પવિત્ર યાત્રાધામ દ્વારા ભ્રષ્ટાચાર કરાય છે તે અંબાજી માતાનું મહત્વ શું છે ?

અંબાજી માતા મંદિરનો વહીવટ હાલમાં ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ના નામે કલેક્ટર ઉપરાંત અન્ય ટ્રસ્ટી સમિતિ સભ્યો દ્વારા કરવામાં આવે છે. નાયબ કલેકટર કક્ષાના અધિકારી વહિવટદાર તરીકે સંપૂર્ણ સમય માટે સંચાલન કરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા આરાસુરી અંબાજી માતાનું સ્થાનક ભારતભરની 51 શક્તિપીઠો માં આગવું સ્થાન ધરાવે છે. અહીં સરકારી સંચાલકો દ્વારા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. આ મંદિર સહિત સરકાર સંચાલિત ગુજરાતના 400 મંદિરો હિંદુઓની એક સંસ્થા બનાવી તેમને સોંપી દેવા માટે માંગણી થઈ છે. પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવ સ્થાનો હિંદુઓના સમાવવામાં આવ્યા છે. 8 પવિત્ર સ્થાનોમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણાં, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી છે. આ તમામ સ્થાનોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સરકાર સમક્ષ છે, છતાં કોઈ પગલાં લેવાં આવતાં નથી. વર્ષે રૂ.50 કરોડનું દાન અહીં મળે છે. જેનો ગરીબો માટે સદઉપયોગ કરવાની પણ વારંવાર માંગણી કરવામાં આવે છે.

વહીવટ સરકાર હસ્તક લઈ લેવાયો

અંબાજી મંદિરનો વહીવટ દાંતા રાજ્યના પરિવાર દ્વારા ચાલતો હતો. જે ગુજરાત રાજ્યમાં ભળી જતાં મંદિરના વહીવટ બાબતે દાંતા સ્ટેટ અને સરકારનો વિવાદ થયો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે સરકારને જવાબદારી સોંપી હતી. ટ્રસ્ટ બનાવીને અધ્યક્ષ તરીકે બનાલકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા હતા. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાઈ હતી. ઉપરાંત બુદ્ધિજીવી અને નિષ્ણાતોને મંદિર સમિતિ બનાવીને વ્યવસ્થાપન કમિટીની રચના કરવામાં આવી હતી. હાલ નિષ્ણાંતોના બદલે જિલ્લાના ધિકારીઓ સમિતિના સભ્ય છે.

શું છે ભ્રષ્ટાચાર

બનાવટી પાવતી

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવટી ભેટ પાવતી આપવામાં આવતી હોવાનું 23 મે 2013માં બહાર આવ્યું હતું. પોલીસ મથકે 18 મેના રોજ મંદિરના કર્મચારી હસમુખભાઇ વ્યાસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ભેટ સ્વીકારવા અંગે બે ટેમ્પલ ઇન્સપેકટરને અધિકૃત કરવામાં આવ્યા છે. જ્યારે મંદિર ખાતે જ ભેટ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. આ સિવાય સ્ટેટ બેંક અને એચ.ડી.એફ.સી. બેંકમાં પણ ઓનલાઇન ભેટ સ્વીકારાય છે.

ભાજપને ભેટ

હિન્દુત્વના નામે સત્તા પર આવેલાં અને સત્તાલાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવે છે. ચા-નાસ્તા, જમવા, ભેટ પાછળ 2017-18 બે વર્ષમાં રૂ.7.40 લાખનો ખર્ચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. દાનમાં મળતી રકમ ભાજપના નેતાઓ વાપરતાં રહ્યાં છે. ભાજપના નેતાઓને માતાજીનાં ફોટા, પંચધાતુનાં સિક્કા, કેલેન્ડર્સ, શ્રીયંત્ર ભેટમાં આપીને રૂ.4.34 લાખ, ચા-નાસ્તો, ભોજન, રહેવા માટે રૂ.3.05 લાખનો ખર્ચ ઉધારવામાં આવ્યો હતો. આવું વર્ષોથી કરવામાં આવે છે.

