખાણોને બદલે સત્યઆધારિત લખાણો અને ‘ફ્રોમ હોર્સીસ માઉથ’ માહિતી મેળવવાના ધખારાની પ્રેરણા પ્રારંભિક દિવસોમાં મુંબઇમાં ‘સંદેશ’ના બ્યૂરો ચીફ એવા શ્રી સુધીર માંકડ કનેથી મળતી રહી.
પત્રકારત્વનાં પ્રારંભિક વર્ષોમાં જ મિસામાંથી છૂટીને આવેલા પત્રકારશિરોમણિ શ્રી કુલદીપ નાયર તથા પત્રકારમાંથી પ્રધાન બનેલા શ્રી રામમનોહર ત્રિપાઠી સાથે દક્ષિણ મુંબઇની ફૂટપાથો પર સિંગચણા ખાતાં લોંગવૉક અને ચર્ચાએ મારું ઘડતર કર્યું. રાજનેતાઓમાં મુખ્યમંત્રી રહેલા સહકારમહર્ષિ શ્રી વસંતદાદા પાટીલ જેવા વ્યક્તિત્વમાંથી ઘણું શીખવા મળ્યું. અંગત સંબંધ બંધાયો પણ એને ‘ઍન્કૅશ’ કરી લેવાની વૃત્તિને બદલે પત્રકારત્વના આદર્શ સાથે જાળવવાની વૃત્તિ-પ્રવૃત્તિથી વિશ્વસનીય પત્રકાર તરીકેનો પિંડ બંધાયો.
પ્રારંભનાં પાંચ વર્ષ ‘હિંદુસ્થાન સમાચાર’માં નાગપુર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી મેળવનાર શ્રી રમાશંકર અગ્નિહોત્રી જેવા સંઘના પ્રચારક છતાં ન્યૂઝને ન્યૂઝ તરીકે જોનારા બ્યૂરો ચીફ પત્રકારના હાથ નીચે ઘડાવાનો મોકો મળ્યો. રાજમાતા સિંઘિયા એ વેળા સંસ્થાનાં ચેરમેન હોવાથી કૉંગ્રેસ વિરોધી સંસ્થાકીય વલણો છતાં સત્યની શોધ એ ગુજરાતના ગામડામાંથી પચરંગી મુંબઇમાં આવીને ખોવાઇ જવા કરતાં પોતાના પોતને ઉજાગર કરવાનો ધખારો અનુભવવા પ્રેરતી રહી. ૧૯૮૧માં ‘જન્મભૂમિ’ના મુખ્ય તંત્રી શ્રી હરીન્દ્ર દવેના ચબરખી-નિમંત્રણ ‘અમારે ત્યાં જગ્યા છે, રસ હોય તો મળી જજો’ થકી ‘જન્મભૂમિ’ માં જોડાવાનું થયું. એ દિવસોમાં મુંબઇ અને ગુજરાતમાં પણ કૉંગ્રેસની બોલબાલા હતી, છતાં કૉંગ્રેસ માટે સારો ભાવ નહીં ધરાવતા પત્રકાર તરીકે કોઇ રાજકીય પક્ષ ભણી ઢળવાને બદલે ‘સત્ય નીરક્ષર’ કરવા ભણી આગળ વધવાની પ્રકૃતિએ સમાયાંતરે પત્રકાર મિત્ર શ્રી દિગંત ઓઝાને ‘તમારી લૅન સમજાતી નથી’ એવું કહેવા પ્રેરતી રહી. ‘ સાચું લાગે એ લખવું એ જ મારી લૅન. તમારી જેમ ક્યારેક ભાજપનું પ્રચાર સાહિત્ય તૈયાર કરવું અને ક્યારેક કૉંગ્રેસનાં ગુણગાન કરતાં લખાણો લખવાં કે ચીમનભાઇ પટેલના પ્રવકતા બનીને ફરવાનું મારા પત્રકારત્વમાં અભિપ્રેત નથી.’ ઓઝાને અમારો ઉત્તર ચચરી જવો સ્વાભાવિક હોવા છતાં ગુજરાતી ભાષાના આ વર્સેટાઇલ પત્રકાર સાથે સંબંધ છેક સુધી જળવાયો.
