રાજ્યમાં વર્ષો જૂની ભવાઈની પરંપરા લૂપ્ત થઈ રહી છે. પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારો એવાં છે કે જ્યાં આ પરંપરાને જીવંત રાખવાનાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. હાલમાં રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રિ પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભવાઈનાં રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.
નવરાત્રિ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. શક્તિરૂપી જગદંબાની ઉપાસના અને ભક્તિમાં ભક્તો લીન બન્યા છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રી પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરી નાના ભૂલકાંઓથી લઈ મોટેરાંઓ ભવાઈ રમી ૧૫૦ વર્ષ જૂની પરંપરા જાળવી રહ્યાં છે.
પાટણ શહેરમાં આવેલી સાગોટાની શેરીમાં વર્ષોથી દરજી પરિવારો વસવાટ કરે છે. અહીં રહેતા પરિવારોના વડવાઓએ આશરે ૧૫૦ વર્ષ પહેલાં નવરાત્રિમાં પાંચમ, છઠ્ઠ અને સાતમનાં રોજ ભવાઈ યોજી માતાજીનું કરવઠું કરી નવરાત્રિ પર્વમાં મા અંબાની આરાધના અને ઉપાસના કરે છે. જે પરંપરા આજે પણ અક્બંધ જોવા મળી રહી છે.
આ પરંપરા જાળવી રાખવા ત્રણ વર્ષનાં નાનાં બાળકથી લઈ વયોવૃદ્ધ પણ ગોરખ જોગણી, વણઝારો, રામાયણ સહિતનાં પાત્રો ભજવે છે. અને માતાજીના પર્વની ઉજવણી કરે છે. જેને જોવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટે છે અને ભક્તિમય માહોલ અને ઉલ્લાસ વચ્ચે માતાજીનું કરાવટુ સંપન્ન કરે છે. તો સાથે જ વેશભૂષા ધારણ કરનાર પરિવારનાં સભ્યો પણ પોતાને ધન્ય માની ઉમંગ સાથે પાત્રો ભજવે છે.