બંધ કોલેજોના બિલ્ડીંગોની સરકાર ચિંતા કરે છે, બંધ થતી કોલેજોની નહીં

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત-કેસીજીના કો-ઓર્ડીનેટર પ્રો.એ.યુ.પટેલની અધ્યક્ષતામાં ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ચાર સભ્યોમાં ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીન કુલપતિ ડો.નીતિન પેથાણીનો સમાવેશ થાય છે.

આ કમિટી આગામી દિવસોમાં રાજયમાં બંધ પડેલી એન્જિનિયરિંગ કોલેજો અથ‌વા તો જે કોલેજોને વિદ્યાર્થીઓ મળ્યા નથી તેવી કોલેજોની રૂબરૂ મુલાકાત લઇને સ્થળ તપાસ કરશે. આ સ્થળ તપાસના આધારે બંધ પડેલી કોલેજોની જમીન સહિતના ઇન્ફ્રેસ્ટ્રક્ચરનો અન્ય કોઇ હેતુ માટે ઉપયોગ કરી શકાય તે છે કે નહી તેની સમીક્ષા કરશે.

બંધ પડેલી કોલેજોમાં નવા નવા કોર્સ, વિજ્ઞાન કોલેજો, સ્કીલ ડેવલપમેન્ટને લગતાં કોર્સ ઉપરાંત અન્ય કોર્સ શરૂ શકાય તેમ છે કે નહી તેનો અભ્યાસ કરશે. કમિટીના સભ્યો જરૂર જણાય તો એન્જિનિયરિંગ કોલેજોના સંચાલક મંડળો, આચાર્યો અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરીને તેમના મંતવ્યો પણ મળવશે. આ કમિટીએ આગામાી ૧૫ દિવસમાં દરેક કોલેજોની મુલાકાત લઇને તેમાં શુ થઇ શકે તેમ છે તેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કરવાનો રહેશે. આ કમિટીના અહેવાલના આધારે સરકાર આ બંધ પડેલી કોલેજોમાં નવા કોર્સ ચાલુ કરવા અંગેની કાર્યવાહી કરશે.

હાલમાં ડિગ્રી ઇજનેરીમાં ૩૫ હજાર અને ડિપ્લોમા ઇજનેરીમાં ૨૫ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આગામી દિવસોમાં ખાલી બેઠકોનો આંકડો વધે તેવી શકયતાં છે. અનેક સંચાલકોએ કોલેજો બંધ કરવા માટે દરખાસ્ત કરવાનુ નક્કી કર્યુ છે ત્યારે સરકારે બનાવેલી આ કમિટી હવે કોલેજ બંધ થાય તેના કરતાં અન્ય જરૂરી કોર્સ શરૂ થાય અને વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવા અભ્યાસક્રમો શરૂ કરશે.