એકબાજુ રાજ્યનાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં. ખેડૂતોને દેવામાફી, પાકવિમા તેમ જ આ વર્ષે રાજ્યમાં થયેલાં અપૂરતાં વરસાદનાં પગલે આર્થિક ભીંસની સાથે સાથે સિંચાઈનાં પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાનાં વારાહીની સરકારપુરા ડિસ્ટ્રિક્ટની કેનાલમાં થોડાં દિવસ પહેલાં પડેલાં ગાબડાંનાં કારણે પાણીનો બગાડ થતો હતો અને ખેડૂતોને પાણી નહોતું મળતું આ મામલે અનેકવાર રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને રજૂઆત કરવા છતાં પણ ગાબડાં પૂરવાની કામગીરી હાથ ન ધરાતાં સ્થાનિક ગ્રામવાસીઓ અને ખેડૂતોએ જાત મહેનત ઝિંદાબાદનાં નારા સાથે કેનાલનાં ગાબડાં પૂરવાની કામગીરી હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં વારાહીની સરકારપુરા ડિસ્ટ્રી.ની કેનાલમાં ગતરોજ 15 ફૂટનું ગાબડું પડ્યું હતું. જેને પગલે હજારો લિટર પાણી આજુબાજુના ખતરોમાં ભરાઈ જતાં ખેડૂતોના જીરૂના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાને લાંબો સમય વીતવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કે પછી સમારકામ ન કરતાં વધુ નુકસાનથી બચવા તેમજ સમયસર પાણી મેળવવા માટે ખેડૂતોએ અપના હાથ જગન્નાથ સૂત્ર મુજબ જાત મહેનતે ગાબડું પુરવાની કામગીરી હાથ ધરી છે.
સ્થાનિક ખેડૂતોએ આરોપ મૂકતાં કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂત વિરોધી કામ કરી રહી છે અને ખેડૂતોને વધુને વધુ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જો આ મામલે કૂંભકર્ણની નિંદ્રામાં પોઢેલી રાજ્ય સરકાર સત્વરે નહિ જાગે તો આવનારા દિવસોમાં ખેડૂતો દ્વારા આક્રમકતાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્યમાં બની રહેલી ઘટનાઓને જોતાં એવું ચોક્કસ લાગે છે કે, રાજ્ય સરકાર જો સત્વરે ખેડૂતોનાં હિતમાં કોઈ નક્કર કાર્યવાહી નહિ કરે તો જગતના તાતને હળ અને ટ્રેક્ટર બાજુ પર મૂકીને સરકાર વિરોધી ઝંડા ઉઠાવતાં વાર નહિ લાગે.
ગુજરાતી
English



