ફિશિંગનાં ખર્ચ સામે માછલીનાં યોગ્ય ભાવ ન મળતાં માછીમારોમાં નારાજગી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરમા માછીમારીની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ છે. પરંતુ માછલીનો યોગ્ય ભાવ ન મળતાં માછીમારોની નારાજગી જોવા મળી છે. જેને લઈ માછીમારો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
દેશ અને દુનિયાને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતાં વેરાવળ બંદરમાં આમ તો સુવિધાના નામે મીંડુ છે. પરંતુ માછીમારોને પણ યોગ્ય ન્યાય મળતો નથી. ત્યારે વાત કરવામાં આવે તો હાલમાં માછીમારીની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ છે અને માછલીનો જથ્થો પણ ખૂબ જ આવે છે. પણ માછલીનો યોગ્ય ભાવ ન મળતાં માછીમારોમાં નિરાશા જોવા મળી રહી છે. અને સિઝનની શરૂઆતથી ચાર મહીના જ માછીમારીની સિઝન હોય છે. પછી પુરતી માછલી મળતી નથી અને તેમાંય કુદરતી આફતો, ડિઝલનો ભાવવધારો, માછલીનો ઓછો ભાવ આ સહિતની આફતોનો સામનો માછીમારોને કરવો પડે છે. ત્યારે સરકાર પાસે માછીમારો તેમની માછલીનો યોગ્ય ભાવ મળી રહે તેવી એક આશા રાખીને બેઠાં છે.
માછીમારી કરવા જવા માટે આઠ માણસો ડિઝલ, બરફ, રાશન, સહિતનો માલસામાન ગણીને કુલ ચાર લાખ જેવો ખર્ચ થાય છે. તેમાં માછલી હાલ પુરતા પ્રમાણમાં મળી રહે છે તો તેનો ભાવ મળતો નથી. તો માછીમારીનો વ્યવસાય કઈ રીતે ચલાવવો એ એક પ્રશ્ન ઊભો થયો છે. હાલમાં જ્યારે બગાના ભાવ 160 હતા, ડોન માછલીના ભાવ 180 જયારે સિઝનની શરૂઆત થઈ ત્યારે ભાવ ખુલેલાં હતાં અને જયારે માછીમારો માછલી લઈને બંદર પર આવે છે. ત્યારે આજ માછલીના ભાવો ઓછાં થઈ જાય છે. તો આવું શા માટે થાય છે તે એક પ્રશ્ન માછીમારોને સતાવી રહ્યો છે. આ સ્થિતિને કારણે માછીમારોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આવનારાં દિવસોમાં માછીમારોને યોગ્ય ભાવ નહિ મળે, તો ખેડૂતોની માફક માછીમારો પણ પાયમાલ થઈ જશે.