નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ તંત્રની પાયાની ફરજ છે, તેમ જણાવીને ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક (એડિશનલ ડીજીપી) વી.એમ.પારગીએ કહ્યું હતું કે શ્રમિક કે કોઈ કામદારને કામના સ્થળે અકસ્માત થાય તો પોલીસે એની ફરિયાદ નોંધવી જ જોઈએ અને કોઈપણ કિસ્સામાં પોલીસ અધિકારી ફરિયાદ નોંધાવાની આનાકાની કરે તો હવે તો સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે, ગુજરાતમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ પોલીસ ફરિયાદ ઓથોરિટી રચાઈ હોવાથી એમાં સંબંધિત અધિકારી સામે ફરિયાદ નોંધાવી શકાય છે. આ ઓથોરિટીમાં નોંધાયેલી ફરિયાદો સંબંધે તાકીદે કાર્યવાહી થાય છે.
ગુજરાત સરકારની સ્વાયત્ત સંસ્થા “મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન(એમજીએલઆઈ)માં “શ્રમિકો અને માનવ અધિકારો” પર વ્યાખ્યાન આપતાં અભ્યાસે મૂળ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ ઇજનેર એવા આઇપીએસ અધિકારી શ્રી પારગીએ માનવ અધિકારોના ઉત્ક્રાંતિકાળના ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની રસપ્રદ માહિતી આપી હતી અને પ્રશ્નોત્તરી દરમિયાન પણ વિસ્તારથી ઉત્તર વાળ્યા હતા.તેમણે કહ્યું હતું કે દેશના વંચિતો અને આદિવાસીઓ ભણી શક્યા એનું શ્રેય મહાત્મા ગાંધી અને એમના કાર્યકરોને આપવું પડે. બનાસકાંઠાથી ડાંગ સુધીની આદિવાસી પટ્ટીમાં ગાંધીજીના કાર્યકરોએ ગ્રામસ્વરાજ, ખાદી અને પછાતો માટે શિક્ષણની સુવિધા મળે એ માટે સ્થાપેલી આશ્રમશાળાઓનું મહામૂલું યોગદાન છે.
ગુજરાત અને રાજસ્થાન સરહદે આવેલા ખેડાપા ગામના વતની એવા શ્રી પારગી પોતે દાહોદમાં ઠક્કરબાપાએ સ્થાપેલા ભીલ સેવા મંડળ દ્વારા સંચાલિત શાળામાં ભણ્યા અને અમદાવાદની એલ.ડી. સરકારી ઇજનેરી કૉલેજમાંથી ઇજનેર થઈને સીધા આઇપીએસ થયા, એનું સઘળું શ્રેય મહાત્મા ગાંધીને આપે છે. એ કહે છે કે મહાત્મા ગાંધી તો અમારા માટે રાષ્ટ્રપિતા કરતાં પણ સવિશેષ હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારી પારગીએ કહ્યું હતું કે સરકારના શ્રમ અને રોજગાર સહિતના સરકારી વિભાગો અને પોલીસ તંત્ર વચ્ચેના સંવાદના સાતત્ય થકી શ્રમિકોના અમુક પ્રશ્નોમાં પોલીસના વલણ અંગે કોઈ ફરિયાદ હોય તો એનું નિવારણ થઇ શકે. તેમણે કહ્યું હતું કે આપણા લોકશાહી તંત્રમાં ન્યાય મળવામાં ક્યારેક વિલંબ થતો હશે, પણ સતત લાગેલા રહેનારાઓને ન્યાય મળે જ છે. નીચલા અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ ના આપે તો ઉપરી અધિકારીઓ, સરકાર અને છેવટે અદાલતોમાં ન્યાય માટે ફરિયાદને અવકાશ રહે છે એટલે સાવ નિરાશ થવા જેવું ચિત્ર નથી જ નથી.
લોકોને પોતાના અધિકારો વિશે જેટલા વધુ જાગૃત કરાશે, એટલો ફાયદો લોકોને ન્યાય મેળવવામાં થશે. જોકે પારગીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે કોઈપણ સંજોગોમાં કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી જ. પોલીસને પણ રસ્તા પર કોઈની મારઝૂડ કરવાનો અધિકાર નથી.