પોલીસ તંત્રની ખામી અધિકારીઓની પરેશાનીનું કારણ

ગાંધીનગરમાં પોલીસ અધિકારી એકાએક ગુમ થઈ જવા પાછળનું કારણ પોલીસ અધિકારીઓની દાદાગીરી અને જોહુકમી ઉપરાંત રાજકીય નેતાઓની દખલગીરી જવાબદાર હોવાનું બહાર આવ્યા બાદ હવે પોલીસ અધિકારીઓ સામે ઘણાં કર્મચારીઓ ફરજમાં રૂકાવટ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. ગાંધીનગરની રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર ગુમ થઈ ગયા છે. ચીઠ્ઠીમાં તેઓએ ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આઈબી ચીફે એવો આરોપ મૂક્યો હતો કે, પીએસઆઇ અનિલની ગેરકાયદે પ્રવૃતિઓમાં સંડોવણી હતી. આ કારણે તેઓની અનેક વખત બદલીઓ કરાઇ હતી.

ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા 70 હજાર પોલીસ કર્મચારીઓ શિસ્તના નામે અધિકારીઓની તાનાશાહીનો ભૉગ બની રહ્યાં છે. આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. ભોગ બનનાર અન્ય કર્મચારીઓ વિરોધ કરતા જોવા મળ્યા છે. સામાન્ય રીતે પોલીસ વિભાગમાં કર્મચારીઓ ફરજમાં ખલેલ અને રાજકીય ભારે દખલગીરી વચ્ચે ફરજો બજાવતા હોય છે. પોલીસ મથકમાં તો રોજનું થયું છે. કાયદો બાજુ પર રહી જાય છે અને ઓળખીતાઓને ફાયદો કરાવી આપવા દબાણ કરવામાં આવે છે. જે શિસ્તના નામે મુંગા મોઢે સહન કરતા હોય છે. જે રાજકીય દખલનો વિરોધ કરે તેમને ડિફોલ્ટ કરવામાં આવતા હોય છે.

પોલીસ અધિકારી દ્વારા ડિફોલ્ટ કરવામાં આવતા નિર્ણયો ખરેખર વ્યાજબી ગણવા કે નહિ તે પોલીસ અધિકારી સામે મોટો પ્રશ્ન છે. અધિકારી દ્વારા કરવામાં આવેલા ડિફોલ્ટ રિપોર્ટની માહિતી ઉચ્ચ અધિકારી અને અમલદાર વચ્ચે હોય છે, તે ખાનગી રાખવામાં આવે છે. આવા સંજોગોમાં પોલીસ કર્મીને બચાવની કોઈ તક મળતી નથી. તેમાં કોઈ પારદર્શિતા હોતી નથી. તેથી પોલીસમાં તેનો દૂરઉપયોગ થઈ રહ્યો છે.

પોલીસ કર્મચારીઓએ માંગણી કરી છે કે, શિસ્તના નિર્ણયોનો નિર્ણય કરવાની સત્તા અધિકારીના બદલે ચોક્કસ કમિટી બનાવી તે નિર્ણય કરે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સરકારમાં દરેક કર્મચારીના અધિકારોની વાત કરવામાં આવે છે, તો પોલીસ કર્મચારીઓને આવા અધિકારો અપાતાં નથી. ભારતના લશ્કરમાં પણ બચાવ માટેની તક આપવામાં આવે છે. પણ ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સામે પગલાં ભરાય છે ત્યારે તેને બચાવની તક આપવામાં આવતી નથી. ઉપલા સ્તર સુધી ચેઈન હોવાના કારણે સ્થાનિક કર્મચારીઓને હંમેશા ડિફોલ્ટના કારણોથી વંચિત રહેવું પડતું હોય છે.

જિલ્લા પોલીસ સલાહકાર બોર્ડ રજુઆતો કરે છે. પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. જેનો ફાયદો રાજકારણીઓ અને પોલીસ અમલદારો બેફામ રીતે ઉઠાવીને મનમાની કરી રહ્યાં છે. જે ગાંધીનગરના કિસ્સા પરથી સાબિત થાય છે.