પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના ઘરે સાંજે કેન્ડલ માર્ચ યોજાશે

અમદાવાદ – કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત અને આશ્વાસન આપવા અનેક લોકો એકઠા થઈ કેન્ડલ લાઈટ કરી પ્રાર્થના કરશે. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો સોમવારે સાંજે ડ્રાઈવ ઈન રોડ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ સામે આવેલા સંજીવ ભટ્ટના ઘરે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમ માટે વિશેષ શાખા તરફથી મજૂંરી આપી દેવાઈ છે અને ઘાટલોડીયા પોલીસને કાર્યક્રમ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.
ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પી.એમ.ગામીતે જણાવ્યું છે કે, કાર્યક્રમ માટે એડવોકેટ કૌશરઅલી સૈયદે અરજી કરી છે. કાર્યક્રમને ઉચ્ચ અધિકારીએ મજૂંરી આપવાની સાથે સોમવારે સાંજે સાત વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી સંજીવ ભટ્ટના ઘરે તેમજ મેમનગર વિસ્તારમાં બંદોબસ્ત રાખવા આદેશ કર્યો છે. કાર્યક્રમમાં પચ્ચીસેક લોકો હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ કૌશરઅલી સૈયદે જણાવ્યું છે કે, સરકારે પહેલા કસ્ટોડીયલ ડેથ કેસમાં વિરોધ કર્યો હતો અને એ જ કેસમાં સંજીવ ભટ્ટને સજા થઈ છે. અમે સંજીવ ભટ્ટના પરિવાર સાથે ઉભા છીએ. પરિવારને હિંમત અને આશ્વાસન આપવા 70થી 100 લોકો આવે તેવી સંભાવના સૈયદે વ્યક્ત કરી છે.