પ્રધાનની કચેરીમાં ભ્રષ્ટાચાર પકડાતાં, રૂપાણીએ તાકીદે બેઠક બોલાવી

જાહેર રજાના દિવસે સામાન્ય રીતે ગુજરાતના પ્રધાન મંડળની બેઠક મળતી નથી. આજે ઈદ હોવાના કારણે રજા હોવા છતાં તાબડતોબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સવારે 10 કલાકે 21 નવેમ્બર 2018ના રોજ કેબિનેટ બેઠક બોલાવી છે. ગઈકાલે વિજય રૂપાણીની સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કરનું નામ CBI લાંચ કેસમાં નિકળતાં તુરંત આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવે એવી શક્યતા છે. દિલ્હી ભાજપના હાઈકમાન્ડ તરફથી સૂચના આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ભ્રષ્ટાચારી હરિ ચૌધરીના એજન્ટ તરીકે વિપુલ ઠક્કર કામ કરતો હોવાનું બહાર આવતાં ભાજપ સરકારે પ્રધાન મંડળની બેઠક બોલાવી છે. કોઈ એક પ્રધાન ભૂલ કરે તો તે સમગ્ર પ્રધાન મંડળની જવાબદારી બને છે. તેથી ભાજપના નેતા અને પ્રધાન પરસોત્તમ સોલંકીની કચેરી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ હોવાથી તેની જવાબદારી પ્રધાન મંડળની જવાબદારી ગણવામાં આવે છે. તેથી એક એવું અનુમાન છે કે પરસોત્તમ સોલંકીને પડતા મૂકીને બીજા 90 ટકા ધારાસભ્યો નારાજ છે તેમાંથી કોઈને પ્રધાન બનાવવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે. એવી વિગતો મળી છે કે, ગુજરાત સરકાર પરથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંકૂશ ગુમાવી દીધો હોવાથી દિલ્હી તેમનાથી નારાજ છે. તેથી તેમને પણ ઠપકો આપવામાં આવ્યો હોવાનું સૂત્રો માની રહ્યાં છે. ખેડૂતોનો ફરી એક વખત મોટો પ્રશ્ન ઊભો થયો છે. વળી, અનેક ધારાસભ્યો, ચાર સંસદસભ્યોના ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી છે. બીજું, કોળી આગેવાન તરીકે પરસોત્તમ સોલંકી રહ્યાં હતા, હવે તેમનું સ્થાન લઈ શકે એવા કુંવરજી બાવળીયા પક્ષાંતર કરીને ભાજપ સરકારના ભાગ બની ગયા છે, તેથી સોલંકી બંધુની હવે કોઈ જરૂર ભાજપને રહી નથી. તેથી સોલંકીને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.