પાટીદારો પરના ખોટા ગુના પરત ખેંચવા સમિતિ બની

નરેશ પટેલ-હાર્દિક પટેલ વચ્ચે મંત્રણા, કથીરીયાની જેલમૂક્તિ માટે કમિટી બનશે, આંદોલન નરમ બન્યું છે, બંધ થયું નથી એવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનો સાથે ખોડલધામ ટ્રસ્ટના પ્રુમખ નરેશ પટેલ(ખોડલ) સાથે મીટીંગ કરી અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો અને અનામત આંદોલન બંધ થયું ન હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે રાજકોટ ખાતે પાસ કન્વીનર અને ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ સાથે આયોજિત બેઠક માં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ ખેંચવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખોડલધામ,ઉમિયાધામ અને પાસ સમિતિમાંથી બે-બે લોકોની કમિટી બનાવીને સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

હાર્દિકે જણાવ્યું કે બેઠકના અંતે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 10 ટકા અનામત બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય નહીં આપે અને તમામ આંદોલનકારી ઉપરથી કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી શાંતિપ્રિય રીતે આંદોલન ચાલુ રહેશે.અનામત આંદોલન નરમ પડ્યું છે, બંધ નથી થયું. આંદોલનના કારણે જ ગુજરાતમાં પાટીદાર સમાજ સહીત ગરીબ સમાજને 1000 કરોડ રૂપિયાની સ્વાવલંબન યોજના,બિન અનામત આયોગ અને 10 ટકા અનામતનો લાભ મળ્યો છે.

પાટીદાર અનામત આંદોલનની શરૂઆત 6 જુલાઇ 2015થી થઈ હતી. 25 ઓગસ્ટ 2015નારોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં 18 લાખ પાટીદારો એકઠા થયા હતા. બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ સવર્ણ જાતિના લોકો માટે 10 ટકા અનામત આપી દેવામાં આવી હતી.

હાર્દિક પટેલે કહ્યું છે કે, હવે પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, એક સમયે અનામત આંદોલન હતું હવે મને તેનું કોઇ અસ્તિત્વ દેખાતું નથી. લાલજી પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલના નિવેદન સામે લાલજી પટેલે કહ્યું કે, SPG દ્રારા અનામત આંદોલન ચાલુ જ રહેશે, સરકાર અમારી માંગ માનશે તો આંદોલન પૂર્ણ થશે.

અનામત આંદોલન મામલે ગીતા પટેલે કહ્યું કે, અનામત આંદોલન હજુ ચાલુ છે. સમાજની સાથે આજે પણ અમે ઉભા જ છે. તો ત્યાં જ દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અલ્પેશશ કથિરીયાની મુક્તિ બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.