પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરને મદદ કરનારી મહિલાઓનું 47 વર્ષે સન્માન

લગભગ 70થી 80 વર્ષ આસપાસના ઉમરની મહિલાઓ, તિરંગા કપડામાં આ ઉંમરે પણ રાષ્‍ટ્રભાવના સાથે તેમનાં ચહેરા પર ખુમારી સાથે ઉંડી ઉતરી ગયેલી આંખોમાં અનેરી ચમક જોવા મળે છે. ભુજ ખાતે સન્‍માનિત લગભગ 40 મહિલાઓ પૈકી 88 વર્ષના ધનબાઇ ભિમજી જણાવે છે કે, એ સમયે હું ગર્ભવતી હતી. ત્રીજો મહિનો ચાલતો હતો પરંતુ દેશપ્રેમ માટે કઇપણ કરી છૂટવા તૈયાર હતી. 1971નું પાકિસ્‍તાન સાથેનું યુધ્‍ધ અને કચ્‍છ સરહદે દુશ્‍મન દેશના હાજા ગગડાવી નાખતા વિમાનોનું સતત બોમ્‍બાડીગ થતું હતું. એક રાત્રે તો 18 જેટલા બોંબ સતત પડ્યા હતા. જેનાથી રન વે તૂટી ફૂટી ગયો હતો. ભારતના લશ્કરી વિમાનો કચ્છના ભૂજમાં ઉતરી શકે તેમ ન હતા કે ઉડી શકે તેમ ન હતા. મોટા ભાગની મહિલાઓ અને યુવતિઓ રન-વે પટ્ટી રિપેર કરવાં દિવસના મંડી પડતી હતી. સાંજ પડયે યુદ્ધના ભણકારા અને વળી રાતના પાછા ઘરે ચાલ્‍યાં જતાં રહેવું પડતું હતું. બધા આખી રાત જાગતા હતા. વિમાન આવે તો આસપાસના ખાડામાં સંતાઇ જતાં હતા. તેમ છતાં મહિલાઓએ દિવસ રાત જોયા વગર રન વે તેમણે રિપેર કરી આપ્યો. ભુજ એરપોર્ટની રન-વે પટ્ટીને માધાપરની 300 જેટલી મહિલાઓએ ખભે-ખભા મેળવી સાચે જ બહાદુરી અને વિરતાનું કામ કરી સમગ્ર દેશની મહિલાઓને ગૌરવ અપાવ્‍યું હતું. તેમનું સન્માન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા 27મી જૂલાઈ 2018ના રોજ કરાયું હતું. 47 વર્ષ આ યુદ્ધને થયા તેને આજે પણ એટલું જ યાદ છે. ગુજરાત સરકારે 47 વર્ષ પછી તેમનું ફરીથી સન્માન કર્યું હતું.