 

ગેરરીતિ સામે 19 પૂજારીએ ફરિયાદ કરી

અંબાજી એકાવન શક્તિપીઠમાં વિવિધ દેવીઓને ચઢાવા રાજભોગના પ્રસાદ સહિત અનેક વહિવટી બાબતોમાં ગંભીર ગેરરીતિ આચરાઇ હોવાના આક્ષેપો સાથે 19 પુજારીઓ દ્વારા ધર્માધિકારી ભાઇરામભાઇ જોષી વિરૂદ્ધ બનાસકાંઠા જિલ્લા કલેકટરને 10 ઓગસ્ટ 2016માં રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ વર્ષના વહિવટમાં અનેક ગેરરિતિઓ સહિત માતાજીને ચઢતા રાજભોગના પ્રસાદમાં પણ ગુણવત્તાવિહિન અને ગંભીર ખાયકી કરી હતી. જેમાં અપુરતો ને સડેલો પુજાપો, વહિવટમાં મળતીયા, પૂજારીઓની હાજરી પૂરવામાં ગેરરીતિ, સમયસર રાજભોગ ન પહોંચાડવો, અપૂરતો રાજભોગ પ્રસાદ છતાં ઠેકેદારોને પુરા નાણાં, પૂજારીઓને કારકુન બનાવાયા, ધર્માધિકારીએ મળતીયાઓને નોકરી રાખ્યા, રાજભોગના પ્રસાદનો ઠેકો બારોબાર આપી દેવાયો, રાજભોગ (થાળ)ને મંદિર દ્વારા રૂ.191 લઈને પુરતી સામગ્રી આપવામાં આવતી નથી. ધર્માધિકારીની પોલ ઉઘાડી કરવા ગયેલા એક મીડીયા કર્મીની મોટી રકમ આપી કૌભાંડ દબાવી દેવાયું હતું. 1.25 કરોડ પ્રસાદીનાં પેકેટ દર વર્ષે બનાવાય છે. મંદિરના ભેટ કેન્દ્રો પર ભેટ લખાવ્યા બાદ પ્રસાદી કેન્દ્રથી પ્રસાદ આપવામાં આવે છે. જેનાથી મંદિરને રૂ.1.25 કરોડની આવક થાય છે.

ઠેકેદાર સામે ફરિયાદ છતાં ફરી ઠેકો

યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો કારોબાર ખાનગી ઠેકેદાર પદ્ધતિથી ચાલે છે. કર્મચારીઓ પણ આ રીતે ઠેકા પદ્ધતિથી લેવામાં આવે છે. જેમાં એક એજન્સીએ નિયમોનો ભંગ કર્યો હોવાથી તેને 22 નોટિસ આફવામાં આવી હતી. આ એજન્સીને ફરીથી ઠેકો આપવા માટે અધિકારીઓ તૈયાર થયા હતા. એજન્સીઓને પરદા પાછળ ભાજપના વગદાર નેતાનું પીઠબળ પૂરું પડાતું રહ્યું છે. 41 કર્મચારીઓએ મજૂર કાયદાનો અમલ થતો ન હોવાની ફરિયાદ કરી હતી. 12 ઠેકેદારોએ ભાગ લીધો હતો. ઓછો પગાર આપવામાં આવે છે. ઠેકાથી મેળવેલાં હંગામી કર્મચારીઓ પાસેથી દાનની રકમ ગણાવવામાં આવે છે. ક્લાર્ક, સુરવાઈઝર, લાઈટમેન જેવા તમામ કામ ઠેકેદારો પાસે કરાવવામાં આવે છે જે જોખમી છે.

હલકી કક્ષાનો આરસપહાણ

અંબાજી મંદિરના ચાચર ચોકમાં 2018માં મહેસાણાની શ્રી સત્યમ કન્સ્ટ્રકશન કંપની દ્વારા 21 ટકા નીચા ભાવે નવા માર્બલ નાંખવામાં આવ્યા છે, તે હલકીકક્ષાના વાપર્યા હોવાની કલેકટરને ફરિયાદ કરવામાં આવતાં પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું હતું.  ત્રણ વર્ષ પૂર્વે વિશાળકાય અગરબત્તી સળગાવતાં ચાચર ચોકનો કેટલોક માર્બલ બળી ગયો હતો. આથી રૂ.3.38 કરોડના ખર્ચે મંદિર ચોકમાં નવો માર્બલ નાખવા સરકારે મંજૂરી આપી હતી. જેમાં તીરાડો પડી ગઈ હતી.

ભંડારામાં ચોરી

ભંડારા ગણતરી રૂમ નજીકના રૂમમાંથી રૂ.1.27 લાખ મળી આવ્યા હતા. અંબાજી ભંડારા ચોરીમાં નિષ્પક્ષ તપાસ ન થાય તો કલેક્ટર કચેરી બનાસકાંઠા આત્મવિલોપન કરવાની સ્થાનિક લોકોએ 21 મે 2016માં જાહેરાત કરી હતી. કેટલાં સમયથી આવી ચોરી ચાલતી હતી તેની કોઈ તપાસ થઈ નથી. દાનના પૈસાની ગણતરી વખતે હાજર રહેલી વ્યક્તિઓમાંથી કોઈ એક અથવા આખી ટુકડી મોટી રકમની હેરાફેરી કરવામાં સંડોવાયેલી હોય તેમ જણાઈ આવે છે. નાણાંનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. વહીવટદારે તે રકમ પુરાવાનો નાશ કરવા માટે ભંડારામાં ભેળવી દેતાં આ કાંડમાં તેમની સામેલગીરીનો આક્ષેપ થયો હતો.

