પાણી-પત્રક ન બનતાં ખેડૂતો મગફળી વેચી શકતાં નથી

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન નોંધણી કરાવી રહયાં છે. પાણી પત્રકથી ખેડૂતો વંચીત રહેતા મગફળીની ઓનલાઈન નોંધણી ખેડૂતોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

ખેડૂતોને મામલતદાર કચેરીમાં પાણી પત્રક આપવામાં આવતા નથી, તેમજ રેવન્‍યુ તલાટી દ્વારા 15-9થી 30-9 સુધીમાં રજૂ કરવાના હોય છે, જે ઘણાં તાલુકામાં થયા નથી. સરકાર દ્વારા તલાટી મંત્રીને સુચના આપી ખેડૂતોને પાણી પત્રક આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો તરફથી કરવામાં આવી છે. તો ખેડૂતને પોતાની મગફળી વેચવામાં મુશ્‍કેલી નહીં પડે.

ખેડૂતોને પાણી પત્રક ગ્રામ પંચાયતના મંત્રીઓએ આપવાના હોય છે. તાલુકાના દરેક ગ્રામ પંચાયતના મંત્રીઓને પાણી પત્રક આપવામાં આવ્‍યા હતા પણ પોતાના મંડળના આદેશ અનુસાર તમામ મંત્રીઓ પાણી પત્રકની કામગીરીથી અળગા રહી પાણી પત્રક મામલતદાર કચેરીમાં જમા કરાવી ગયા છે. તેથી આ સમસ્યા ઊભી થઈ છે. તલાટીઓ હડતાલ પર ગયા હતા ત્યારે કામ ન કરવા માટે આવું તેમણે કર્યું હતું.  ગ્રામ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો જીઆર છે કે, ગ્રામ પંચાયતના મંત્રીઓ દ્વારા પાણી પત્રકની કામગીરી કરવાની છે. છતાં રેવન્‍યું તલાટીઓ આડોડાઈ કરી રહ્યાં છે.

તલાટીઓના કારણે ખેડુતો પાણી પત્રકના અભાવે પોતાની મગફળીનું રજિસ્‍ટ્રેશન કરી શકતા નથી. ગ્રામ પંચાયતના મંત્રીઓ અને રેવન્‍યુ તલાટીની લડાઈમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે.