પાકવીમાની રકમનાં ચૂકવણા નહિ થતાં 56 ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી

ગુજરાતનાં ખેડૂતોની માઠી દશા ચાલી રહી છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે જગતનો તાત સંતાપ સાથે આપઘાતનું પગલું ભરે છે, તો બીજી બાજુ પાક વીમાની રકમ આપવામાં વીમા કંપનીઓ અને બેન્કો તેમ જ રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેને જોતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં છ ગામોનાં 56 ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં વહિવટી તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જેતપુર તાલુકાનાં 123 ખેડૂતોને મગફળીનાં પાક માટે કાયદેસરનાં પાકવીમાની રકમ ચૂકવવાની થાય છે. આ ચૂકવણા માટે અવારનવાર બેન્ક તેમ જ સ્થાનિક વહિવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિંભર તંત્ર આ મામલે કોઈ નિવેડો લાવી શક્યું નથી, ત્યારે જેતપુર તાલુકાનાં છ ગામોનાં 56 ખેડૂતોએ એકસાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આરોપ છે કે, 2016-17માં રૂપિયા 1.5 કરોડ જેટલી વીમાની રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં સ્થાનિક બેન્ક દ્વારા ચૂકવવામાં આવતી નથી. અવારનવાર ખેડૂતોએ બેન્ક તેમ જ સ્થાનિક વહિવટી તંત્રને રજૂઆતો કરવા છતાં પણ આ રકમ ચૂકવવામાં આવતી નથી. ત્યારે હતપ્રભ બનેલાં ખેડૂતો આત્મવિલોપન કરવા સુધીનું પગલું ભરવા તૈયાર થયા છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોનાં પાકવીમાની રકમ મામલે શુક્રવારે એક ખેડૂતે આત્મવિલોપનની આપેલી ચીમકીને લઈને પોલીસે કરેલી અટકાયત બાદ ખેડૂતોએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
અત્રે આપને યાદ કરાવી દઈએ કે, ખેડૂતોનાં પાક વીમાનાં મુદ્દે અગાઉ પણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પણ જેતપુર ખાતેની એક બેન્ક પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું, તો કોંગ્રેસનાં એક ધારાસભ્ય દ્વારા પણ આ મુદ્દે જ બેન્કને તાળાબંધી સુધીનાં કાર્યક્રમો આપવામાં આવ્યાં હતાં.
પાકવીમાની રકમ મામલે આગામી દિવસોમાં બેન્કો દ્વારા ચૂકવણું કરવામાં આવે છે કે નહિ તે તો આવનારો સમય જ કહેશે.