પર્લ્સના એજન્ટોની બેઠકમાં ઉચ્ચ અધિકારીઑ પર આક્ષેપ

ભારતમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત ખૂબ જ પ્રચલિત છે. અને આવા ઠગ ભગતો કોઈકને કોઈક સ્કીમ હેઠળ ભોળા લોકોને છેતરીને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, ભારતના મધ્યમ વર્ગના લોકોનું સૌથી મોટું રોકાણ છે તેવી ઉઠી ગયેલી કંપની પર્લ્સ એજન્ટોએ પોતાના બચાવને કંપનીના ઉચ્ચ અધિકારીઓ પર ઉચાપતનું તહોમત લગાવ્યું છે અને આવા પાંચ ઉચ્ચ અધિકારીઓની ખાનગી મિલકતોને સીલ કરી રોકાણકારોને તેમના રોકેલા નાણાં પરત આપવાની માંગ કરી છે.
પર્લ્સ કંપની ઉઠી ગયા બાદ ગુજરાતમાં મધ્યમવર્ગના લાખ્ખો લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.. કરોડોના રોકાણ બાદ અચાનક આ કંપની ઉઠી જતાં ગુજરાતનાં લાખો લોકોના પરસેવાના પૈસા ફસાઈ ગયા છે. છેલ્લા ઘણા વર્ષથી મધ્યમ વર્ગના લોકો તેમનું રોકાણ પરત મેળવવાની માંગ કરી રહ્યા છે અને પર્લ્સ કંપનીના એજન્ટો પર દબાણ લાવી રહ્યા છે. ત્યારે શનિવારે ડીસા ખાતે પર્લ્સના એજન્ટોએ એકત્રિત થઈને કંપનીના ઉચ્ચ અધિકારીઓ પર તહોમત લગાવી રહ્યાં છે. આ એજન્ટોનું કહેવું છે કે કંપનીના અધિકારીઓ દ્વારા પ્રજાના પરસેવાના પૈસાથી ખાનગી મિલકતો ખરીદી દેવામાં આવતા રોકાણકારોના નાણાં ફસાઈ ગયા છે. જેથી સરકાર દ્વારા અધિકારીઓની ખાનગી મિલકતો સીલ કરી રોકાણકારોને તેમના નાણાં પરત કરવાની દિશામાં પ્રયાસો કરવા જોઇએ.. આ ઉપરાંત પર્લ્સના એજન્ટોએ ચાર નામ પણ જાહેર કર્યા છે. જેમાં વડોદરાના વિશ્વાસ કદમ, મહેસાણાના સતલાસણાના આર. આર. રાવત અને પાટણના આર. વી. પરમાર તથા કનુભાઈ આસેડીયા દ્વારા લોકોના રોકાણમાંથી ખાનગી મિલકતો ખરીદવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા આ ચાર લોકોની ખાનગી મિલકતોને સીલ કરીને પ્રજાના રોકાણ કરેલા નાણાં ચૂકવવા જોઇએ એવી માંગણી ઉઠવા પામી છે.
પર્લ્સ કંપનીના એજન્ટો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી સત્યતા છે…? શું આ એજન્ટો તેમના પર રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલા દબાણોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે..? અને જો તેમના આક્ષેપોમાં સત્યતા હોય તો આ અંગે સરકાર દ્વારા દરમિયાનગિરિ કરીને રોકાણકારોના ફસાયેલા નાણાં નીકળવા માટે ખાનગી મિલકતોની પણ તપાસ કરાવવી જોઈએ. કારણ કે પર્લ્સ કૌભાંડ પણ ભારતના મોટા કૌભાંડમાનું એક કૌભાંડ છે. અને સમય જતાં રોકાણકારોની ધીરજ ખૂટશે તો સરકાર માટે પણ આ મોટી મુશ્કેલી સર્જી શકે તેમ છે.