ત્રણ-ત્રણ સરસંઘચાલકો (સંઘસુપ્રીમો) શ્રી બાળાસાહેબ દેવરસ, પ્રા.રાજેન્દ્રસિંહ અને કુપહલ્લી સીતારામૈયા સુદર્શન સાથેના અંતરંગ સંબંધો અને વ્યક્તિગત મુલાકાતોએ સંઘ પરિવારને ઊંડાણથી સમજવાની દૃષ્ટિ આપી. વરિષ્ઠ પ્રચારક શ્રી દત્તોપંત ઠેંગડી સહિતના મહાનુભાવો સાથેના ઘરોબાએ સંઘ પરિવારના વિકાસક્રમને નિકટથી જોવાનો અવસર પૂરો પડ્યો, પણ હિંદુ કટ્ટરતા કે મુસ્લિમ વિરોધનો ભાવ ક્યારેય આત્મસાત થયો નહીં.
પત્રકારત્વનાં મુંબઇનાં વર્ષો દરમિયાન શિવસેના સુપ્રીમો શ્રી બાળ ઠાકરે જેવા ‘ભીરુ અને લોકશાહીને બદલે ઠોકશાહીમાં માનનારા’ તથાકથિત હિંદુહૃદયસમ્રાટ સાથે અંગતસંબંધ જળવાયો ખરો, પણ એમની ટીકાની જ્યાં જરૂર લાગી ત્યાં એ કરવામાં કોણ જાણે કેમ પણ માંહ્યલાએ શક્તિ બક્ષી. કોઇની સાડાબારી રાખ્યા વિના સાચું લખવું અને તે લખવામાં અખબારોના અધિપતિઓએ પણ મોકળાશ બક્ષી અને સ્વશિસ્તથી ‘માને મા જ કહેવાય મારા બાપની વહુ નહીં’ એ વિવેકમર્યાદા જાળવી. કૉંગ્રેસી ગોત્રના શિવસેનાના વડા બાળ ઠાકરેએ ૧૯૮૪ પછી ભાજપ સાથે રાજકીય સહશયન કરવાનું પસંદ કર્યું અને હિંદુવાદી વાઘા ચડાવ્યા ત્યારે પણ એમની પરપ્રાંતીયની પરિભાષામાં ‘મહારાષ્ટ્રમાં જન્મેલા મુસ્લિમ અને પારસી સહિતના અધિકારીઓનોય સમાવેશ’ રહ્યો. ‘મહારાષ્ટા્રચા કારભાર પરપ્રાંતીયાંકડે’ જેવો લેખ ઠાકરેના મરાઠી સાપ્તાહિક ‘માર્મિક’માં છપાતાં એમને ઉઘાડા પાડવાનું લખાણ ‘જન્મભૂમિ પ્રવાસી’માં નામ સાથે લખ્યું ત્યારે છળી ઊઠેલા ઠાકરે થકી ‘પ્રવાસી કિ રામોશી?’ શીર્ષકવાળો અમારી ટીકા કરતો તંત્રીલેખ ‘માર્મિક’માં લખાયો. આમ છતાં વ્યક્તિગત રાગદ્વેષ એ અમારા પત્રકારત્વનું પરિબળ નહોતું. રાજનેતાઓની કથની અને કરનીનાં અંતર પ્રજા સમક્ષ નીરક્ષર કરવામાં તથ્યો રજૂ કરવાની ફાવટે જ મને પત્રકાર તરીકે પ્રભાવી સ્થાન અપાવ્યું. મુંબઇ અને ગુજરાતના ઘટનાક્રમો વિશે સમયાંતરે તથ્યાધારિત લખાણોથી પ્રતિષ્ઠાનો પિંડ બંધાયો. વર્ષ ૧૯૯૫માં ‘મુંબઇ બાળ ઠાકરેની બાપકી જાગીર નથી’ એવું સમકાલીનતંત્રી તરીકે આઠ કોલમનું હેડીંગ મારીને બાળ ઠાકરેના મરાઠી દૈનિક ‘સામના’માં ‘હરામખોર હરિ!’ શીર્ષકવાળા તંત્રી લેખમાં મને મારી નાંખવાની, એક્સપ્રેસ ટાવરને સળગાવી દેવાની ધમકી છતાં પડખે રહેનાર ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન શ્રી વિવેક ગોએન્કાની હિંમતને દાદ આપવી પડે. સોદાબાજ અખબારમાલિકો કરતાં ગોએન્કા નોખા પડે છે.
