પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્ટો કહે છે કે આ તો તેજીની હજુ શરૂઆત છે, ચોથા ત્રિમાસિકમાં ભાવ ૧૧૦૦ ડોલરની ઉંચાઈએ વટાવી શકે છે. પ્રેસિયસ માર્કેટમાં રોકાણકારોનો ઝુકાવ, તાજેતરમાં જેમ જેમ વધી રહ્યો છે તેમ પહેલા સોનું, પછી ચાંદી અને હવે પ્લેટીનમનો વારો આવ્યો છે.

એક ભારતીય પ્લેટીનમ આયાતકારે કહ્યું કે લાંબા સમયથી આ ધાતુના ભાવ વધવાના બાકી રહી ગયા હતા. ચાર વર્ષ અગાઉ ડીઝલ વાહનો સામે, જાગતિક હવામાન બગાડનાર તરીકે કાવતરું ઘડવામાં આવ્યું ત્યાર પછીથી પ્લેટીનમની માંગ સંઘર્ષ કરવા લાગી હતી. સોના સાથેનો ઘનિષ્ઠ સંબંધ જોતા ભાવ ઉંચે જવાની હજુ તો શરૂઆત થઇ છે. પ્લેટીનમમાં હવે છેક, સટ્ટાકીય નાણાનો પ્રવાહ આવવો શરુ થયો છે. તેજી માટે ઘણા બધા ફંડામેન્ટલ કારણો પણ અસ્તિત્વમાં છે. તેમનું કહેવું છે કે રોકાણકારોનો કોઈ પણ સફેદ કે પીળી ધાતુ માટેનાં મોહને તમે કદી અવગણી નહિ શકો.

સોનાની તેજી જેઓ ચુકી ગયા તેવા રોકાણકારો ચાંદી અને પ્લેટીનમ તરફ વળ્યા છે, જેનું મુલ્ય હજુ ખુબ ઓછું છે. અલબત્ત, પ્લેટીનમ ઈટીએફમાં રોકાણકારોની જબ્બર માંગ નીકળી હોવા છતાં આ સફેદ ધાતુમાં હજુ સુધી તેજી કેમ નથી આવી, તેનું આશ્ચર્ય એનાલીસ્ટોને છે. વર્લ્ડ પ્લેટીનમ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલનો ડીમાંડ સપ્લાયનો ત્રિમાસિક અહેવાલ કહે છે કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પ્લેટીનમ ઈટીએફમાં ૬.૯ લાખ ઔંસની ઇન્વેસ્ટમેન્ટ માંગ નોંધાઈ હતી. ૨૦૦૭મા પહેલી વખત ફીઝીકલ અધારવાળા પ્લેટીનમ ઈટીએફ તરતા મુકાયા ત્યાર પછી કોઈ પણ ત્રિમાસિકમાં થયેલા રોકાણમાં આ એક વિક્રમ હતો અને ઈટીએફ પ્લેટીનમ હોલ્ડીંગ પણ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યું હતું.

એક વખત પ્લેટીનમ બજારમાં નાણાનો મોટો પ્રવાહ આવતો થાય એટલે તેજીના મંડાણ થાય. તાજેતરમાં આવાં નાણા બજારમાં ઠલવાઈ રહ્યાનો એહસાસ ગત ગુરુવારે થયો, જયારે એક દિવસમાં આ ખુબ નાની કહેવાતી બજારમાં પ્લેટીનમનાં ભાવ ૩૫ ડોલર ઉછળ્યા હતા. સતત વધી રહેલા સોનાના ભાવને લીધે પ્લેટીનમ અને સોનાના ભાવ વચ્ચેનો ગાળો ખુબ મોટો થઇ ગયો છે. પરિણામે યુવાનો સોનાને બદલે હવે પ્લેટીનમ જ્વેલરી તરફ આકર્ષિત થયા છે. એપ્રિલ જુન ત્રિમાસિકમાં ભારતમાં પ્લેટીનમ જ્વેલરીની માંગમાં ૨૯ ટકાનો વધારો નોંધાતો હતો અને બાકીના સમયમાં માંગ વૃદ્ધિદર ૨૫ ટકા રહેવાનું અનુમાન છે. સોના અને પ્લેટીનમના મોટા ભાવ તફાવતને કારણે રોકાણકારોના રીટેઈલ ખરીદીના તર્કમાં પણ પ્રભાવ પડ્યો છે. પ્લેટીનમ ગીલ્ડ ઇન્ડીયાના મેનેજીંગ ડીરેક્ટર વૈશાલી બેનર્જી કહે છે કે પ્લેટીનમ બજાર માટે આ એક નવી તક સર્જાઈ છે.

શુક્રવારે .૯૯૯ ટચ, ૧ ગ્રામ પ્લેટીનમના ભાવ મુંબઈમાં રૂ. ૨૭૨૫ હતા તેની સામે સોનાના રૂ. ૩૯૪૫ હતા. જુન અને જુલાઈ મહિનામાં ભારતમાં પ્લેટીનમની આયાત, ગતવર્ષના સમાન ગાળાની રૂ. ૫૦ કરોડથી ૩૮૪ ટકા વધી રૂ. ૨૪૭ કરોડની થઇ હતી. વર્ષાનું વર્ષ એકલા જુનમાં ૨૧૫ ટકા અને જુલાઈમાં ૫૦૦ ટકા આયાત વૃદ્ધિ નોંધાઈ હતી. છેલ્લા કેટલાંક મહિનાઓથી પ્લેટીનમનાં ભાવ ખુબ નીચા રહ્યા હતા. મધ્ય એપ્રિલમાં ભાવ ૯૧૨ ડોલર હતો તે મે એન્ડમાં ઘટીને ૭૮૬ ડોલર હતો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૩-૯-૨૦૧૯