પરપ્રાંતિયોને કેમ ઠોકર મારી રહી છે અલ્પેશની ઠાકોર સેના, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડા કેમ ચૂપ?

સાબરકાંઠાનાં ઢૂંઢર ગામે 14 મહિનાની માસૂમ બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિય લોકો પરનાં હુમલા થવાની ઘટનાને કારણે ગુજરાતનું માથું શરમથી ઝૂકી ગયું છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દેશનાં તમામ રાજ્યોનાં લોકો રોજગારીનાં આશયે આવીને વસે છે અને પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. પરંતુ, સાબરકાંઠાની ઘટના બાદ રાજ્યનાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પરનાં હુમલાંને કારણે રાજ્ય સરકાર પર હરકતમાં આવી છે અને સરકારે આવું કૃત્ય કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા પાછળ ઠાકોર સેનાનું નામ બહાર આવ્યું છે. અને આ એ જ ઠાકોર સેના છે જેનાં નેતા અલ્પેશ ઠાકોર જે પોતે કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય છે. આ સંજોગોમાં ઠાકોર સેના દ્વારા જે રીતે પરપ્રાંતિયો પર હુમલા અને ધમકીઓ આપવામાં આવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પણ અનેક સવાલો ઊભાં થઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોર પ્રજાનાં પ્રશ્નોને વાચા આપે અને તે માટે આંદોલન કરે એ તો સમજાય એવી વાત છે, પરંતુ પોતાની ઠાકોર સેનાનાં યુવાનો દ્વારા જે રીતે પરપ્રાંતિયો પર હુમલાને અટકાવવાનાં બદલે અલ્પેશ ઠાકોરને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કેમ છાવરી રહ્યાં હોવાનો આરોપ પણ મૂકાઈ રહ્યો છે.
28મી સપ્ટેમ્બરનાં રોજ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલાં ઢૂંઢર ગામની સીમમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય યુવક દ્વારા દુષ્કર્મની ઘટના બની હતી. જેનાં ઘેરાં પ્રત્યાઘાત ઉત્તર ગુજરાત તેમ જ મધ્ય ગુજરાતમાં પડ્યાં હતાં. આ ઘટના બાદ જે રીતે પરપ્રાંતિયો પર હુમલાનો દૌર વધ્યો છે તેને જોતાં શરૂઆતમાં સરકાર અને પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને રહી હતી. પરંતુ જેમ જેમ ઘટનાઓ વધવા માંડી તેમ તેમ રાજ્ય સરકાર ઉપર પણ દબાણ આવવા માંડ્યું અને તાત્કાલિક શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગને સ્પષ્ટ સૂચના આપી કે જે રીતે પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યાં છે તે પ્રકારની ઘટનાઓ હવે ન બનવી જોઈએ અને જરૂર પડ્યે આવાં તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ત્વરિત પગલાં લેવાં જોઈએ. જેનાં ભાગરૂપે પોલીસ પણ તાકીદે એક્શનમાં આવી હતી અને પરપ્રાંતિયો પર જે તત્વો દ્વારા હુમલા કરવામાં આવે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી હતી. પરંતુ આ પ્રકારની કાર્યવાહી ઘોડા છૂટી ગયા બાદ તબેલાંને તાળાં મારવા જેવી સાબિત થઈ.
દુષ્કર્મની ઘટના બાદ જે પ્રકારે હુમલા થઈ રહ્યાં છે તેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનો હાથ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ બાબતે પોતાનો લૂલો બચાવ કરતાં કહે છે કે, અમારી ઠાકોર સેના ક્યારેય આવું કૃત્ય કરે નહિ. જે વ્હોટ્સ એપ મેસેજ છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઠાકોર સેનાનાં જ કોઈ સૈનિક દ્વારા સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ કરીને સમાજનાં અન્ય લોકોને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. અલ્પેશ ઠાકોર પોતે શાણાં બનીને તેમનાં સમાજનાં યુવાનોને શુક્રવારે એવી સલાહ પણ આપી કે, સોશિયલ મીડિયામાં આપણી પાસે આવતાં મેસેજીસ આગળ ન મોકલી ત્યાં જ ડિલીટ કરી દેવાં જેથી આપણો સમાજ બદનામ ન થાય. આવી સૂફિયાણી વાતો કરીને અલ્પેશ ઠાકોર પોતાની ઠાકોર સેના નિર્દોષ હોવાનું સાબિત કરવાનાં પ્રયાસ કરતાં હોય એવું પ્રથમદ્રષ્ટિએ લાગે છે.
