પાકિસ્તાન ચોથુ હિંદુ મંદિર જાન્યુઆરીમાં ખુલ્લું મૂકશે

આ વર્ષે પાકિસ્તાને ભારતીય શ્રદ્ધાળુઓ માટે ત્રણ ધાર્મિક સ્થળ ખુલ્લા મૂક્યા છે. ત્યાર પછી હવે પાકિસ્તાન એક ઐતિહાસિક હિંદુ મંદિરના દ્વાર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. પેશાવરમાં આવેલું પંજ તીરથ મંદિર આવતા મહિને ખોલવામાં આવશે.

વિભાજન પછી આ મંદિરોના પટ બંધ કરી દેવાયા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી આ જગ્યાને નેશનલ હેરિટેજ જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ એટલે કે પાંચ તીર્થ તરીકે જાણીતા આ તીર્થસ્થળને ત્યાં આવેલા પાંચ તળાવને કારણે પ્રસિદ્ધિ મળી હતી.

પાંચ તળાવ ઉપરાંત મંદિરમાં ખજૂરના વૃક્ષો ધરાવતો એક બગીચો છે. આ ઐતિહાસિક સ્થળના પાંચ તળાવ ચચ્ચા યુનુસ પાર્ક અને ખૈબર પખ્તુનખ્વા ચેંબર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સીમામાં આવી ગયા છે. એવું મનાય છે કે આ જગ્યાનો સંબંધ મહાભારત કાળના પાંડુ સાથે હતો.

હિંદુઓ કાર્તક મહિનામાં આ તળાવમાં સ્નાન કરવા આવતા હતા અને વૃક્ષો નીચે પૂજા અર્ચના કરતા હતા પાકિસ્તાનના ઈવાક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ચેરમેન આમિર અહેમદે કહ્યું કે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા થોડા વર્ષમાં પાકિસ્તાન સરકાર દ્વારા ખોલવામાં આવેલું આ બીજુ હિંદુ મંદિર હશે. ઓક્ટોબરમાં લગભગ 1000 વર્ષ જૂનું શિવાલા તેજા સિંહ મંદિર હિંદુઓએ ખોલ્યું હતું. કરતારપુર કોરિડોર પહેલા પાકિસ્તાને જેલમમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રોહતાસ કિલા પાસે આવેલા ગુરુદ્વારા ચોઆ સાહેબના દ્વાર પણ ખોલ્યા છે.

જુલાઈ મહિનામાં પાકિસ્તાને બીજું ઐતિહાસિક ગુરુદ્વારા ગુજરાંવાલા સ્થિતિ ગુરુદ્વારા ખારા સાહિબ પણ ખોલ્યું હતું જેને વિભાજન પછી બંધ કરી દેવામાં આવ્યું હતું.