અમદાવાદ શહેર ભાજપ પર કોઈનો અંકુશ ન રહેતાં પ્રદેશ ભાજપના નેતાઓ અમદાવાદ શહેરના ભાજપના નેતાઓ અને પ્રભારીઓ પર ભડકી ઉઠ્યા છે. મુખ્ય પ્રધાનના સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમોમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરહાજર હતા. તાજેતરમાં અમદાવાદાના વૈભવી સર્કિટ હાઉસ ખાતે પણ ભાજપના ધારાસભ્યો કે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. આવા અનેક કાર્યક્રમોમાં નોંધપાત્ર ગેરહાજરી રહેતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ દ્વારા આઈ. કે. જાડેજાને ઠપકો આપ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દારો, કોર્પોરેટરો અને શહેર સંગઠનનાં આગેવાનો વચ્ચે સરકીટ હાઉસ એનેક્સી ખાતે બેઠક યોજાઇ હતી, જેમાં ફકત ચાર જ ધારાસભ્યો હાજર રહ્યાં હતા. શહેરના ધારાસભ્યો હવે સરકારમાં ભાગીદારી માંગી રહ્યાં છે. તેઓ બોર્ડ કે કોર્પોરેશનમાં સ્થાન આપવા માંગણી કરી રહ્યાં છએ. જે મળતું ન હોવાથી તેઓ પક્ષના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતાં હોવાનું બહાર આવતાં સંગઠન પ્રભારી આઇ. કે. જાડેજાએ આ બધાં પર ભઆરે રોષ ઠાલવી દીધો હતો. સરકાર અને પક્ષના કાર્યક્રમોમાં ઓછી હાજરીથી અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષ માટે કે સરકાર માટે કંઈ કરતું નથી એવું પ્રદેશના નેતાઓ સુધી પહોંચ્યું છે તેથી સંગઠન પ્રભારી તરીકે મને ઠપકો મળે છે. એવું આ બેઠકમાં આઈ કે જાડેજાએ કહ્યું હતું.
શહેર કારોબારીમાં શું થયું
ભાજપની 30 ઓક્ટોબર 2018ના રોજ યોજાયેલી અમદાવાદ શહેર કારોબારીમાં મેરા બૂથ સબસે મજબૂત અને અજેય ભારત, અટલ ભારત બે સૂત્રો પ્રમાણે કામ કરવા જણાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સંગઠન પ્રભારી આઇ. કે. જાડેજા વગેરેએ કોર્પોરેટરો અને ધારાસભ્યોને સ્પષ્ટ કહી દીધું છે કે લોકોની વચ્ચે જાઓ અને સરકારનાં કામોનો પ્રચાર કરો. પ્રદેશ અને શહેર નેતાગીરીએ આપેલાં ઠપકાને પગલે કારોબારીમાં ભરચક હાજરી રહી હતી. આમ હવે કોર્પોરેટરો અને ધારાસભ્યો રવિવારથી હાજર રહેવા લાગ્યા હોવાનું ચિત્ર ઊભું થયું છે. આમ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ કેવા આળસું બની ગયા છે તેનું અમદાવાદ ઉત્તમ ઉદાહરણ છે. જો કે કેટલાંક ધારાસભ્યો અને કોર્પોરેટરો સ્પષ્ટ રીતે કરી છે. તેમને વર્ષોથી કોઈ સત્તા આપવામાં આવી નથી. જ્યારે જરૂર પડે ત્યારે તેમને લોકોની સંખ્યા હાજર કરવા માટે કહેવામાં આવે છે. પણ ધારાસભ્યો કે કોર્પોરેટરોમાં સત્તમાં ભાગીદાર બનાવવામાં આવતા નથી. આવું ક્યાં સુધી અમારે ચલાવવું ?
ધારાસભ્યો અને શહેરી બાવાની યાદી મોકલી દેવામાં આવી
જે કોર્પોરેટરો અને ધારાસભ્યો સતત ગેરહાજર રહેતાં રહ્યાં છે તેની પ્રદેશ નેતાગીરીએ અહેવાલ મંગાવીને ખુલાસો પૂછવાનું નક્કી કરાયું છે. પ્રદેશથી આવેલી સૂચનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના નેતા અને કોર્પોરેટર અમિત શાહે બોર્ડ બેઠક પહેલાની એજન્ડા મીટિંગમાં જ ગેરહાજર રહેતાં કોર્પોરેટરોને ઠપકો આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતાં હોય તેવા કાર્યક્રમોમાં ગણ્યાગાંઠ્યા કોર્પોરેટરો હાજર રહે તે ચાલે નહિ, કોર્પોરેટર તરીકે ચૂંટાયા ત્યારે આપણને ખબર હતી કે, ગમે ત્યારે યોજાતાં પાર્ટીનાં કાર્યક્રમોમાં જવું પડશે. તમારા કારણે અમારે સાંભળવુ પડે છે, અમે તો ગેરહાજર રહેતાં કોર્પોરેટરોનાં નામનુ લિસ્ટ શહેર અને પ્રદેશ સંગઠનને મોકલી દીધુ છે, હવે તેઓ તમારા ખુલાસા પૂછશે. આમ ભાજપના અમદાવાદ શહેરના નેતાઓ પોતાના કોર્પોરટરોને ખખડાવી રહ્યાં છે. તેમની તકલીફો શું છે તે તેઓ સાંભળવા તૈયાર નથી પણ તેમને આદેશ આપવામાં આવે છે કે કેટલાં લોકોને લઈને કાર્યક્રમમાં આવવાનું છે. પણ તેમની માંગણી અંગે પક્ષ દ્વારા કંઈ વિચારવામાં આવતું ન હોવાથી તેઓ ગેરહાજર રહેતાં આવ્યા છે. જેની સીધી ગંભીર અસર અમદાવાદની લોકસભાની બે બેઠક પર પણ પડશે અને પક્ષે જે આદેશ કર્યો છે કે ગઈ ચૂંટણી કરતાં આવતી લોકસભાની ચૂંટણીમાં વધું મત લાવવાના છે તે લક્ષ્યાંક પહોંચી શકાશે નહીં એવું કોર્પોરેટરો સ્પષ્ રીતે માની રહ્યાં છે.