રથયાત્રાઓની પરંપરા, શિલાપૂજન યાત્રાઓ, બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદમાં સંઘ પરિવાર અને એવા રાજકીય ફરજંદ ભાજપને વ્યાપક લોકસહાનુભૂતિ મેળવી આપી. પત્રકાર તરીકે આ સઘળા ઘટનાક્રમને તટસ્થભાવે મૂલવવા જતાં એમાં નર્યા રાજકીય સ્વાર્થની ગંધ આવતી હતી. એના સમાજજીવન પરનાં દુષ્પરિણામોની ચિંતા થતી હતી. જો કે અમુક તબક્કાઓમાં રાષ્ટ્રીય ઘટનાઓ વિશે વ્યક્તિગત સહાનુભૂતિ હિંદુ તરીકે હોવી સ્વાભાવિક હતી પરંતુ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે ક્યારેય ના તો દુર્ભાવ કેળવાયો કે ના ઘૃણાભાવ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના ઘરોબા છતાં સત્ય આધારિત લખાણ જન્મભૂમિપત્રોમાં લખવાની જીદે ક્યારેક સંઘ પરિવારની વિશ્વ હિંદુ પરિષદના મુંબઇના પ્રમુખ અને ઉદ્યોગપતિ શ્રી રમેશ મહેતાએ ‘રસ્તા પર જોઇ લેવાની’ ધમકી ઉચ્ચારી ત્યારે જન્મભૂમિપત્રોના મુખ્ય તંત્રી શ્રી હરીન્દ્ર દવે સાથેની વાતચીત પછી પોલીસ કમિશનર શ્રી ડી.એસ.સોમણને જાણ કરી અને તેમણે તરત જ પોલીસ બંદોબસ્ત આપ્યો. જો કે ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના દૈનિક ‘સમકાલીન’ના તંત્રી તરીકે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની ‘હરામખોર હરિ!’ વાળી ધમકીને કારણે તત્કાલીન વિપક્ષીનેતા શ્રી શરદ પવારે શિવસેના-ભાજપની સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી ગોપીનાથ મુંડેને પત્ર લખીને મને પોલીસ સુરક્ષા આપવા કરેલા અનુરોધને અમે સવિનય પાછો વાળ્યો હતો. આવું જ કાંઇક બીજા કિસ્સામાં થયું હતું : કચ્છના ૭૨ જિનાલય પર કબજો મેળવવા ઇચ્છુક મુંબઇવાસી કચ્છી બિલ્ડર રવિભાઇ સંગોઇ થકી મારા પર હુમલો કરાવવાનું કાવતરું ઘડાયું ત્યારે અજાણતાં પોલીસ સુરક્ષા અપાયાની વાતે આશ્ચર્ય ઉપજાવ્યું હતું. પત્રકારધર્મ નિભાવતાં જોખમો સાથે પનારો પડવો સ્વાભાવિક છે, પરંતુ અંગત રાગદ્વેષ અને સ્વાર્થ ના હોય તો અંડરવર્લ્ડ પણ તમારું બગાડવા પ્રેરાતી નથી એ ૧૯૭૭ થી ‘૯૯ સુધીના મુંબઇના પત્રકારત્વના અનુભવે કહી શકાય. એ દરમિયાન ગુજરાતનાં આંદોલનો અને રાજકીય ઘટનાક્રમને નજીકથી જોવા – સમજવા માટે સર્વપક્ષી નેતાઓ અને વિચારકોને સતત મળવાનું થતું રહ્યું.