તો બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ પોતાના જ પક્ષનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા જે પ્રકારે નિવેદનો તેમ જ ઠાકોર સેનાનો બચાવ કરી રહ્યાં છે ત્યારે અમિત ચાવડા પણ જાણે અલ્પેશ ઠાકોરને છાવરી રહ્યાં હોય એવું લાગે છે. કેમ કે, અમિત ચાવડા દ્વારા અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના દ્વારા કરાઈ રહેલાં કૃત્યને હજુ સુધી વખોડવામાં આવી નથી. આટલું ઓછું હોય એમ અલ્પેશ ઠાકોરે થોડાં સમય પહેલાં એવું પણ કહ્યું હતું કે, ઠાકોર સેનાને ક્યારેય વિખેરીશ નહિ અને તે ચાલુ જ રહેશે અને તેના માટે હું કામ કરતો રહીશ. મારે માટે પાર્ટી કરતાં વધારે મહત્વની ઠાકોર સેના છે. આ પ્રકારનું નિવેદન અલ્પેશ દ્વારા કરાયું હોવા છતાં પાર્ટીનાં પ્રદેશ મોવડી મંડળે કે રાષ્ટ્રીય મોવડી મંડળે કેમ હજુ સુધી અલ્પેશ સામે કોઈ પગલાં ભર્યાં નથી એવો સવાલ કોંગ્રેસનાં કેટલાંક સિનિયર નેતાઓ ઉઠાવી રહ્યાં છે.
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું મૌન અલ્પેશ ઠાકોરને છાવરી રહ્યું હોવાનું સાબિત કરે છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભૂલી ગયાં છે કે, કોંગ્રેસમાં દરેક માટે પાર્ટી પહેલાં હોય છે પછી વ્યક્તિ હોય છે.
ઢૂંઢરની ઘટના બાદ ઉત્તર ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં વિવિધ ફેક્ટરીઓમાં જ્યાં પરપ્રાંતિયો નોકરી કરે છે ત્યાં હુમલાઓ કરવામાં આવ્યાં, આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાંક ઠેકાણે પરપ્રાન્તિયો પર હુમલા કરવાની ઘટનાઓ બની હતી. પાલનપુરમાં પાણીપૂરીની લારી ચલાવીને પેટિયું રળતાં પરપ્રાંતિયોની લારીઓ ઉપર હુમલા કરીને તેમને માર મારવાની તેમ જ તોડફોડ કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી. અમદાવાદ શહેરનાં ચાંદલોડિયા વિસ્તારમાં પણ ત્રીજી ઓક્ટોબરે મોડી સાંજે પરપ્રાંતિયો પર હુમલો કરવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય એમ ઠાકોર સેનાનાં નેજા હેઠળનાં કેટલાંક લોકોએ પરપ્રાંતિયોનાં ઘરે જઈ જઈને ધમકીઓ આપી હોવાનું પણ પરપ્રાંતિયો દ્વારા કહેવામાં આવ્યું હતું. તો શુક્રવારે સવારથી જ પૂર્વ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિયોએ મોટા પાયે થઈ રહેલાં હુમલાંથી ભયભીત થઈને હિજરતની શરૂઆત કરી હતી. અને આ પ્રકારની ઘટના બાદ સફાળી જાગેલી સરકારે તાકીદે પગલાં લેવાની શરૂઆત પણ કરી છે.
પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા સંદર્ભે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં નેતા નિકુલ તોમરે જણાવ્યું કે, જે પ્રકારે પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યાં છે તે તદ્દન ખોટી રીતનાં છે. જે ગુનેગાર છે તેની સજા અન્ય પરપ્રાંતિયો કેમ ભોગવી રહ્યાં છે. તેમણે માંગણી કરી હતી કે, રાજ્ય સરકારે આ બાબતે તાકીદે કડક પગલાં ભરી પરપ્રાંતિય પર હુમલા કરાવનાર અને કરનાર સામે કડકપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
તો બીજી પરપ્રાંતિયો પર હુમલા કરવાનું કોણ ષડયંત્ર રચી રહ્યું છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસને કરાયેલાં આદેશ બાદ પરપ્રાંતિય પર હુમલા અટકે છે કે નહિ તે જોવું રહ્યું.