મુંબઈ તા. ૨૫
બિત્કોઇન ગુરુવારે પાંચ જ મીનીટમાં ૫૦૦ ડોલર તુટ્યો. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ લિબ્રા ક્રીપ્ટો કોઈનને તરતો મુકવા માટેની, અમેરિકન સંસદમાં કેફિયત (ટેસ્ટીમની) આપવા ઉભા થયા તે પહેલાની મીનીટોમાજ આ ઘટના બની. લિબ્રા ક્રીપ્ટોકરન્સી બાબતે ફેસબુકનાં અક્કડ વલણે, બિત્કોઇનનાં સેન્ટીમેન્ટ પર પ્રભાવ પાડ્યો હતો. બિત્કોઇન જેવી ક્રીપ્ટોકરન્સીએ અમેરિકન ડોલર સામે મજબુત પડકારો નિર્માણ કર્યા છે, એમ કહીને અમેરિકન સાંસદ બ્રેડ શેરમેનએ ડીજીટલ કરન્સીની વિરુદ્ધમાં, સંસદમાં મારફાડ દલીલો પેશ કરી હતી. ૩૦ મીનીટની અફડાતફડીવાળી બજારમાં ગુરુવારે ઇન્ટ્રાડેમાં બીત્કોઈ ૧૦ ટકા તૂટીને ૭૩૦૩ ડોલરની બોટમ બનાવી હતી. બીટમેક્સ એક્સચેન્જ પર રોકાણકારોએ આ ગાળામાં ૨૦૦૦ લાખ ડોલરનું ધોવાણ સહન કર્યું હતું.
સાંસદ બ્રેડ શેરમેન કહે છે કે વૈશ્વિક રીઝર્વ કરન્સીનાં એક માત્ર ઇજારદાર, અમેરિકન ડોલર સામે ક્રીપ્ટોકરન્સીએ નવા પડકારો સર્જ્યા છે. તેઓ આગળ વધી કહે છે કે, ક્રીપ્ટોકરન્સી યાતો કામ નથી કરતી અથવા એ સંયોગોમાં રોકાણકારોએ અબજો ડોલર ગુમાવી દીધા છે, કદાચ તે ડોલરને અસ્થિર કરવામાં કામયાબ થયા છે. ન્યુયોર્ક સમય પ્રમાણે સવારે ૮.૩૦ વાગ્યે ટ્રેડરોના એક જુથે લીબ્રાની આડમાં રહીને ક્રીપ્ટોકરન્સીને તોડવામાં ઉદ્દીપકની ભૂમિકા નિભાવી હતી. બુધવારે માર્ક ઝુકરબર્ગ અમેરિકન સંસદની ફાયનાન્સીયલ સર્વિસ કમિટી સમક્ષ પોતાની કેફિયત આપી રહ્યા હતા ત્યારે જ ઇથર અને લિત્કોઇનમાં પણ અનુક્રમે ૧૧ અને ૧૩ ટકાના ગાબડા પડ્યા હતા.
ક્ષણાર્ધમાં ઘણું બધું એવું બની ગયું કે લોકો કહેવા લાગ્યા કે વ્યાપક રીતે સ્વીકૃતિ પામી રહેલી ઈલેક્ટ્રોનિક કરન્સીમાં પુન: વિશ્વાસ બેસતા હવે ઘણો સમય લાગી જશે. તાજેતરના સપ્તાહોમાં પ્રથમ નંબરની આ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણકારોની આંખમાંથી આંસુડા વહાવી દે તેવી આ બીજી ઘટના હતી. ૨૧ સપ્ટેમ્બરે બિત્કોઇનનો ભાવ ૧૦,૦૪૪ ડોલર હતો. બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો ભાવ, ૮૩૦૦ ડોલરના તળિયે બેસી ગયો હતો. છેલ્લા છ મહિનામાં ક્રીપ્ટો બજારમાં આવી નબળાઈ બીજા નંબરની છે. જો ૨૬ જુનની ૧૩,૭૬૪ ડોલરની ઊંચાઈને ધ્યાનમાં લઈએ તો ગુરુવાર સુધીમાં બિત્કોઇન ૪૫ ટકા ગબડી પડ્યો છે.
બકત ફયુચર્સ એક્સચેન્જમાં ઉચા વોલ્યુમથી કામકાજ સાથે ભાવ વેગથી ઘટ્યા હતા. ગુરુવારે બક્ત એક્સચેન્જ પર ૨૯૬ બીત્કોઈન (૨૨ લાખ ડોલર)નાં વિક્રમ સોદા થયા હતા, આ અગાઉ ૧૧ ઓક્ટોબરે ૨૨૪ કોન્ટ્રેક્ટનાં સૌથી વધુ સોદા થયા હતા. આમ જોવા જઈએ તો વાયદા બજારમાં આટલું વોલ્યુમ બહુ કઈ મોટું ન કહેવાય. પણ જો સેન્ટીમેન્ટની દ્રષ્ટીએ જોઈએ તો આ હકીકત લિબ્રા કોઈન સામે બહુ મોટો પડકાર પણ ગણી શકાય, એટલું અધૂરું હોય તેમ એસઈસી (સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ કમીશન)માં પણ ટેલીગ્રામ કોઈનનું લોન્ચિંગ અટકી પડ્યું હતું.
હવે એ નક્કી થઇ ગયું છે કે ક્રીપ્ટોકરન્સી માટે લોકમાનસ ખરડાઈ ગયું છે. દરમિયાન જાગતિક સેન્ટ્રલ બેંકો અને સરકારો પણ આર્થિક કટોકટીનો સામનો કરવા બિત્કોઇનને બદલે સોનું ખરીદવાનો આગ્રહ રાખતી થઇ છે. ચીન અને રશિયન સેન્ટ્રલ બેંકો બિત્કોઇન નથી ખરીદતી, તેઓ સોનું ખરીદવાનો આગ્રહ રાખે છે. એનાલીસ્ટો કહે છે કે ડીજીટલ કરન્સી કોઈ રીતે સોનાની સ્પર્ધક નથી. પણ અર્થતંત્રોમાં કટોકટી સર્જાય ત્યારે કરન્સીના ઘટતા મુલ્યનાં જોખમ સામે સબળ સલામતી સોનુ જ પૂરી પાડી શકે છે. દરમિયાન તેઓ સોનાને દેવનું દીધેલું (ભગવાનનુ ફરજંદ) ગણે છે. આને લીધે જ ક્રીપ્ટોકરન્સીની સોસિયલ મીડિયા પર તરફેણ કરવાવાળા હવે તેના પર ગુસ્સે ભરાયા છે.
ઝુકરબર્ગની દલીલ એવી છે કે આપણને બ્લોકચેઈન સ્વરૂપે ટેકનોલોજીની ભેટ મળી છે, તેને હવે છોડી દઈ શકાય નહિ. તેઓ કહે છે કે જ્યારે આપણે આ વિષયે દલીલો કરી રહ્યા છીએ ત્યારે, આખું જગત ખોટું છે, એવું કેમ કહેવાય. આગામી મહિનાઓમાં ચીન આવાજ ડીજીટલ કરન્સી આઈડીયા સાથે બજારમાં ઉતરનાર છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૫-૧૦-૨૦૧૯