ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન ના પુસ્તક માં નવ રચિત જિલ્લાઓ ના નકશા નહિ દર્શાવવાના મામલે રાજ્ય ના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગ ના અધિકારીઓ નો ખુલાસો માંગ્યો છે.
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપવામાં આવતી ટેક્સ બુક માં ક્ષતિઓ અને છબરડાઓ રહેવાના બનાવો છાશવારે બનતા હોય છે. તાજેતરમાં ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અપાયેલા નકશાઓમાં સરકાર દ્વારા નવ રચિત જિલ્લાઓને સ્થાન નહીં મળતા આ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે. પરિણામે સમગ્ર મામલો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે પહોંચતા તેમણે આ ક્ષતિને ગંભીર ગણી જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. ધોરણ 6 ના આ પુસ્તકમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા ,ગીર સોમનાથ, બોટાદ ,મહીસાગર, તાપી, અરવલ્લી ,અને છોટાઉદેપુર જીલ્લાઓનો નકશાની અંદર સમાવેશ કરવામાં આવ્યોજ નથી. એટલું જ નહીં તેનો ઉલ્લેખ કરવાનું પણ ટાળી દેવામાં આવ્યું છે. પરિણામે શિક્ષણપ્રધાને છબરડાઓ અંગે જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગતા શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયાના અહેવાલ છે.
તો બીજી તરફ જી.સી.ઈ.આર.ટી ડાયરેક્ટર ટી.એચ.જોષી દ્વારા પુસ્તકમાં થયેલા છબરડા નો બચાવ કરતા તેમણે મીડિયા સમક્ષ એવી દલીલ કરી હતી કે આ પુસ્તકની અંદર ગુજરાત ની આબોહવા અને કુદરતી સંસાધનો નો પાઠ બાળકોને ભણાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ પુસ્તક વર્ષ 2012માં છપાઈ ચુક્યું હતું. અને ત્યારબાદ એક વર્ષ એટલે કે 2013માં રાજ્ય સરકારે નવા જિલ્લાઓની રચના કરી હતી એટલે સ્વાભાવિક છે કે તેનો ઉલ્લેખ આ પાઠ્યપુસ્તકમાં હોય જ નહીં. પરંતુ નવા વર્ષમાં ધોરણ 6 નું પાઠ્યપુસ્તક બદલાઈ રહ્યું છે .ત્યારે તે સમયે નવ રચિત જિલ્લાઓની માહિતી નવા સ્વરૂપે આ પુસ્તકમાં જોવા મળશે તેવો લૂલો બચાવ કર્યો હતો. નકશા નો ઉલ્લેખ કરવાનું કેમ ટાળ્યું ?એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરતા વિભાગનો બચાવ કરતા જણાવ્યું હતું. કે નકશા બનાવવાનું કામ સરકારની નક્કી કરેલી ઓથોરિટી દ્વારા જ બનાવવામાં આવે છે.અને માન્યતા મળેલા નકશાઓ નેજ પુસ્તકમાં સ્થાન આપવામાં આવે છે. એટલે હાલના પુસ્તકમાં નવા અને જૂના જિલ્લાઓ વચ્ચે કોઈ ખાસ મોટો તફાવત રહેતો નથી. તેવો કાઉન્ટર જવાબ આપીને વિભાગ દ્વારા થયેલી ભૂલો બચાવવા પ્રયત્ન કર્યો હતો.