પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 40 CRPFના જવાનો શહીદ થયા હતા. જેને લઇને દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને દેશના લોકો સર્જીકલ સ્ટ્રાઈકની માગણી સરકાર સામે કરી રહ્યા હતા, તેવામાં ભારતની વાયુસેના દ્વારા 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતની એરસ્ટ્રાઈકને લઇને કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા એરસ્ટ્રાઈકના પુરવાઓ માંગવામાં આવી રહ્યા છે. આ આગાઉ પણ ભારતની સેના દ્વારા પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, ત્યારે પણ કોંગ્રેસના નેતાઓએ પુરાવાઓ માંગ્યા હતા, ત્યારે આ વાતને લઇને ગુજરાતના વનમંત્રી ગણપત વસાવાએ એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું છે.
એર સ્ટ્રાઈકના પુરાવા અંગે નિવેદન આપતા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસવાળા પાકિસ્તાનની ભાષા બોલીને એમ કહેતા હતા કે, અમને પુરાવા આપો. બીજીવાર આવું બન્યું છે કે, આપણા જવાનોનો બદલો લેવા માટે 12-12 ફાઈટર પ્લેન મોકલીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો ત્યારે પણ કોંગ્રેસની ભાષા પાકિસ્તાન જેવી જ છે અને તેઓ કહી રહ્યા છે કે, અમને પુરાવાઓ આપો. ત્યારે અમારા એક મંત્રીએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે કે, હવે જ્યારે જ્યારે પાકિસ્તાન ઉપર કોઈ પગલા ભરવાના હોય ત્યારે-ત્યારે કોંગ્રેસના એક નેતાને પ્લેનની સાથે બાંધીને જ મોકલવાના.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલાને અને ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા પર કરેલી એર સ્ટ્રાઈકને ચૂંટણી લક્ષી મુદ્દો બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ભાજપ કે, કોંગ્રેસના કોઈ પણ નેતા તેમના ભાષણમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરીને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે.