કોંગ્રેસના કાર્યકર્તાઓએ મંગળવારે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા કોંગ્રેસ ભવનમાં 40 જેટલા કાર્યકર્તાઓ તોડફોડ કરી હતી. પાર્ટીએ આ તમામ કાર્યકર્તાઓ સામે પગલાં ભરવાની વાત ઉચ્ચારી છે. સોમવારે ત્રણ પક્ષીય મહારાષ્ટ્ર સરકારના કેબિનેટનો વિસ્તાર થયો હતો. પુણે જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ પુણે શહેર કોંગ્રેસ ભવનમાં ઘુસીનો તોડફોડ કરપવાનું શરૂ કરી દીધું હતું. પોતાના નેતાને કોઈ મંત્રીપદ ન મળતા સમર્થકોમાં નારાજગી હતી. મંગળવારે સાંજે 6.30 વાગ્યે 40 જેટલા કાર્યકરો કોંગ્રેસ ભવનમાં ધસી આવ્યા હતા.
જેમણે જોરશોરથી સંગ્રામ થોપટેના સમર્થનમાં નારેબાજી કરી હતી. ત્યાર બાદ કાર્યાલયના ત્રણથી ચાર રૂમમાં પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓએ લાકડી અને ધોકાથી કાચ તોડી નાંખ્યા અને કાર્યાલયના કોમ્પ્યુટરનો ભુક્કો બોલાવી દીધો. આ ઉપરાંત જે સામે આવ્યું એના પર ધોકાવાળી કરી હતી. જ્યારે આ તોડફોડ કરવામાં આવી રહી હતી. ત્યારે કાર્યાલયમાં માત્ર ત્રણથી ચાર જ કર્મચારીઓ હાજર હતા. પક્ષ પ્રવક્તા રમેશ નાયરે જણાવ્યું હતું કે,કાર્યકર્તાઓ સંગ્રામ થોપટેના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતા પુણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં શોર-બકોર કરી રહ્યા અને નારેબાજી કરતા 15થી 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રમેશ બાગવેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરવાના બદલે કોંગ્રેસ હાઈકમાન્ડને ફરિયાદ કરવી જોઈએ. જે લોકો આ પ્રકારની તોડફોડ કરી છે એમને છોડવામાં નહીં આવે. આકરા પગલાં એમની સામે લેવામાં આવશે. CCTVની મદદથી એમને શોધીને એમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. પુણે શહેરમાં આ પ્રકારનો આ ત્રીજો બનાવ છે જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ નારાજ થઈને કોઈ તોડફોડ કરી હોય. આ કોંગ્રેસ ભવનનો પાયો આઝાદીના સમય પહેલા નાંખવામાં આવ્યો હતો.