માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુલાઈ 2018ના રોજ સમગ્ર રાજ્યમાં લેવાઈ હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી કરી હતી. તેના 70 દિવસ પછી અરવલ્લી પોલીસે તપાસ કરીને પેપર ફૂટી ગયાનું સંપૂર્ણ સત્ય જણાતા એફ.આઈ.આર. નોંધીને ગુન્હો દાખલ કરેલ છે. પરિણામે, ટાટની પરીક્ષા રદ્દ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી છે.
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીકની ઘટનાથી મહેનત કરીને શિક્ષક તરીકે પ્રમાણિક પ્રયત્નોથી કારકિર્દી ઘડવા માંગતા હજારો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ટેટ- ટાટની પરીક્ષામાં ગેરરીતી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે. અનેક યુવાન-યુવતી કે જેઓ પરીક્ષા આપેલ છે તેઓએ પેપર લીક પાછળ લાખો રૂપિયાના નાણાકીય વ્યવહારની ફરિયાદો કરી છે. ટાટની પરીક્ષાનું પેપર રૂ.૫ લાખથી રૂ.૮ લાખમાં વેચાયાની અનેક જગ્યાએથી મોબાઈલ નંબર સાથે ડીટેઈલ ફરિયાદ છતાં હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
વર્ષ 2014માં 1500 તલાટીની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું. અને વ્યાપક ફરિયાદ બાદ 4 જુલાઈ 2015ના રોજ ભાજપ સરકારનેના છૂટકે ભરતી રદ્દ કરવાની ફરજ પડી હતી.
રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા 10 વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે. ભાજપ શાસનમાં મોટા ભાગની સરકારી નોકરીઓમાં ગેરરીતી અને આર્થિક વ્યવહાર દ્વારા ભરતી કૌભાંડ કરવામાં આવે છે. તલાટી કાંડ બાદ રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ પણ ઘણું મોટું અને વ્યાપક છે. ભાજપ સરકારમાં એક પછી એક સરકારી નોકરીના ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે. શિક્ષક ભરતી કૌભાંડની ગંભીરતા એટલે વધુ થાય છે કે, આખી નવી પેઢીને તૈયાર કરનાર શિક્ષકની ભરતી જ પાછલા દરવાજે થાય તે કેટલા અંશે યોગ્ય છે ?
– 1.47 લાખ ટાટ પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા હોય ત્યારે અરવલ્લી પોલીસે તપાસ કરી તો પછી રાજ્યવ્યાપી કૌભાંડ અંગે ગાંધીનગર હદ્દમાં આપેલી ફરિયાદ અંગે ગાંધીનગર પોલીસ કેમ તપાસ કરતી નથી ?
– ગાંધીનગર જીલ્લાના ચિલોડા નજીકની હોટેલમાં ટાટની પરીક્ષા આપનારને રાખવામાં આવ્યા હતા તે અંગે 70 દિવસ જેટલો સમય પછી પણ તપાસ નહિ ત્યારે રાજ્યવ્યાપી કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કોને બચાવી રહ્યું છે ?
- ટાટના પરીક્ષાર્થીઓ અને જાગૃત નાગરિકોએ મોબાઈલ નંબર, ગેરરીતીના સ્થળો સહિતની માહિતી આપ્યા છતાં આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ કેમ એકત્ર કરવામાં આવ્યા નથી ?
– ટાટના પરીક્ષાર્થીઓ અને જાગૃત નાગરિકોએ મોબાઈલ નંબર, ગેરરીતીના સ્થળો સહિતની માહિતી આપ્યા છતાં આજ દિન સુધી કોલ ડીટેઈલ રીપોર્ટ કેમ એકત્ર કરવામાં આવ્યા નથી ?
– શિક્ષણના વ્યાપક હિતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ટકી રહે તે માટે રાજ્ય સરકાર કેમ તટસ્થ તપાસ કરતી નથી ?
ટાટ ની પરીક્ષામાં પેપર ફૂટી જવાની રાજ્યવ્યાપી કૌભાંડ-ઘટના અને આર્થિક લેવડ-દેવડની મોટા પાયે ફરિયાદ અંગે રાજ્ય સરકાર તાત્કાલિક તટસ્થ તપાસ કરાવે અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથા સામે સખત પગલાં ભરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયામાં વારંવાર ગેરરીતી અને મોટા પાયે આર્થિક લેવડ-દેવડના કિસ્સાઓ સામે આવ્યા છે. HTAT ની ભરતીમાં આણંદ ખાતે મોટું ભરતી કૌભાંડ આવ્યું, ટ્રાઇબલ ડેવલોપમેન્ટની ધોરણ- 6 થી 8 ની વિદ્યાસહાયક ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું, અનેક વખત વિદ્યાસહાયકોની ભરતીના મેરીટમાં ગેરરીતિઓ થઈ, નર્સિંગ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કર, તલાટી, વર્ગ-૩ અને ૪ ના ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક સહિતની ભરતીઓ તથા ખોટા સર્ટીફીકેટો, નકલી પદવી દ્વારા નોકરીની ગોઠવણ અંગે અનેક ફરીયાદો રાજ્ય સરકારને મળી હોવા છતાં ભાજપ સરકાર આંખ આડા કાન કર્યા છે. સાચા લોકોને ન્યાય મળવાને બદલે કૌભાંડ કરનારાઓને સરકાર બચાવવાનું કામ કરી રહી છે.