૧૯૯૨માં બાબરી ધ્વંશ, જાહેર રસ્તાઓ પર પઢાતી નમાજ અને યોજાતી મહાઆરતી અને એ પછીનાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં મુંબઇમાં તટસ્થ આલેખનો અને તંત્રી તરીકેની જવાબદારી તેમજ ગુજરાતના ઘટનાક્રમને મૂલવવામાં મુંબઇવાસી ૩૫ લાખ ગુજરાતીઓના પ્રતિનિધિ તરીકે કામ કરવાની સાહજિકતા અનુભવાતી હતી. પત્રકારત્વનાં સ્વાર્થપ્રેરિત દૂષણોથી મુક્ત રહેવામાં પારિવારિક આદર્શના ઘડતર અને શાળા-કૉલેજ જીવનમાં બહુસાંસ્કૃતિક જીવન-અનુભવોએ મોટું ભાથું પૂરું પાડ્યાનું કહી શકાય. અનેકવિધ સમયગાળામાં અનેકવિધ સામાજિક-સાંસ્કૃતિક તબક્કાઓમાંથી પસાર થવાનું થયું છે, ત્યારે આત્મસંતોષ લઇ શકાય એવું કામ કરવાની મુંબઇ અને ગુજરાતના પત્રકારત્વમાં જે તક મળી એની પાછળ સત્યાન્વેષી પત્રકારત્વનો ધખારો જ જવાબદાર લેખી શકાય. કોઇના વ્યક્તિત્વથી પ્રભાવિત થવાને બદલે ભલભલા ચમરબંધીઓને પણ સીધા સવાલ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિએ કોને શું લાગશે કે કોને રાજી રાખવા એની ચિંતા કર્યા વિના માત્ર પત્રકારધર્મ નિભાવવા કાર્યરત રહેવાનું થયું. એટલે સ્તો શ્રેષ્ઠ તંત્રીલેખન માટેનો ગુજરાત સરકારનો એવોર્ડ જ્યુરીએ આપમેળે મને આપવાનું સર્વાનુમતે નક્કી કર્યું છતાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ મારું નામ કાપી નાખ્યું ત્યારે કોઇ ગમની અનુભૂતિ થઇ નહોતી.આમ પણ મેં એ માટે ઉમેદવારી કરી જ નહતી. બીજા વર્ષે એ એવોર્ડ મળ્યો ત્યારે હરખપદૂડા થવાનુંય અનુભવાયું નહોતું.
ક્યારેક સર્જકશિરોમણિ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ગુજરાતી અસ્મિતાને વ્યાખ્યાયિત જ નહીં, ચલણી બનાવવાની રીતસર ઝુંબેશ ચલાવી હતી. સામાજિક સુધારાવાદી અને સાંપ્રદાયિક જડતાથી દૂર રહેવાના વલણવાળી ગુજરાતી અસ્મિતા વીસમી સદીની છેલ્લી પચીસીમાં સમયાંતરે હિંદુવાદી વાઘા ચડાવતી થયાની સામાજિક-રાજકીય છણાવટ થઇ શકે. બહુલતાવાળી ગુજરાતી ઓળખની જગ્યાએ હિંદુ કોમવાદી ઓળખ ઉપસાવવાના પ્રયાસોની સફળતા એકંદરે ગુજરાતને કઇ દિશામાં લઇ જશે અને લોકશાહી માટે એ કેટલું પ્રતિકૂળ લેખાશે એ સમજવાની આવશ્યકતા છે. સવર્ણવાદમાંથી હિંદુત્વવાદ ભણીની ગુજરાતની ગતિ વીસમી સદીની છેલ્લી પચીસીને વૈજ્ઞાનિક ધોરણે સમજવી પડે.
( પીઍચ.ડી.ના થિસિસમાંથી સ્વકથન ) ઇ-મેઇલ : haridesai@gmail.com