પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ ખાતે નીકળેલી પાટીદાર સદભાવના યાત્રાને પાસ નેતા હાર્દિક પટેલ અને એસ.પી. જી. નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા.
અનામત, ખેડૂતોને દેવામાફી અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માંગ સાથે બનાસકાંઠાના પાટીદારોએ પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધીની પાટીદાર સદભાવના યોજી હતી. પાલનપુરથી બ્રાહ્મણવાડા સુધી ટ્રેકટર- કાર અને બાઇકના કાફલા સાથે આ યાત્રા જશે. ત્યાર બાદ પાટીદારો પદયાત્રા કરી ઉંઝા પહોંચશે. આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર નેતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. પાણી ના સંગ્રહ માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી. જોકે રાજ્યના ઘણા જિલ્લાઓને હજી પણ અછતગ્રસ્ત કરવાની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
પાટીદાર સદભાવના યાત્રામા આવેલા લાલજી પટેલે 2019ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજની માંગણીઓ ન સ્વીકારે તો ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા માટે સરકારને ચીમકી ઉચ્ચારી હતી. સરકાર દ્વારા થતા અન્યાય સામે આગામી સમયમાં પણ યાત્રા- રેલી સહિતના કાર્યક્રમો આપવાની જાહેરાત લાલજી પટેલે કરી હતી.
પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ ખાતેની પાટીદારોની સદભાવના યાત્રામાં હજારો પાટીદારો જોડાયા હતા. પાટીદારોની માંગણીઓને લઈ આ યાત્રા થકી પાટીદારો સરકારને જગાડવાનું કામ કરશે.