હિંમતનગરમાં ચૌદ માસની બાળકી પર દુષ્કર્મના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુરમાં આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિયોને નિશાન બનાવતા પાણીપુરીની લારીઓ પર તોડફોડ કરતા ચકચાર મચી ગઈ હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 14 માસની દીકરી પર હેવાનિયત ગુજારનાર પરપ્રાંતિય અપરાધીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે હવે પરપ્રાંતીય ઈસમો નિશાન બની રહ્યા છે. ત્યારે પાલનપુરમાં પણ કેટલાક અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિયોની પાણીપુરીની લારીઓને ઉંધી વાળી હતી.
ઘટનાની વિગત એવી છે કે હિંમતનગર નજીક ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલા પરપ્રાંતિય યુવાન સામે સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે રાજ્યનાં અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતિયો ઉપર લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. આ રોષનાં ભાગરૂપે આજે પાલનપુરમાં પાણીપુરીની લારી ચલાવી પેટિયું રળતાં પરપ્રાંતિયોને સ્થાનિક શખ્સોએ નિશાન બનાવ્યા હતા. અને તેમની લારીઓ પર ભારે તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું હતું. જોકે પોલીસે ત્વરિત પગલાંભરી પરિસ્થિતિ વણસે એ પહેલાં કાબૂ મેળવી લીધો હતો.
અત્રે નોંધનીય છે કે ઢૂંઢર ગામે બનેલી ઘટના બાબતે રાજ્ય સરકારે પણ ગંભીરતા દાખવી છે અને બુધવારે મળેલી કેબિનેટમાં આવું દુષ્કર્મ કરનારને ફાંસીની સજા થાય એ માટે કાયદો બનાવવાની વિચારણા શરૂ કરી છે. પરંતુ પાલનપુર ઉપરાંત અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પરપ્રાંતિયો પરનાં હુમલા કરાઈ રહ્યાં છે ત્યારે આગામી સમયમાં પરપ્રાંતિયો સામે તવાઈ આવે તો નવાઇ નહીં