પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર થયાં આક્રમક

રાજ્યમાં એકબાજુ ખેડૂતોનાં દેવા માફીને લઈને પાટીદાર યુવાન નેતા અને PAASનાં કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં ઉતરેલો છે તો બીજી બાજુ પાટણ જિલ્લામાં પડેલાં અપૂરતાં વરસાદને લઈને કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાવવા માટે આંદોલનનાં માર્ગે ચાલ્યાં છે. આ બન્ને યુવાન નેતાઓ દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને પ્રાધાન્ય આપવામાં આવે એવી માંગણી કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકારનાં બહેરાં કાને આ વાત અથડાતી નથી.
આંતરે વર્ષે દુષ્કાળની ચપેટમાં આવતા પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પણ નહિવત વરસાદ પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે,જિલ્લાનાં સમી,રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં 125 મીમી થી પણ ઓછો વરસાદ નોંધાયો છે,છતાં પણ સરકારે આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કર્યો નથી,ત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે,ત્યારે કોંગ્રેસ દ્વારા રાધનપુર પ્રાંત કચેરી સમક્ષ ધરણાંનું આયોજન કરાયું છે,જેમાં સ્થાનિક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. અને સરહદી વિસ્તારને અછ્ત ગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી.
કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ધરણાંનાં સ્થળેથી જનમેદનીને સંબોધતાં રાજ્ય સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. આ એક સપ્તાહમાં રાધનપુર, સાંતલપુરને તાકીદે અછતગ્રસ્ત વિસ્તાર જાહેર નહિ કરે તો આ જિલ્લાનાં લોકો ટ્રેક્ટર, ગાડીઓ ઉપરાંત ઢોરઢાંખર અને બાળ બચ્ચાંઓ સાથે ગાંધીનગર કૂચ કરીને આવશે એવો હુંકાર પણ કર્યો હતો. સાથે સાથે અલ્પેશ ઠાકોરે ભાજપનાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સામે નિશાન સાધતાં કહ્યું કે, આ મંત્રીને સમગ્ર ઉત્તર ગુજરાતની જવાબદારી છે, તેમ છતાં તેઓ જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રીત કરતાં નથી. કેબિનેટ મંત્રી સભાઓ કરવા દોડી આવે છે, પણ તેઓને સ્થાનિક લોકોની થોડી પણ ચિંતા નથી. અને હવે જ્યારે પરિસ્થિતિ આટલી વણસી ગઈ છે ત્યારે કેબિનેટ મંત્રી અહીં આવી નહિ શકે અને સભા પણ નહિ કરી શકે. તેમણે દિલીપ ઠાકોરને આ વિસ્તારમાં સભા કરી બતાવવા પડકાર પણ ફેંક્યો હતો. અને એવું ઉમેર્યું હતું કે, જ્યાં સુધી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર નહિ કરવામાં આવે ત્યાં સુધી સભાઓ નહિ થવા દઈએ અને ઝભ્ભાં ફાટશે તો તેનાં માટે સ્થાનિક લોકો જવાબદાર નહિ હોય એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતાં રાજ્ય સરકારે 15 જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ અપૂરતાં વરસાદને લઈને આ જિલ્લાનાં સ્થાનિકો ઉપરાંત ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર ન કરવામાં આવતાં રાધનપુરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા આંદોલનનાં શ્રીગણેશ કરવામાં આવ્યાં છે.