ઘણા લાંબા સમયની માંગણી બાદ પાલીતાણા—જેસર રોડની કામગીરી શરૂ થતા લોકોમાં આનંદ ફેલાયો હતો, પરંતુ લોકોનો આ આનંદ ચાર દિન કી ચાંદનીની માફક જ રહ્યો. હજુ આ રોડ એક તરફથી બની અને આગળ વધી રહ્યો છે તો પાછળથી આ રોડ તુટવા લાગતા અને કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેમ જણાતા આ વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોડના કામમાં કામ કરતા કોન્ટ્રકટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આ વિસ્તારના ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા તાકીદે આ કામની ગેરરીતી રોકી સારૂં કામ થાય તેવી માંગ ઉઠી છે.
પાલીતાણા અને જેસર તાલુકા ના ગામડાઓને જોડતો રોડ બનાવવવા માટે વર્ષો જૂની માંગ હતી. આ રોડ પર જૈનોનું પ્રસિદ્ધ યાત્રાધામ કદંબગીરી તીર્થ, પ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું સ્થાનક અયાવેજ ખોડિયાર આવેલાં છે. આ ઉપરાંત આ વિસ્તારના ગામોને જોડતો આ એકમાત્ર રોડ હોઈ વર્ષોની માંગને લઈને સરકાર દ્વારા આ રોડને પહોળો કરી અને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા અહીંના સ્થાનિકોમાં આનંદ ની લાગણી છવાઈ હતી. પાલીતાણા ડેમ નજીકની જેસર ચોકડીથી જેસર સુધી આ રોડનું કામ શરૂ થયું છે. આ રોડ પર આવતા વિવિધ નાળાઓ પહોળા કરીને રોડને પહોળો કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રકટર કંપની ઓમ કન્ટ્રકશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
પરંતુ હજુ ડેમ જેસર ચોકડીથી વડાલ ગામ સુધી થોડા કિલોમીટર ડામર રોડ બન્યો છે, ત્યાં જ આ રોડમાં ગણતરીના દિવસોમાં જ મોટામોટા ગાબડાંઓ પડી ગયા છે. રોડમાં જ્યાં ડામર પાથરી દેવામાં આવ્યો છે ત્યાં સો-દોઢસો ફૂટના વિસ્તારમાં રોડ તૂટી ગયેલો નજરે ચડે છે. એકતરફ રોડનું કામ આગળ ધપી રહ્યું છે તો બીજી બાજુ પાછળ પાછળ રોડ તૂટી રહ્યો છે, ત્યારે આ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો અહીંના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.
હાલ આ રોડ પર ડામર પાથર્યા બાદ માત્ર રેતીના ઢગલા કરવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે માત્રામાં ડામર વાપરવાનો હોય તે ના વાપરવામાં આવતા રોડ ખોખલો થઇ જતા તૂટી રહ્યો છે. રોડમાં બનાવવામાં આવેલા નાળાઓમાં પણ લોટ-પાણીને લાકડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વર્ષોની માંગને અંતે જ્યારે રોડ બની રહ્યો છે તો તાકીદે અધિકારીઓ દ્વારા રોડના કામમાં તપાસ કરીને રોડના કામમાં થઇ રહેલ ગેરરીતિ અટકાવવામાં આવે અને સારી ગુણવતા નો રોડ બને તેવી અહીંના સ્થાનિકોની માંગ ઉઠી છે.
જો કે આ રોડના કામમાં થઇ રહેલાં ભ્રષ્ટાચાર બાબતે ના તો રોડના કોન્ટ્રાક્ટરો મીડિયા સામે આવી ને કશું કહેવા માંગતા નથી કે પછી અધિકરીઓ કશું કહેવા માંગતા નથી ત્યારે આમ જનતાના કરોડો રૂપિયા આમ જ ભ્રષ્ટાચારમાં જતા રહેશે અને આવા કામો થશે તો આ રોડ કેટલો સમય ટકશે તે જોવાનું રહ્યું.