ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખીને જનતા દરોડો પાડતાં ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી પડેલી મગફળીના ઢગલા મળી આવ્યા હતાં. નિયમ મુજબ બારદાનમાં ભરેલી મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી હતી.
બારદાન વાંકે મગફળી ખરીદવામાં આવતી નહોતી ને જનતા રેડમાં બારદાનના ઢગલા મળી આવ્યા હતાં.
ગોડાઉન ઉપર ખુલ્લું, પાછલા બારણે પણ ખુલ્લું મળી આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષમાં ટેકાના ભાવે 8.30 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખરીદાયેલી ટેકાના ભાવની મગફળી ગુજરાતના અલગ અલગ 400 કરતાં વધારે સ્થળોએ ખાનગી કે અર્ધખાનગી અને સરકારી ગોડાઉન કે વેર હાઉસમાં રાખવામાં આવી છે. મગફળી ખરીદી અને ગોડાઉનમાં સંગ્રહ કરેલા મગફળીના જથ્થામાં રૂ.4000 કરોડના કૌભાંડ અંગે ન્યાયિક તપાસની માંગ સાથે કોંગ્રેસ આંદોલન કરી રહી છે.
મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલતી હતી ત્યારે જ ગુજરાત કોંગ્રેસ, ખેડૂત સંગઠનોએ અનેક વખત ભ્રષ્ટાચાર થઈ રહ્યાની ફરિયાદો સરકાર સમક્ષ કરી હતી. પરંતુ સરકાર પોતે જાણે આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય તેમ તેમના વિરોધની વાત સાંભળવા તૈયાર ન હતી, ઉપરથી સરકાર જ ટેકાના કેન્દ્ર સંચાલકોની માન્યતાની કાયદેસરતા ચેક કર્યા વિના માત્ર ભાજપના કાર્યકર હોય એટલે એમને ટેકાના કેન્દ્ર ચલાવવાની મંજુરી આપી દેવામાં આવી.
મગફળીની ખરીદી સમયથી ઉઠેલા અવાજને સરકાર આંખ આડા કાન કરતી રહી હતી. ભ્રષ્ટાચારીઓ મલાઈ તારવતા રહ્યા હતાં. ઢાંક પીછોડો કરવા ગોડાઉન સળગાવ્યા હતાં. બારદાન સળગાવ્યા હતાં. પણ ગુજરાતના જાગૃત મીડીયાએ સરકારનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે.
પોરબંદર સ્થિત સુભાષનગરમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ગોડાઉન કે વેર હાઉસમાં પણ આ ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્ટોક રાખવામાં આવ્યો હોય, આ ગોડાઉનમાં ખરેખર કેવી મગફળી છે તે બાબતે તપાસ કરવા પોરબંદરના મીડિયાને સાથે રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આ ગોડાઉન પર જનતા રેડ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી.
ગોડાઉનમાં આગળ દરવાજામાં તાળું છે, ચોકીદાર છે પરંતુ પાછળના ભાગે ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે ગોડાઉન ઉપરથી તૂટેલો છે, વરસાદનું પાણી ગોડાઉનમાં ઉતરે છે.
ગોડાઉનમાં લુઝ/છૂટી મગફળીના ઢગલા કેમ પડ્યા છે ?
ગોડાઉનમાં ખાલી બારદાનના ઢગલા મળી આવ્યા આ ખાલી બારદાન અનેક સવાલ ઉભા કરે છે.
– બારદાન ખાલી કેમ ?
– કોના બારદાન પડ્યા છે ?
– શું પાછલા બારણેથી મગફળીમાં હેરાફેરી કરવા ખાલી બારદાનના ઢગલા પડ્યા છે?
મગફળી સાથે ધૂળ – રેતી મળી આવી
સારી ગુણવત્તાની જગ્યાએ નબળી ગુણવત્તાવાળી મગફળી મળી આવી.
જનતા રેડમાં ચોંકાવનારી હકીકત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર મગફળીના સ્ટોક માટે ગોડાઉન પસંદ કરે છે ત્યારે ઘણી બધી સિક્યુરીટી અને સેફ્ટીની બાબતો વિચાર્યા પછી જ ગોડાઉન પસંદ કરે છે. તો ઉપરથી અર્ધ તૂટેલ – ફૂટેલ એવું ગોડાઉન શા માટે પસંદ કરવામાં આવ્યું? જો પાછળ ચોર દરવાજો હોય તો આગળ ચોકીદારને બેસાડવાની શું જરૂરિયાત છે? છૂટી પડેલી મગફળીના ઢગલા અને ખાલી બારદાનના ઢગલા સરકારની સિસ્ટમ પર હજારો સવાલ ઉભા કરે છે. આ તો પોરબંદરના એક ગોડાઉનની વાત થઈ રાજ્યના મગફળીનો જથ્થો સંગ્રહ કરેલ અનેક ગોડાઉનમાં ગેરરીતિઓ સામે આવે છે, ત્યારે સરકાર ન્યાયિક તપાસ કરે.