શું છે મા અંબાનો મહિમા

પ્રજાપતિ દક્ષે કરેલા યજ્ઞાનાં આયોજનમાં ભગવાન શંકરને આમંત્રણ મળ્યું ન હોવાનું જાણી સતી પાર્વતીએ યજ્ઞા કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધાનું જાણી ભગવાન શંકરે યજ્ઞાસ્થળે પહોંચી નશ્વર દેહને ખભે ઉપાડી તાંડવ નૃત્ય આદર્યું ત્યારે આખી સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનાં ચક્રથી સતીનાં શરીરના ટુકડા કરી પૃથ્વી પર આંતરે આંતરે વેરાવી દીધા. સતીનાં શરીરના ભાગ બાવન સ્થળો પર પડયા આ સ્થળોએ એક એક શક્તિપીઠનું નિર્માણ થયું હોવાના ‘તંત્ર ચૂડામણિ’ ગ્રંથમાં ઉલ્લેખ છે.

અંબાજી મંદિરમાં પ્રતિમા નહીં વિસાયંત્ર છે

અંબાજી મંદિરમાં માતાજીની પ્રતિમા નથી પરંતુ વિસાયંત્ર કે શ્રીયંત્રને એવી રીતે સજાવવામાં આવે છે કે, મંદિરના ગોખમાં મૂર્તિ હોવાનો ભાસ થાય છે. ફૂલોની વાડીથી શ્રીયંત્રને મૂર્તિ રૂપે સજાવવામાં આવે છે. ભટ્ટજી મહારાજ દ્વારા આંખે પાટા બાંધીને શ્રીયંત્ર (વિસાયંત્ર)ની પૂજા થાય છે.

ગુજરાતનું સુવર્ણ મંદિર, 358 સુવર્ણ કળશ

અંબાજી મંદિરના 103 ફુટ ઊંચા શિખર પર 3 ટન વજનનો કળશ મુકાયેલો છે.શિખર પર મુકવામાં આવેલ સુવર્ણ કળશ નીચેના આંબલસારાને પણ સુવર્ણ જડિત કરાયેલ છે. અત્યારે 358 જેટલા સુવર્ણકળશ છે. ભારતભરના 51 શક્તિપીઠોમાં સૌથી વધારે સુવર્ણકળશ ધરાવતું આ મંદિર છે.

ગોલ્ડન ટેમ્પલ

અંબાજીનું મંદિર સુવર્ણ મંદિર બન્યું છે. એકસો બે ફૂટની ઊંચાઈ ધરાવતા અંબાજી મંદિરના શિખરના 59  ફૂટને સોનાથી બનાવી દેવાયો છે. તે માટે 140 કિલો સોનું વપરાયું છે. જે તાંબાના પતરાં પર મઢી આકર્ષક ડિઝાઈન બનાવી ફિટ કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના પિલર, શિખરની ટોચ મળીને 100 કિલો સોનું છે. અંબાજીમાં સૌથી વધું સોનું દાનમાં આવ્યું છે. ટોચે રહેલા કળશ, ત્રિશૂલ, ડમરૂ ઉપરાંત મંદિરના ગર્ભગૃહના પિલરને સુવર્ણ મંડિત કરવામાં આવ્યા છે. 100 કિલો સુવર્ણના દાનથી મંદિરમાં જલાધારી સહિતના ક્ષેત્રને પણ મઢવામાં આવ્યું છે.

કેમ બનાવવામાં આવી રહ્યું છે સોનાનું મંદિર ?

અંબાજી મંદિરના આંબલસારા સુવર્ણમય બનાવ્યા બાદ ૩૫૮ સુવર્ણ કળશ મૂકવામાં આવ્યા હતા. આ બાદ પણ યાત્રિકો દ્વારા સોનાના દાનનો પ્રવાહ ચાલુ રહેતા સોનું સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવતું હતું. આંબલસારા અને કળશની કામગીરી બાદ સોનાના દાનનો પ્રવાહ જોતાં અંબાજી દેવસ્થાન દ્વારા સુવર્ણ મંદિર બનાવવાનું નક્કી કરાયું જેનો વિશ્વભરમાં વસતા યાત્રિકોમાં સારો પ્રતિસાદ મળતા આજે અંબાજી મંદિર સુવર્ણ મંદિર બની રહ્યું છે. હાલ મોટી સંખ્યામાં ભાવિકો દાન આપી રહ્યા છે.

