પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે

સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો  ૭ જિલ્લાઓ બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્‍ટમ શરૂં કરી છે.

સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે. જેમાં સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે.

રૂ. ૨૫૦ કરોડના ખર્ચથી અધતન ટેકનોલોજી વડે આ સિસ્ટમ અમલી બનાવાઇ છે, જે પોલીસ અને પ્રજાને ઉપયોગી નિવડશે. સર્વેલન્સ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટના સંચાલન માટે પાલનપુર શહેરમાં ૨૨ લોકેશન ઉપર ૧૮૮ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૯ લોકેશન ઉપર ૫૮ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ખુબ જ આધુનિક છે. જેનાથી ટ્રાફિકના નિયમોના ભંગ ઉપર નજર રાખી શકાય છે. ઇ-ચલણ માટેના એ.એન.પી.આર. કેમેરા દ્વારા નંબર પ્‍લેટ વાંચી શકાય છે. ગુનાઓ અટકાવવા, ગુનાઓને શોધી ઝડપી નિકાલ માટે તથા અસામાજીક તત્વોની ઓળખ માટે આ વ્‍યવસ્‍થા ખુબ ઉપયોગી થશે.

આ પ્રોજેકટ ગુજરાત પોલીસ આવાસ નિગમ, બીએસએનએલ, આર એન્ડ બી અને જીઆઇએલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ ત્રિનેત્ર આપણી ઉપર નજર રાખી રહી છે તેવી વ્યવસ્થાથી ગુનાઇત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા ગુનેગારોને પણ ઝડપથી પકડી શકાશે. નજીકના સમયમાં જ રાજ્યભરમાં જાહેર સ્થળોને આ સિસ્ટમથી આવરી લેવાશે.

પ્રોજેકટથી ટ્રાફિક વ્યવસ્થા ખુબ સારી રીતે જળવાશે. ટ્રાફિક નિયમોના જરાપણ ભંગ બદલ મેમો વાહનચાલકના ઘરે પહોંચી જશે. વારંવાર મેમો આપવા પડે તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવશે.

પણ સરકારના કર્મચારીઓને આ નેટવર્ક દ્વારા મેમો મળે એવી કોઈ જોગવાઈ નથી.

સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપથી નાગરિકોને પોલીસ દ્વારા ૧૪ સુવિધાઓનો લાભ અપાશે. જેમાં એફ.આઇ.આર.ની નકલ, સિનિયર સિટિઝનની માહિતી, ના-વાંધા પ્રમાણપત્ર અને વેરિફિકેશન સર્ટિફિકેટ, ખોવાયેલ અને ચોરાયેલ મિલ્કતની જાણ વગેરે જેવી પોલીસ કામગીરીને લગતી સુવિધાઓ નાગરિકો ઓનલાઇન સિસ્ટમથી ઘેરબેઠાં મેળવી શકશે.

સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ પ્રજા અને પોલીસ બંનેને બહુ ઉપયોગી નિવડશે. ઇઝરાઇલ અને અમેરિકા જેવા દેશો સાથે પરામર્શ કરી લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો કામ કરે છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રોજેક્ટ શરૂં કરાવ્યો હતો.

ડી.જી.પી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યની જનતાની સલામતી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ બહુ ઉપયોગી નિવડશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે અમલી બનાવાયેલી આ સર્વેલન્સ સિસ્ટમથી શહેરો તથા ધાર્મિક સ્થળોના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખી શકાશે. આ પ્રોજેક્ટને અમે એક જવાબદારી તરીકે સ્વીકારી પ્રજાને શાંતિ અને સલામતિનો અનુભવ કરાવીશું.