અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી મહીનાના પ્રથમ અઠવાડીયાથી 16 દિવસ માટે 38 હજાર મીટરમાં ફલાવર શોમાં “ગાંધીજીના જીવનચરિત્રની 6 પ્રતિકૃતિઓ” જેમાં વકીલ તરીકે ગાંધીજી, મીઠી લેતા ગાંધીજી, દાંડી કૂચ બતાવાશે. ગાંધીજીએ જીવનમાં ક્યારેય મોજ શોખ રાખ્યો ન હતો. પણ અમપાના કમિશ્નર વિજય નહેરા અને ભાજપના મેયર પટેલ દ્વારા ગાંધીજીના નામે ફૂલોનું પ્રદર્શન અને ફૂલોના ગાંધી બનાવી રૂ.3 કરોડનું ખર્ચ કરશે. ગાંધીજીને આશ્રમ બનાવવાનું ખર્ચ પણ આટલું થયું ન હતું.
ગાંધીજીના નામે ભાજપના નેતાઓ પછી ટીવીમાં અને સમાચાર પત્રોમાં સમાચાર છપાવીને પ્રસિદ્ધિ લેેશે. પ્રજાના પૈસાનો ધુંમાડો હવે ગાંધીજીના નામે થઈ રહ્યો છે.
આ વખતે ગાંધીજીના નામે રૂ.3 કરોડનો ખર્ચ અમપા કરવાની છે. ફલાવર શો માં દર વર્ષે રૂ. બેથી ત્રણ કરોડનો ખર્ચ થઈ રહયો છે. જેની સામે આવક માં કોઈ જ નોધપાત્ર વધારો થયો નથી. 2017માં યોજાયેલ ફલાવર શો માં રૂ.1.70 કરોડના ખર્ચે સામે રૂ.60 લાખની આવક થઈ હતી. 2018માં રૂ.2.10 કરોડનો ખર્ચ અને રૂ.65 લાખની આવક તથા 2019માં રૂ.2.64 કરોડના ખર્ચ સામે રૂ.95 લાખની આવક અમપાને થઈ હતી.
500 થી વધુ જાતોના 1200થી વધુ તથા પેટા જાતિના 10 લાખથી વધુ રોપાનું પ્રદર્શન રાખવામાં આવશે. ફુલ છોડ રોપાઓના વેચાણ માટે ખાનગી નર્સરીના આઠ સ્ટોલ તથા જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારોના વેચાણ માટે સ્ટોલ રહેશે. શોમાં ૩૮ ફેડ કોર્ટ રહેશે.
મ્યુનિ. કમીશ્નર ફલાવર શો ના ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો (આવક) થાય તે દિશામાં વિચાર કરી રહયા હોવાથી આ વર્ષે ૧૬ દિવસ માટે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારના દિવસે પણ ફ્લાવર શો ચાલુ રહેશે.
ગયા વર્ષ કરતાં 6 ગણી જગ્યામાં થશે.
આઠ ફૂટના મચ્છરનું પણ સ્કલ્પચર બનાવવામાં આવશે. મેલેરીયા, ડેંગ્યુ અને ચિકન ગુનીયા જેવા રોગનો વ્યાપ અટકાવવા માટે એડીશ મચ્છરનું લાઇફ સાઇકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવશે.
ફ્લાવર શો 2020માં ગ્રીન વોલની સાથે ફૂટબોલ, હોકી, ક્રિકેટ, બેડમીન્ટન, વોલીબોલ, ટેબલ ટેનીસ જેવી વિવિધ રમતોના સાધનોના 20 જેટલા સ્કલ્પચર પણ બનાવવામાં આવશે. તદઉપરાંત ફ્લાવર શોમાં પાંચ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. તેમજ પ્રવેશદ્વાર પર ફૂલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ મુકવામાં આવશે.
ગત વર્ષના ફલાવર શો માં વર્ટીકલ દસ પ્રકારની વર્ટીકલ ગાર્ડન વોલ બનાવવામાં આવી હતી. આગામી ફલાવર શો માં ઓલ્ટરનેન્થ્રાની જાતો દ્વારા વર્ટીકલ વોલ બનાવવામાં આવશે. સહેલાણીઓ માટે બટર ફલાય ડીઝાઈન બેઠક, હાથી સ્કલ્પચર, ટોકગટ્રી, લોટસ ફાઉન્ટેઈન, અશોક સ્તંભ સ્કલ્પચર તથા સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ આકર્ષણ ના કેન્દ્ર બની રહેશે.