પાકિસ્તાનીઓએ ભારતની પકડેલી બોટો ખરીદી, ગુજરાત પર ખતરો

પાકિસ્તાનની જેલમાં ભારતના ૪૫૦ માછીમારો સબડે છે. તેમને છોડાવવા કોઈ ગતિવિધિ ન થતા માછીમારોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

વળી પાકિસ્તાને કબજે કરી ૧૦૬૦ ભારતીય બોટો પૈકી અમુક બોટો પાકિસ્તાને કોડીની કિંમતે હરાજી કરી નાખતા તે બોટો ઉપર ભારતીય કલર તથા ઝંડા યથાવત રખાતા તે બટ થકી પાકિસ્તાની માછીમારો આસાનીથી દેશમાં પ્રવેશી શકે તેમ હોઈ દેશની સુરક્ષા ઉપર મોટો ખતરો સર્જાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના બંદર ફીશરીઝ વિભાગ તરફથી જાણવા મળેલ છે કે જળ સીમાનો ભંગ કરનાર ૪૫૦ ભારતીય માછીમારો ૬ માસથી બે વર્ષની સજા ભોગવી રહેલ છે. અને વર્ષોથી ૧૦૬૦ બોટો પાકિસ્તાનના કબજામાં છે. એક બોટની કિંમત ૪૦ લાખથી ૬૦ લાખની હોય છે.

તેમાંથી અમુક બોટોની પાકિસ્તાને હરાજી કરી ફક્ત રૂા. ૫ લાખમાં વેચેલ છે. ગંભીરતા એ વાતની છે કે ભારતીય બોટનો કલર અને ઝંડાઓ યથાવત રખાયેલ છે અને પાકિસ્તાનના ખલાસીઓ આ બોટો લઈને ખુલ્લેઆમ ભારતીય જળ સીમામાં પ્રવેશી શકે છે. જેથી સુરક્ષાને મોટો ભય રહે છે.

પાકિસ્તાનમાં નવા પી.એમ. આવ્યા બાદ ભારત સાથે કોઇપણ મંત્રણા, વાતચીત થતી નથી. ૪૫૦ માછીમારો જેલમાં છે. તેમાંથી અમુક ગંભીર બિમારી પીડાય છે. તેમને સારવાર મળતી નથી. દવાઆપતા નથી. તેમજ તાજેતરમાં આમાંથી બે માછીમારો મૃત્ય પામેલ છે. તેમના ઘરે પત્ર પણ આવી ગયેલ છે. પણ કેન્દ્ર – રાજ્ય સરકાર આ માછીમારોના નામો પણ જાહેર કરી શકતી નથી.

કરાચીની લાડી, મલી જેલમાં તમામ માછીમારો છે. તેમજ હજુ પણ જળસીમાના ભંગના નામે પાકિસ્તાન ભારતના માછીમારોને જેલ ભેગા કરે છે. અને બોટો લઈ જાય છે.બંને દેશો વચ્ચે જે વાર્તાલાપ થતો તે સદંતર બંધ થયેલ છે. ભારત સરકાર દ્વારા આનો કોઈ ઉકેલ લાવવામાં પણ સતર્કતા દાખવતા ન હોય જેથી માછીમાર પરીવારોમાં ભારે રોષ ફેલાયેલ છે. તાત્કાલિક કામગીરી કરવા માંગ ઉઠી છે.