પ્રચારની સાથે પક્ષોમાં પક્ષપલટો

અગાઉ ક્યારેય ન થયા હોય એવા પક્ષપલટા અમિત શાહ અને અમિત ચાવડાના સમયમાં થયા છે. પ્રચારની સાથે પક્ષ પલટુઓ સતત પક્ષાંતર કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને એનસીપીમાં આવા પલટીબાજો છેલ્લાં દિવસો સુધી પલટી મારી રહ્યાં છે. મહેસાણા ભાજપના વીસનગર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ પી. કે. પટેલ પોતાના 200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલની હાજરીમાં કોંગ્રેસમાં પ્રેવશ મેળવ્યો હતો. પી. કે. પટેલના કોંગ્રેસમાં જોડાવાના કારણે મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગોંડલ નગરપાલિકાના ભાજપના 10 કોર્પોરેટરો સાથે ગોંડલ ભાજપના પાયાના કાર્યકર્તા સ્વ. ગોવિંદ દેસાઈ અને પી. આર. જાડેજાના પુત્રએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

મહેસાણા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો ભાજપમાં શામેલ થઇ જતા લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. મહેસાણા ભાજપના કમલમ્ કાર્યાલય ખાતે આજે જિલ્લા પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરીને ત્રણ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થનારા સભ્યોમાં રાકેશ મિસ્ત્રી, ભાવના ઠાકોર અને વનરાજસિંહ ચાવડાનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ  કોંગ્રેસ શાસિત તાલુકા અને જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં છે. બીજા એક-બે દિવસમાં પણ કેટલાક સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.