10 APRIL 2013 – કરણ રાજપુત
૪૦૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતે દવા છંટકાવ માટે મજૂરોની તાણની સમસ્યાથી કંટાળીને છેવટે જાત મહેનતથી અનોખો પંપ તૈયાર કર્યો
ખેતીમાં આજે મજૂરો ન મળવાથી મજૂરી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. પૈસા ખર્ચવા છતાં પણ મજૂરો ન મળતા હોવાની ખેડૂતો બૂમરાણો પાડતા હોય છે. વધુ જમીન હોય તો મજૂરોના અભાવે સૌથી મોટું કપરું કામ હોય તો પિયત અને દવાના છંટકાવનું છે. જામકંડોરણા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે દવા છંટકાવ માટે મજૂરોના કંકાસથી થાકીને આખરે એક દવા છંટકાવ માટે અનોખો પંપ બનાવ્યો છે. ૧૫થી ૨૦ હજારના ખર્ચ સામે ખેડૂત હાલમાં પોતાની ૪૦૦ વીઘા જમીનમાં નિયમિત દવાનો છંટકાવ કરી રહ્યો છે. હાલમાં ખેડૂતો બેટરી સંચાલિત પંપનો ઉપયોગ કરી રહ્યા છે જેની બેટરી વધુમાં વધુ એકથી દોઢ વર્ષ ચાલતી હોય છે. ચરેલ ગામના આ ખેડૂતે બનાવેલા દવા છંટકાવના પંપમાં ટ્રેક્ટરની બેટરી જોડાયેલી હોવાથી લાંબા સમય સુધી ચાલી શકે છે અને ખેડૂતો એક જ દિવસમાં દવાનો સારો એવો છંટકાવ કરી શકે છે.
નવું સંશોધન કરનાર ચરેલના પ્રગતિશીલ ખેડૂત રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની પાસે ૪૦૦ વીઘા જમીન છે. તેઓ જેમાં મગફળી, કપાસ, જીરું, વરિયાળી અને ચણા જેવા પાકોનું વાવેતર કરે છે.
પાકમાં રોગ આવે ત્યારે સૌથી મોટી સમસ્યા દવાના છંટકાવની સર્જાતી હતી. મોટી જમીન હોવાથી વધારે મજૂરોની જરૃરિયાત વચ્ચે એક દિવસની દવા છંટકાવની રૃપિયા ૩૦૦ મજૂરી આપવા છતાં પણ મજૂરો ન મળતા હોવાથી કેટલીક વાર સમયસર દવાનો છંટકાવ ન કરતા ખેતીમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આખરે તેમણે જાતે જ આ સમસ્યા નાથવાનો નિર્ણય લઇ દવા છંટકાવનો આધુનિક પંપ બનાવવાનો પ્રયોગ શરૃ કર્યો હતો. જેમાં તેમની પાસે ટ્રેક્ટરની બેટરી, બળદ, લોખંડની પાઇપ વગેરે ઉપલબ્ધ હોવાથી આખરે તેમને તેમની સૂઝબૂઝ પ્રમાણે પંપ બનાવવાની શરૃઆત કરી હતી. જેમાં રૃપિયા ૧૦થી ૧૫ હજાર જેટલો ખર્ચ આવ્યો હતો, પરંતુ ૪૦૦ વીઘા જમીનમાં દવા છંટકાવ સામે તેમના માટે આ ખર્ચ પાશેરામાં પૂણી સમાન હતો. આજે તેઓ આ પંપથી પોતાની જમીનમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. પંપ બનાવવા માટે તેમણે ૪૫ લિટરના ત્રણ કેરબાનો ઉપયોગ કર્યો છે. બેટરી સાથે સ્વયંસંચાલિત મોટર જોડીને ખેતરમાં આરામથી એક જ માણસ બળદો થકી દવાનો છંટકાવ કરી શકે છે. આ અંગે રવિરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો આ પ્રકારનો પંપ બનાવી ભાડે પણ ફેરવી શકે છે. દવા છંટકાવ કરનાર મજૂર રૃપિયા ૩૦૦ દરરોજ માટે લેતા હોય છે. સામે આ પંપથી સમય સાચવવાની સાથે દવાનો પણ યોગ્ય છંટકાવ થાય છે. કેરબામાં ૯ પંપની દવા એક સાથે જ બનતી હોવાથી એક જ માત્રાની દવાનો છંટકાવ ખેતરમાં થાય છે. આમ ખેડૂત માટે આ પંપ લાભકારી સાબિત થયો છે. રાજ્યમાં દિવસેને દિવસે ખેતઓજારોનું બજાર વિકસી રહ્યું છે, અવનવા ખેતઓજારો બજારમાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોએ જાતે સૂઝબૂઝથી તૈયાર કરેલા ખેતઓજારો ખેડૂતોની ખેતી પ્રત્યેનો લગાવ અને સંશોધનાત્મક પ્રવૃતિને દર્શાંવે છે. રાજ્યમાં ખેતઓજારોમાં સૌથી વધુ વેચાણ ટ્રેક્ટરોનું થાય છે. ત્યારબાદ રોટાવેટર, થ્રેસર જેવા સાધનોનો સમાવેશ થાય છે. સંપર્ક ઃ ૯૮૨૫૦ ૪૮૨૦૨
ગુજરાતી
English