સોનાની સંભાળ માટે દેશી પારા પદ્ધતિ

અંબાજી મંદિરની મૂળ ડિઝાઈન મુજબ એમ્બોઝ કરી તેની પર દેશી પારા પદ્ધતિથી સુવર્ણ મઢીને ફિટિંગ કરવામાં નિષ્ણાત વિસનગરના અતુલજી કંસારા અને ચિરાગજી કંસારાને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં રૂ.2.17 કરોડનો ખર્ચ થયેલો છે. 15 નિષ્ણાત કારીગરો 6 વર્ષથી સોનાની કોતરણીનું કામ કરે છે. તાંબાના પતરાં પર જગદંબાનું મંદિર સોનાથી મઢાયું છે. વરસાદ, ગરમી કે વાતાવરણની ફેરફારમાં આ સોનાની ચમક જતી ન રહે અને કાળું ન પડી જાય તે માટે પારાનો ઉપયોગ કરાયો છે.

દાન અને ભેટમાં શું-શું આવે છે ?

ભાદરવી પૂનમે 10 લાખ લોકો ચાલતાં દર્શને આવે છે. વર્ષે 30 લાખ લોકો દર્શન માટે આવે છે. ભક્તજનો દ્વારા રોકડ રકમ ઉપરાંત વિદેશી ચલણ સહિત સોના-ચાંદીના વિવિધ દાગીના સહિત શૃંગાર, પાટલા, ઘોડિયા, બક્કલ, બંગડી, સેટ, જાતજાતના ટીકા, છત્ર, ત્રિશૂળ, પાવડી જેવી વસ્તુઓ બાધા-માનતા- આખડીરૂપે જગદંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. અમદાવાદના મુકેશભાઈ પટેલ નામના દાતાએ 25 કિલો સોનું આપ્યું હતું. તેનાથી મંદિરના શિખરને સોનાથી મઢવાનું ઝડપી બન્યું હતું. બીજા તબક્કામાં મંદિરનો અન્ય ભાગ આવરી લેવાશે.

મંદિરમાં આરતીની પ્રથા

અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. વર્ષોથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. વર્ષ દરમિયાન દસ માસ બે ટાઈમ અને બે માસ ત્રણ ટાઈમ આરતી થાય છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે. 60 કર્મચારીઓ અને 300 જેટલાં હંગામી કર્મચીરઓ કામ કરે છે.

સુરક્ષા કેવી

56 સીસીટીવી કેમેરા, 40 બોર્ડર વિંગના જવાન, 17 મહિલા સુરક્ષા કર્મી (GISF), 173 પુરુષ (GISF), 1  પી.એસ.આઈ., 15 પોલીસ જવાન, 38 મંદિર ગાર્ડ, 20 હોમગાર્ડ

મૂર્તિ નહીં પણ, વીસાયંત્રની પૂજા

અંબાજીમાતાનું મૂળમંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વીસાયંત્રની પૂજા થાય છે. યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ,વાઘ,હાથી,નંદી,ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે/મંદિરની સામેની  બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજીમાતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.

પોષી પૂનમ પ્રાગટ્ય દિવસ

પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનોસાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.અને ખાસ ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું પણ આયોજન થાય છે.અંબાજી ગામ શણગાર સજે છે.આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે, અને માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે છે. અંબાજી દેવસ્થાનની પશ્ચિમ દિશામાં ત્રણેક કિમીના અંતરે ગબ્બર આવેલો છે. આ સ્થળ માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે.

શ્રી કૃષ્ણની બાબરી કર્મ અહીં થયો

ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી. પગથિયા તેમજ રોપ-વે દ્વારા ગબ્બર પર જઈ શકાય છે. જ્યાં અંખડ દીપ જ્યોત અવિરત ઝળહળે છે. આ જ્યોત અંબાજી મંદિરમાંથી પણ નરીઆંખે જોઈ શકાય છે.

પુરાણ કથા

’તંત્ર-ચુડામણી’માં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. પુરાણનાં ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિ ‘બુહ્સ્પતિક’ યજ્ઞ કરેલ,જેમાં પોતાના જમાઈ ભગવાન શંકરને નિમંત્ર્યા ન હતા. તેથી તેમના વિરોધ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી યજ્ઞકુંડમાં પ્રાણ ત્યજી દીધો. ત્યારે ભગવાન શિવે સતીદેવીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું. સતીદેવીને ખભે લઇ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીદેવીના ટૂકડા કરી પૃથ્વી પર આંતરે-આંતરે વેરાવી દીધા. આ શરીરના તથા આભુષણના ભાગ 51  સ્થળે પડ્યા જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઇ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે. આ પીઠ અંગે અન્ય કથા પણ મળે છે.