પિતાના મોતથી હચમચી ઉઠેલા પુત્રએ 17 લાખ રક્તદાતા ઊભા કર્યા

ડીસા તાલુકાના ભીલડી ગામના વતની અને હાલ ડીસા ખાતે વિરેનપાર્ક સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર નાનાલાલ દવે નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા 6 રાજ્યોમાં 17 લાખ રક્તદાતાઓની ફૌજ ઉભી કરી દીધી છે. કોઈની જિંદગી બચાવવા માટે 6 રાજ્યોમાં પળવારમાં જ રક્ત મળી શકે છે.

ભુપેન્દ્ર દવેના પિતા નાનાલાલ દવે એસ.ટી.નિગમમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. તેમને હૃદયની બિમારી હતી અને લોહીની વારંવાર જરૂર પડતી હતી. ડીસેમ્બર 1996માં લોહીના અભાવે મોત નિપજ્યું હતું. પિતાના મોત બાદ લોહીના અભાવે કોઈની જિંદગી ના ઝુંટવાય તે હેતુથી રક્તદાતાઓ તૈયાર કરવા માટેનું કામ શરૂ કરી દીધું હતું.

વારસાઈના પગલે એસ.ટી.માં પાલનપુર ખાતે નોકરી કરતાં ભુપેન્દ્ર દવેએ મિત્રવર્તુળમાં રક્તદાતાઓ તૈયાર કર્યા બાદ સોશિયલ મીડિયાનું આગમન થતા તેમણે ફેસબુક, વોટ્‌સએપ અને ટિ્‌વટર જેવી સોશિયલ સાઈટો પર આ રચનાત્મક અભિયાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરતાં હાલની સ્થિતિએ ભુપેન્દ્ર દવેએ માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યોમાં 17 લાખથી વધુ રક્તદાતાઓની ટીમ તૈયાર કરી દીધી છે. આ તમામ છ રાજ્યોના રક્તદાતાઓના સંપર્ક નંબર સહિતની વિગતો તેમાં મળી રહે છે.

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 15થી 20 લોકોની લોહીની માંગ તેમની પાસે આવે છે. જરૂરિયાત મુજબ લોહીનો જથ્થો દર્દીઓ સુધી પહોંચતો કરાય છે. એસ.ટી.નિગમે તેમનું સન્માન કર્યું છે.