૨૦૧૭-૧૮ દરમિયાન જે-તે દૂધ મંડળી દ્વારા પસંદગીના ઉમેદવારોને લોનની સગવડ કરી આપીને અંદાજે ૧૧૦૦૦ જેટલા પશુઓમાં વધારો કરાયો છે. જેમાં હજુ ૫ હજાર ઉપરાંત દુધાળા પશુઓના વધારો થવાની સંભાવના છે. આ યોજનામાં તારાપુરનું મોરજ ગામ અગેસર્ર બન્યું છે.
સમગ્ર ચરોતર પંથકમાં એક વર્ષના સમય ગાળામાં ૨૫૦ ઉપરાંત મોટા તબેલાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેઓ દ્વારા દરરોજ ૫૦૦ થી ૧૦૦૦ લીટર દૂધની આવક મેળવીને માસિક ૫૦ હજારથી ૩ લાખ રૂપિયાની આવક મેળવીને આર્થિક રીતે વધુ મજબૂત બન્યા છે. જેમાં નોકરી કે અન્ય ધંધામાં જોતરાયેલા ઘણા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમાં ચિખોદરાના પશુપાલક જયંતિભાઈ અગાઉ આઈશર ટેમ્પો તેમજ ડમ્પર ભાડે આપીને વ્યવસાય કરતા હતા. જેઓએ સમગ્ર ધંધો સમેટીને એક વર્ષથી પશુપાલનના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. જેઓ દૈનિક ૧૦૦૦ લીટર દૂધ ભરીને વાર્ષિક ૩૬ લાખ જેટલી માતબર આવક મેળવે છે.
અમૂલ દ્વારા મળેલ માહિતી મુજબ આણંદ-ખેડા જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓ દ્વારા ખેતીલાયક જમીન ધરાવતા હોય અને દૂધ મંડળીમાં કાયમી દૂધ ભરતા હોય, મંડળીને નિયમિત હપ્તા ભરવા સક્ષમ હોય તેવા સભાસદોની પંસદગી કરીને વાર્ષિક ૧૨.૫૦ ટકા વ્યાજથી ૧.૨૦ લાખની ગાય ખરીદવા લોન મંજૂર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭માં ૧૧૦૦૦ જેટલા પશુઓની ખરીદી કરીને પશુપાલકોને રોજગારી મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરાયો છે. પશુપાલન વ્યવસાય કરવા ઈચ્છુક પશુપાલકોને અમૂલ દ્વારા તાલુકા પ્રમાણે અગાઉ ૬ દિવસના તાલીમ આપવામાં આવે છે. જેમાં પશુની જાત, તબેલાઓ બનાવવાની જગ્યા, માવજત થી માંડીને વિવિધ વિષય અંતર્ગત ટ્રેનિંગ આપવામાં આવે છે. અમૂલ અને ચરોતર ગ્રામ્ય દૂધ મંડળીના સહયોગથી આણંદ – ખેડા જિલ્લામાં એક વર્ષમાં ૨૫૦ ઉપરાંત ૫૦ ઉપરાંત ગાયો-ભેંસોની સંખ્યા ધરાવતા તબેલા કાર્યરત થયા છે. જેના પગલે અમૂલમાં એક વર્ષના સમયગાળામાં અગાઉ કરતાં ૬ લાખ લીટર દૂધની આવક વધી છે. આણંદ જિલ્લામાં તારાપુર નજીક આવેલ મોરજ ગામમાં સમગ્ર જિલ્લામાં પશુપાલન વ્યવસાયમાં અગ્ર સ્થાન મેળવ્યું છે. ઉપરાંત કપડવંજ પંથકમાં નરસિંહપુર, કેવડીયા વગેરે ગામોમાં પણ પશુપાલન વ્યવસાયને વેગ મળ્યો છે. કાળ-ઝાળ મોંઘવારીમાં એક સમયે આર્થિક સમસ્યા વિક્ટ બનતા નાસીપાસ થઈ ગયેલા અનેક પરિવારો દૂધાળા પ્રાણીઓના સહારે આર્થિક રીતે પગભર બન્યા હોવાનું મોરજના પશુપાલક રવિભાઈ પટેલે જણાવ્યું હતું. રવિભાઈ પટેલ ફાયરસેફ્ટી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં માસિક ૧૭૦૦૦ રૂપિયાની નોકરી છોડીને પોતાના ભાઈ તપન સાથે મળીને પચાસ ગાયનો તબેલો બનાવ્યો છે. જેમાંથી હાલ તેઓ દૈનિક ૮૦૦ લીટર દૂધ ભરે છે અને તેમાંથી મહિને આઠ લાખ રૂપિયાની આવક મેળવે છે. મોરજ દૂધ મંડળીમાં એક દિવસનું ૬પ૦૦ લીટર દૂધ આવે છે. જેમાં ૩૫૦ ઉપરાંત સભાસદો હાલ દૂઘ ભરે છે. દૂધ મંડળી સિવાય ગામમાં પાંચ તબેલા આવેલા છે. જ્યાં બલ્ક મિલ્ક મશીનના ટાંકામાં દૂધ જમા કરે છે જે દૂધ અમૂલ દ્વારા લઈ જવામાં આવે છે. ગામમાંથી કુલ દરરોજનું ૧૦૦૦૦ લીટર દૂધ અમૂલમાં નિકાસ થાય છે. ગામમાં ૨૫૦૦ ઉપરાંત ગાયો ભેંસોની સંખ્યા છે.