પ્રદુષણથી માછલીઓના મોત, 400 ગામનું પાણીનું તળાવ પણ પ્રદુષિત

તારાપુરના ગોરાડ ગામેથી પસાર થતો અને ખંભાતના વડગામ દરિયાને જોડતા કાંસમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આશરે એક ટન જેટલી મોટા કદની મૃત માછલીઓનો જોઈને પર્યાવરણપ્રેમીઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર રોષ ઠાલવ્યો હતો.

તારાપુર વિસ્તારમાં એક મહિનામાં ત્રીજો બનાવ છે. આ પહેલાં કનેવાલ તળાવમાં માછલીઓના મરણ બાબતે તંત્રને જાણ કરવા છતાં કોઈ તપાસ થઇ ન હતી. ગામલોકોના કહેવા પ્રમાણે હાઈવે પર રાત્રી દરમિયાન કેમિકલ માફિયા બેફામ બન્યા છે, જેમાં બોઈલર રાઈસ મીલો સામેલ છે. જેમાં ડાંગરને કેમિકલ પ્રોસેસથી બોઈલ કર્યા બાદનું કેમિકલ નિયમોનુસાર નિકાલ કરવાના બદલે આસપાસમાં વહેતા પાણીના પ્રવાહમાં છોડી દેવામાં આવે છે.

તળાવમાં આવું થયું હતું.

કનેવાલ તળાવમાં છોડવામાં આવેલા પાણીમાં કોઇ કેમીકલ ભળી ગયું હતું. તેના કારણે તળાવમાં મૃતહાલતમાં હજારો માછલી જોવા મળી હતી. જેની જાણ પ્રદુષણ બોર્ડ તથા સિંચાઇ વિભાગને થતાં પાણીના નમુના લઇ તપાસ હાથ ધરી છે.

તારાપુર તાલુકાના ઇસનપુર, ખાખસર, રેલ, વલ્લી અને ખંભાત શહેર સહિત તાલુકાના ગામડાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના ગામો મળીને 400 જેટલા ગામોમાં કનેવાલ તળાવમાંથી પાણી આપવામાં આવે છે. સિંચાઇ વિભાગ દ્વારા દર પંદર દિવસે કેનાલનું પાણી તળાવમાં છોડવામાં આવે છે. તળાવની માછલીઓ મરણ પામીને પાણી પર તરતી જોવા મળી હતી. સિંચાઇ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઇ તળાવને તપાસ કરી હતી. તેમજ મચ્છી પકડવાનો ઠેકો લેનારને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. સિંચાઇ વિભાગના અધિકારીઓએ આ બનાવને ગંભીરતાથી લઇ તાત્કાલિક પ્રદુષણ બોર્ડને જાણ કરતાં અધિકારીઓ કનેવાલ તળાવ ખાતે દોડી આવ્યા હતા. રેલ ગામની નહેરથી કેનાલ સુધીના વિસ્તારમાં કંઇ ગરબડ થઇ હોવાનું માલુમ પડ્યું છે.