પુરુષોની હોકી વર્લ્ડ કપ-૨૦૨૩નું યજમાનપદ ઓરિસ્સા સંભાળશે

ભુવનેશ્વર,તા.૨૮

૨૦૧૮માં પુરુષોની હોકી વર્લ્ડ કપ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ ભારતને ૨૦૨૩ની વર્લ્ડ કપ સ્પર્ધાનું પણ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. ૨૦૧૮ની માફક ૨૦૨૩માં પણ આ સ્પર્ધાનું યજમાન ઓડિશા રાજ્ય રહેશે. ૨૦૨૩ની સ્પર્ધાની મેચો ભૂવનેશ્વર ઉપરાંત રાઉરકેલા શહેરમાં યોજવામાં આવશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે સાંજે અહીં કલિંગા સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.

૨૦૨૩ની મેન્સ હોકી વર્લ્ડ કપનું યજમાન પદ ફરી ઓડિશાને આપવાનો નિર્ણય ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા લેવામાં આવ્યો છે. પટનાયકે કહ્યું  કે ૨૦૨૩ની સ્પર્ધાની મેચો ભૂવનેશ્વર ઉપરાંત રાઉરકેલા શહેરમાં યોજવામાં આવે છે. કલિંગા સ્ટેડિયમના કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન અને ઇન્ડિયન  ઓલિમ્પિક એસોસિએશન સંસ્થાઓના પ્રમુખ નરિન્દર બત્રા, હોકી ઇન્ડીયાના પ્રમુખ મોહમ્મદ મુશ્તાક એહમદ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત  રહ્યા હતા.

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને આ મહિનાના આરંભમાં જ જાહેર કર્યું હતું કે ૨૦૨૩ની વર્લ્ડ કપ સ્પર્ધાનું આયોજન કરવા નો અધિકાર ભારતે મેળવ્યો છે. આ રેસમાં ભારત સાથે બેલ્જીયમ  અને મલેશિયા પણ હતા.