પૂરમાં તૂટેલાં 219 ઘર મિત્તલ પટેલના પ્રયાસોથી ફરી બન્યા

સામાજીક કાર્યકર મિત્તલ પટેલે કહ્યું હતું કે, દરેકના જીવનમાં એવી કેટલીયે વાતો હોય છે જેને યાદ કરતા આંખ ભીની થઈ જાય. કાશ કમ્પ્યુટરની જેમ જીંદગીમાં પણ એક ડીલીટ બટન હોય તો કેવું સારુ થાત.

2017માં બનાસકાંઠામાં પુર આવ્યું ને કેટલાયના જીવનમાં ઊથલ પાથલ કરી નાખી.
ખારિયાના પરા પટણીઓઢામાં દેવીપૂજક પરીવારો રહે. ખેતીવાડીની આછી પાતળી જમીન ને કાંઈક મહેનત કરીને આ પરિવારોએ બનાવેલા ઘરો.
પણ પુરમાં બધુ તારાજ થઈ ગયું. 50 ઉપરાંત પરિવારોના પાકા ઘર જમીનદોસ્ત થઈ ગયા. તો ક્યાંક સાવ જર્જરીત થઈ ગયા. પુરનું પાણી ચોમેર ફરી વળતા ઘણા પરિવારો તો ખીલે બાંધેલા ઢોરેય છોડી નહોતા શક્યા.

પટણીઓઢામાં રહેતા દાડમ બહેનને એ વખતે મળેલી. વાત કરતા કરતા જ રડી પડેલા. કેમના બેઠા થઈશું તેવું તેમણે કહેલું…
અમારાથી શું થઈ શકશે તેની અમનેય ખબર નહોતી પણ આફતમાં આવી પડેલાં આપણા સ્નેહીજનોની પડખે ઊભા રહેવાનું તો કરવાનું હતું.
અમારી સાથે સંકળાયેલા પ્રિયજનોને મદદ માટે અપીલ કરીને સૌએ થાય તે મદદ કરીને જુઓ દાડમબહેન જેવા 219 પરિવારોના ઘરો ફેર ઊભા થઈ ગયા. પ્રત્યેક પરિવારને 50,000 થી લઈને 70,000 સુધીની મદદ કરી. આ પરિવારોએ પણ મહેનત કરીને ઘર બાંધકામમાં પૈસા જોડ્યા ને રૃડા ઘરો ઊભા થયા.
દાડમ બહેનને પુર પછીના દિવસોમાં મળેલી ત્યારે તેમણે પુરમાં જર્જરીત થયેલું તેમનું ઘર બતાવેલું તેઓ સખત હતાશ જણાતા હતા. પણ હમણાં તેમના ઘરે જવાનું થયું ત્યારે સ્નેહીજનોની મદદથી VSSM દ્વારા બંધાયેલું ઘર જોયું ને એના ઓટલે હુંયે બેસી.
ક્યાં હતાશ દાડમ બહેન ક્યાં અત્યારના મોંઢા પર હાસ્ય સાથે જીંદગી ફેર શરૃ કરેલા દાડમ બહેન….
VSSMના સંવેદનશીલ કાર્યકર નારણ, ઈશ્વર અને પટણી ઓઢા વસાહતના યુવાન આગેવાન પ્રવિણની આભારી છું. આ લોકો જ હતા જે સતત આ પરિવારોની સાથે રહ્યા ને હિંમત આપી.
સૌથી મોટો આભાર આ પરિવારોને ઘર બાંધી આપવામાં મદદરૃપ થનાર પ્રિયજનોનો. એમની મદદ મળી ના હોત આ બધુંએ થવું અશક્ય છે.