કેનાલના બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ
સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ
એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણવત્તા સામે સવાલો સર્જાયા છે.
વિધાનસભામાં સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર,બનાસકાંઠામાં સૌથી વધુ કેનાલો તૂટી છે. પાંચ વર્ષમાં માત્ર બનાસકાંઠામાં જ ૧૪૩ વાર કેનાલોમાં ગાબડાં પડયા હતાં જેના કારણે હજારો લિટર પાણી ય વેડફાયુ હતું . પાટણ જિલ્લામાં ય ૨૭ વાર કેનાલો તૂટતા સમારકામ કરવુ પડયુ હતું . અમદાવાદ જિલ્લામાં ૧૩ વખત અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ વાર કેનાલો તૂટવાની ફરિયાદો મળી હતી.
જોકે, નર્મદા કેનાલો તૂટવા માટે સરકારે એવા કારણો આપ્યાં છેકે, ઉંદર-નોળિયાના દર લિકેજ થવાથીય કેનાલો તૂટે છે. આ ઉપરાંત નહેરોમાં પાણી ઉભરાતાં, સાયફનમાં કચરો અથવા મૃત પ્રાણી ફસાઇ જવાથીય કેનાલોમાં ભંગાણ થાય છે. સરકારે એવો ય દાવો કર્યો છેકે, નબળા બાંધકામને લીધે કેનાલોમાં ભંગાણ થતા કોન્ટ્રાકટરો પાસે જ સમારકામ કરવામા આવે છે. જોકે, કેનાલો તૂટતા બાંધકામની ગુણવત્તા કેવી છે તેવો અંદાજ આવી શકે તેમ છે
ગુજરાતી
English




