પોલીસ મથકમાં બાળકો માટે અલગ ખંડ શરુ કરાશે

સચિવાલયમાં પિતાની સાથે આવતાં નાના બાળકો માટે અલગ પ્લે રૂમ બનાવાયા બાદ હવે રાજ્યનાં 900 પોલીસ મથકમાં ફરિયાદ કરવા માતા-પિતા સાથે આવતાં બાળકો માટે બાળકો માટેનો અલગ ઓરડો બનાવવા માટે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. બાળ ગુનેગારો, ફરિયાદ કરવા કે પાસપોર્ટના કામ માટે આવતાં લોકોને સાથે નાના બાળકો પણ પોલીસ મથકે આવતાં હોય છે. પોલીસ મથકમાં લોકઅપ, પોલીસની ઉગ્રતા કે તોછડાઈભરી વાતચીત, ગુનેગારોની સતત અવરજવર સહિતના માહોલમાં બાળકોના મગજ પર વિપરીત અસર પડતી હોય છે. બાળ ગુનેગારો કે ગુનાનો ભોગ બનનારા બાળકો કે માબાપ સાથે પોલીસ સ્ટેશનમાં આવતા બાળકોને પોલીસ સ્ટેશનમાં ફ્રેન્ડલી વાતાવરણ મળે તે હેતુથી ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જે ક્રમશઃ રાજ્યભરમાં અમલી થશે.

બાળ ગુનેગારોને પોલીસ મથકમાં પણ ઘર જેવું સારું વાતાવરણ મળી રહે તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. ગુનેગારો ગુનો કરતાં અટકીને સારું જીવન જીવે તેના માટે બાળ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પડાશે. ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરમાં બાળકોને પ્રિય એવાં સાધનો હશે, દીવાલને રંગીન બનાવાશે.  બેંચીસ, રમકડાં, સ્ટોરી બુક્સ, ઓડિયો-વી‌ડિયો ફેસિલિટીઝ, પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. સાથે સાથે પોલીસ બાળ ગુનેગારોના ગુણ અંતર્ગતની કાયદેસરની પ્રક્રિયા પણ આ જ જગ્યાએ સહેલાઇથી હળવા વાતાવરણમાં પૂરી કરશે. ગાંધીનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં આ કોન્સેપ્ટ શરૂ થઈ ચૂક્યો છે.